સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય

શું અંત નજીક છે?

શું અંત નજીક છે?

શું ઈશ્વર કાયમ એવું ચાલવા દેશે કે, મનુષ્યો એકબીજા પર રાજ કરે અને આખી માણસજાતનું ભાવિ જોખમમાં મૂકાય? ના, એવું નહિ બને. આપણે જોઈ ગયા તેમ, સદીઓથી ચાલતાં દુઃખ અને અન્યાયનો અંત લાવવા ઈશ્વર પોતે પગલાં ભરશે. એમ કરવાનો તેમનો સમય નજીક આવી ગયો છે, એ વાત તમે જાણો એવી સરજનહારની ઇચ્છા છે. તે જણાવે છે કે પોતે કઈ રીતે એમ કરશે.

આ ઉદાહરણનો વિચાર કરો. કોઈ અજાણી જગ્યાએ તમે પહેલી વાર જઈ રહ્યા છો. ત્યાં પહોંચવા તમારે કદાચ બસમાં જવાનું છે. મુસાફરી કરતા પહેલાં તમે કદાચ કોઈને પૂછશો: કઈ બસ લેવી અને ક્યાંથી લેવી. તેમ જ, તમે સાચે રસ્તે જઈ રહ્યા છો એ પારખવા રસ્તામાં કેવી નિશાનીઓ આવશે એ પૂછશો. પછી, એવી જ નિશાનીઓ કે ચિહ્નો જુઓ છો ત્યારે, તમને પૂરી ખાતરી થાય છે કે તમારી મંજિલ નજીક છે. એવી જ રીતે, ઈશ્વરે બાઇબલમાં જણાવ્યું છે કે અંત આવતા પહેલાં આખી દુનિયામાં કેવા બનાવો બનશે. એ બનાવો કે નિશાનીઓ જોઈને પૂરી ખાતરી થાય છે કે, આપણે અંતના સમયમાં જીવી રહ્યા છીએ.

બાઇબલ જણાવે છે કે, અંતના સમયે આખી દુનિયામાં અજોડ અને મહત્ત્વનો સમયગાળો આવશે. એ સમયે એવી પરિસ્થિતિ આવશે અને એવા બનાવો બનશે જે માનવ ઇતિહાસમાં ક્યારેય બન્યા નથી. ચાલો, બાઇબલમાં આપેલા ચાર બનાવોનો વિચાર કરીએ.

૧. દુનિયામાં ઉથલપાથલ માથ્થીના ૨૪મા અધ્યાયમાં પૃથ્વી પર બનનાર ઘણા બનાવો વિશે જણાવવામાં આવ્યું છે. એ બનાવો અંતના સમયની નિશાની છે. એ સાબિતી આપે છે કે, આપણે છેલ્લા સમયમાં જીવી રહ્યા છીએ અને બહુ જલદી “અંત આવશે.” (કલમ ૧૪) એ બનાવોમાં આનો સમાવેશ થાય છે: મોટાં યુદ્ધો, ખોરાકની અછત, ઠેકાણે ઠેકાણે ધરતીકંપ, વધતો જતો અન્યાય, પ્રેમનો અભાવ અને લોકોને ગેરમાર્ગે દોરવાના ઢોંગી ધર્મગુરુઓના પ્રયત્નો. (કલમો ૬-૨૬) જોકે, આવા બનાવો અમુક હદે સદીઓથી ચાલતા આવ્યા છે. તેમ છતાં, અંત નજીક આવશે તેમ એ બધા બનાવો એક જ સમયગાળામાં બનશે. ચાલો, બીજા ત્રણ બનાવો વિશે જોઈએ.

