સ્કીપ ટુ કન્ટેન્ટ

પવિત્ર શાસ્ત્ર વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવા વિશે શું કહે છે?

પવિત્ર શાસ્ત્ર વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવા વિશે શું કહે છે?

શાસ્ત્રમાંથી જવાબ

 મોટા થઈ ગયા પછી બાળકોની જવાબદારી બને છે કે તેઓ પોતાના વૃદ્ધ મા-બાપની કાળજી રાખે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે કે, “પહેલા તેઓ પોતાના કુટુંબની સંભાળ રાખીને ભક્તિભાવ બતાવતા શીખે. આમ, તેઓ પોતાનાં માતા-પિતા અને દાદા-દાદીને તેઓનો હક આપે, કેમ કે ઈશ્વરની નજરમાં એ યોગ્ય છે.” (૧ તિમોથી ૫:૪) જ્યારે તેઓ પોતાનાં વૃદ્ધ મા-બાપની કાળજી લે છે ત્યારે તેઓ બાઇબલની બીજી એક આજ્ઞા પણ પાળે છે. એ આજ્ઞા છે પોતાનાં માતા-પિતાને માન આપો.—એફેસીઓ ૬:૨, ૩.

 વૃદ્ધ મા-બાપની કાળજી કઈ રીતે રાખવી એ વિશે બાઇબલ કઈ ચોક્કસ જણાવતું નથી. પણ, એમાં એવા વફાદાર સ્ત્રી-પુરુષોના દાખલાઓ આપ્યા છે, જેઓએ પોતાના વૃદ્ધ મા-બાપની કાળજી રાખી હતી. સંભાળ રાખનારાઓ માટે બાઇબલમાં ઘણી સારી સલાહ આપવામાં આવી છે.

 બાઇબલ સમયમાં કુટુંબના લોકો વૃદ્ધ મા-બાપની કાળજી કઈ રીતે રાખતા હતા?

 તેઓએ પોતાના સંજોગો પ્રમાણે અલગ અલગ રીતોએ તેમની કાળજી રાખી.

  •   યુસફ પોતાના પિતા યાકૂબથી ઘણા દૂર રહેતા હતા. જ્યારે તેમના માટે શક્ય બન્યું, ત્યારે તેમણે પોતાના પિતાને તેમની પાસે બોલાવી લીધા. યુસફે પોતાના પિતા માટે ઘર અને ખાવા માટે વ્યવસ્થા કરી જેથી તે સલામતી અનુભવે.—ઉત્પત્તિ ૪૫:૯-૧૧; ૪૭:૧૧, ૧૨.

  •   રૂથ પોતાની સાસુ રહેતી હતી એ જગ્યાએ વસી ગઈ. તે પોતાની સાસુનું ઘણું ધ્યાન રાખતી હતી.—રૂથ ૧:૧૬; ૨:૨, ૧૭, ૧૮, ૨૩.

  •   ઈસુએ પોતાના મરણના થોડા સમય પહેલાં જ પોતાની વિધવા માતા મરિયમની દેખરેખ રાખવા એક શિષ્યની પસંદગી કરી.—યોહાન ૧૯:૨૬ a

 કાળજી રાખનારાઓને મદદ મળે માટે બાઇબલમાં કઈ સલાહ આપવામાં આવી છે?

 વૃદ્ધ મા-બાપની કાળજી રાખવી એ પડકાર બની શકે છે. બાઇબલમાં એ વિશે ઘણાં સિદ્ધાંતો આપ્યા છે. જેનાથી કાળજી રાખનારાઓને તેમની શારીરિક અને લાગણીમય સંભાળ રાખવા મદદ મળશે.

  •   મા-બાપને માન આપો.

     શાસ્ત્ર શું કહે છે: “તમારા માતા-પિતાને માન આપો.”—નિર્ગમન ૨૦:૧૨.

     આ સિદ્ધાંતને કઈ રીતે લાગુ પાડી શકો? તમારા માતા-પિતા પોતે જેટલું કામ કરી શકતા હોય એટલું તેમને કરવા દો. આમ, તમે તમારા માતા-પિતાને માન આપી શકશો. તેઓની દેખરેખ કોણ રાખશે એનો નિર્ણય તેમને પોતે લેવા દો. સાથે સાથે તમારાથી બનતી બધી જ મદદ કરો. આ રીતે પણ તમે તેમને આદર બતાવી શકશો.

  •   સંજોગોને સમજીએ અને માફ કરીએ.

     શાસ્ત્ર શું કહે છે: “માણસની ઊંડી સમજણ તેનો ગુસ્સો શાંત પાડે છે અને અપરાધ નજરઅંદાજ કરવામાં તેનો મહિમા છે.”—નીતિવચનો ૧૯:૧૧.

     આ સિદ્ધાંતને કઈ રીતે લાગુ પાડી શકો? જો તમારા વૃદ્ધ માતા-પિતાની કોઈ વાતથી તમને ખોટું લાગે કે પછી એવું લાગે કે તે તમારી મહેનતની કદર કરતા નથી તો તેમને સમજવાની કોશિશ કરો. કદાચ પોતાને પૂછી શકો, ‘જો હું તેઓની જગ્યાએ હોત તો મને કેવું લાગ્યું હોત?’ ત્યારે, તમે તેઓના સંજોગો સમજી શકશો અને તમને ખોટું નહિ લાગે. આમ, તમારા વચ્ચે તણાવ ઊભો નહિ થાય.