૨. લોકોનું વલણ બાઇબલ જણાવે છે કે, “છેલ્લા સમયમાં” લોકોનું વલણ સાવ બગડી જશે. જેમ કે, ‘માણસો સ્વાર્થી, પૈસાના લોભી, બડાઈ મારનારા, અભિમાની, નિંદક, માબાપનું સન્માન નહિ રાખનારા, અહેસાન ન માનનારા, અધર્મી, પ્રેમરહિત, ક્રૂર, દોષ મૂકનારા, સંયમ ન કરનારા, નિર્દય, સારી વસ્તુને ધિક્કારનારા, વિશ્વાસઘાતી, ઉદ્ધત, ઘમંડથી ફૂલાયેલા, ઈશ્વર પર નહિ પણ ધનદોલત પર પ્રેમ રાખનારા’ થશે. (૨ તીમોથી ૩:૧-૪) સાચે જ, એમાં કોઈ નવાઈ નથી કે, લોકો એવું વલણ બતાવતા આવ્યા છે. પરંતુ, “છેલ્લા સમયમાં” લોકોનું વલણ ખૂબ જ બગડી જશે. તેથી, એ કેટલું યોગ્ય છે કે, એને “સંકટના વખતો” કહેવામાં આવ્યા છે, જેનો સામનો કરવો અઘરો હશે. શું તમે આવું ખરાબ વલણ લોકોમાં જોયું છે?

૩. પૃથ્વીનો નાશ બાઇબલ કહે છે કે, ઈશ્વર ‘પૃથ્વીનો નાશ કરનારાઓનો નાશ’ કરશે. (પ્રકટીકરણ ૧૧:૧૮) આજે, લોકો પૃથ્વીનો નાશ કઈ રીતે કરી રહ્યા છે? એનો જવાબ આપણને નુહના સમયના બનાવોમાંથી મળે છે. એ વિશે બાઇબલ જણાવે છે: “ઈશ્વરની સમક્ષ પૃથ્વી દુષ્ટ થઈ ગઈ ને પૃથ્વી જુલમથી ભરપૂર હતી. અને ઈશ્વરે પૃથ્વી પર જોયું, તો જુઓ, તે દુષ્ટ હતી.” એટલે, ઈશ્વરે તેવા અધર્મી માણસો વિશે કહ્યું હતું: ‘હું તેઓનો સંહાર કરીશ.’ (ઉત્પત્તિ ૬:૧૧-૧૩) તમે પણ સહમત થશો કે, આજે દુનિયા હિંસા અને દુષ્ટતાથી ભરાઈ ગઈ છે. એટલું જ નહિ, આજે માણસો પાસે એવાં જીવલેણ હથિયારો છે જેનાથી, તેઓ ચાહે તો આખી માનવજાતનું નામોનિશાન મિટાવી શકે છે. બીજી અમુક રીતોએ પણ માણસો પૃથ્વીનો નાશ કરી રહ્યા છે. જેમ કે, પોતાના સ્વાર્થને લીધે હવા, પ્રાણી, વૃક્ષો અને સમુદ્રને નુકસાન પહોંચાડી રહ્યા છે.

જરા વિચારો, હજી સો વર્ષ પહેલાં જ માણસ પાસે આખી પૃથ્વીનો નાશ કરવાની શક્તિ ન હતી. પરંતુ, આજના આધુનિક હથિયારો અને વાતાવરણને પહોંચાડી રહેલા નુકસાનથી તેઓ પૃથ્વીનો નાશ કરી શકે છે. ટૅક્નોલૉજી કૂદકે ને ભૂસકે વધી રહી છે. જોકે, એ ઘણી વધી જવાથી શું પરિણામ આવશે એ માણસો સમજી શકતા નથી તેમજ એને કાબૂમાં રાખી શકતા નથી. પૃથ્વીનું ભાવિ નક્કી કરવાનું કે એને કાબૂમાં રાખવાનું કામ માણસોનું નથી. પૃથ્વી પરથી દરેક જીવનો નાશ થઈ જાય એવું ઈશ્વર ક્યારેય નહિ થવા દે. ઈશ્વરે વચન આપ્યું છે કે, પૃથ્વીનો બગાડ કરતા લોકોનો પોતે નાશ કરશે.