  •   બીજાઓની સલાહ લો.

     શાસ્ત્ર શું કહે છે: “સલાહ લીધા વગરની યોજનાઓ નિષ્ફળ જાય છે, પણ ઘણા સલાહકારો હોય ત્યાં કામ પાર પડે છે.”—નીતિવચનો ૧૫:૨૨.

     આ સિદ્ધાંતને કઈ રીતે લાગુ પાડી શકો? તમારા માતા-પિતાની બીમારી વિશે સંશોધન કરી શકો જેથી, તેમની સારી સંભાળ લઈ શકો. તમે તપાસી શકો કે તમારા વિસ્તારમાં સરકાર તરફથી વૃદ્ધ લોકોને મળતી કઈ સેવાઓ ઉપલબ્ધ છે. એ લોકો સાથે વાત કરી શકો જેઓએ પોતાના વૃદ્ધ માતા-પિતાની સંભાળ લીધી હોય. જો તમારૂં કુટુંબ મોટું હોય તો સાથે મળીને આ વિષયો પર ચર્ચા કરી શકો. જેમ કે, તમારા માતા-પિતાને કઈ મદદની જરૂર છે? એ મદદ કઈ રીતે આપી શકીએ? અને કઈ રીતે કુટુંબના બધા સભ્યો એને ટેકો આપી શકે?

    કુટુંબ તરીકે ભેગા મળીને વૃદ્ધ મા-બાપની કાળજી કઈ રીતે રાખવી એ વિશે ચર્ચા કરી શકો

  •   મર્યાદામાં રહો.

     શાસ્ત્ર શું કહે છે: “અહંકારની પાછળ પાછળ અપમાન પણ આવે છે, પણ મર્યાદામાં રહેતા લોકો પાસે ડહાપણ હોય છે.”—નીતિવચનો ૧૧:૨.

     આ સિદ્ધાંતને કઈ રીતે લાગુ પાડી શકો? પોતાની મર્યાદા પારખીએ. દરેક વ્યક્તિ પાસે એકસરખાં સમય-શક્તિ હોતાં નથી. એના લીધે કદાચ તમારી પાસે માતા-પિતાની દેખરેખ રાખવાનો સમય કે શક્તિ ના હોય. જો તમને લાગે કે તેઓની સંભાળ રાખવામાં તમે ખૂબ જ થાકી જાઓ છો, તો તમે કુટુંબના બીજા સભ્યોની મદદ લઈ શકો. તમે ચાહો તો વૃદ્ધ કે બીમાર લોકોની સંભાળ રાખવા, તાલીમ પામેલા લોકોની પણ મદદ લઈ શકો.

  •   પોતાની કાળજી લો.

     શાસ્ત્ર શું કહે છે: “કોઈ માણસ કદી પોતાના શરીરને ધિક્કારતો નથી, પણ એનું પાલન-પોષણ કરીને પ્રેમથી સંભાળ રાખે છે, જેમ ખ્રિસ્ત મંડળ માટે કરે છે.”—એફેસીઓ ૫:૨૯.

     આ સિદ્ધાંતને કઈ રીતે લાગુ પાડી શકો? ભલે તમારી પાસે તમારા માતા-પિતાની સંભાળ રાખવાની જવાબદારી છે. પરંતુ, તમારે પોતાનું પણ ધ્યાન રાખવાનું છે. જો તમારા લગ્‍ન થઈ ગયા હોય, તો તમારા કુટુંબની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખો. તમારે પૂરતો આરામ અને ઊંઘ લેવી જોઈએ. (સભાશિક્ષક ૪:૬) પોતાના માટે થોડો સમય કાઢો. આમ, તમે શારીરિક અને માનસિક રીતે થાકશો નહિ અને તમારા માતા-પિતાની સારી સંભાળ રાખી શકશો.

 શું બાઇબલમાં મા-બાપની દેખરેખ રાખવા માટે કોઈ સલાહ આપવામાં આવી છે?

 માતા-પિતાની કાળજી કઈ રીતે લેવી એના વિશે બાઇબલમાં સીધે સીધી સલાહ આપી નથી. મોટા ભાગના લોકો માતા-પિતાને પોતાની સાથે રાખીને તેમની કાળજી લેતા હોય છે. પણ કોઈવાર એવા સંજોગો ઊભા થાય કે બાળકો મા-બાપની કાળજી સારી રીતે ન લઈ શકે. એવા કિસ્સામાં તેઓ તાલીમ પામેલા લોકોની મદદ લઈ શકે છે. જો તમારા સંજોગો પણ એવા હોય તો કુટુંબ તરીકે ભેગા મળીને નિર્ણય લઈ શકો.—ગલાતીઓ ૬:૪, ૫.

a આ અહેવાલ વિશે એક પુસ્તક આમ કહે છે, “એવું લાગે છે કે યુસફ [મરિયમના પતિના] મરણને ઘણો સમય થઈ ગયો હતો. એટલે, ઈસુ જ મરિયમની કાળજી રાખતા હતા. અને હવે તેમના મરણ પછી શું થશે એ વિશે તેમને ચિંતા થતી હશે. . . . ઈસુ બાળકોને શીખવવા માંગતા હતા કે વૃદ્ધ મા-બાપની કાળજી રાખવાની છે.”—ધ એન.આઈ.વી. મેથ્યુ હેન્રી કોમેન્ટ્રી ઇન વન વોલ્યુમ, પાન ૪૨૮-૪૨૯.