૪. ખુશખબર ફેલાવવાનું કામ અંત વિશેની નિશાનીમાં ખુશખબર ફેલાવવાના કામનો પણ સમાવેશ થાય છે. એ વિશે બાઇબલ જણાવે છે: ‘સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં ફેલાવવામાં આવશે અને ત્યારે જ અંત આવશે.’ (માથ્થી ૨૪:૧૪) જોકે, સદીઓથી ઘણા ધર્મોએ પોતાની માન્યતાનો પ્રચાર કર્યો છે. પરંતુ, બાઇબલમાં જણાવેલું ખુશખબર ફેલાવવાનું કામ એ બધાથી સાવ જુદું છે. છેલ્લા દિવસોમાં ‘રાજ્યની ખુશખબર’ જોરશોરથી ફેલાવવામાં આવશે. શું કોઈ ધર્મના લોકો ‘પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ આ ખુશખબર’ ફેલાવે છે? એમ હોય તોપણ, શું તેઓ તેમના વિસ્તારમાં જ જણાવે છે? કે પછી ‘આખી દુનિયામાં’ જણાવે છે?

ઈશ્વરના રાજ્યની ખુશખબર સેંકડો ભાષામાં જણાવવામાં આવી રહી છે

www.isa4310.com વેબ સાઇટ ‘રાજ્યની આ ખુશખબર’ પર ભાર મૂકે છે. એના પર ૭૦૦ કરતાં વધારે ભાષાઓમાં સાહિત્ય પ્રાપ્ય છે, જે એ સંદેશા વિશે વધારે માહિતી આપે છે. શું એ સંદેશાને આખી દુનિયામાં ફેલાવવા કોઈએ પહેલ કરી છે? ઇન્ટરનેટ ન હતું ત્યારે પણ, યહોવાના સાક્ષીઓ રાજ્યની ખુશખબર ફેલાવવા જાણીતા હતા. વર્ષ ૧૯૩૯થી ચોકીબુરજ મૅગેઝિનના મુખ્ય પાન પર “યહોવાના રાજ્યને જાહેર કરે છે” શબ્દો જોવા મળે છે. ધર્મો પર લખાયેલું એક પુસ્તક જણાવે છે કે, યહોવાના સાક્ષીઓનું પ્રચારકામ ‘એટલી હદ સુધી ફેલાયેલું છે કે એની સરખામણી બીજા કોઈ પ્રચારકામ સાથે ન થઈ શકે.’ ઈશ્વરનું રાજ્ય બહુ જલદી “અંત” લાવશે, એ ખુશખબર પર આ પ્રચારકામ ભાર મૂકે છે.

દુનિયાનો કટોકટીનો સમય

શું તમને લાગે છે કે, આ લેખમાં જણાવેલી બાઇબલની ચાર નિશાનીઓ આપણા સમયમાં દેખાઈ રહી છે? સો કરતાં વધારે વર્ષોથી આ મૅગેઝિન એના વાચકોને દુનિયાના બનાવો વિશે માહિતી આપી રહ્યું છે. એનાથી તેઓ પોતે પારખી શકે છે કે અંત નજીક છે. જોકે, શંકા કરનારાઓ અમુક એ વાત સાથે સહમત નથી. તેઓનું માનવું છે કે, હકીકત અને આંકડાને પોતાની રીતે રજૂ કરવામાં આવે છે. તેમ જ, દુનિયામાં વાતચીત વ્યવહાર વધી જવાને લીધે, પરિસ્થિતિ છે એના કરતાં વધારે બગડી ગઈ હોય એવું લાગે છે. હકીકતમાં, ઘણી સાબિતીઓ બતાવે છે કે, આપણે મહત્ત્વના સમયમાં જીવી રહ્યા છીએ.

અમુક નિષ્ણાતો માને છે કે જલદી જ પૃથ્વી પર મોટા ફેરફારો થશે. દાખલા તરીકે, વર્ષ ૨૦૧૪માં અમુક વૈજ્ઞાનિકોએ માનવજાતનો નાશ કરી શકે એવા ખતરાઓ વિશે આ પ્રમાણે અહેવાલ આપ્યો: ‘અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે, માનવજાતના અસ્તિત્વ પર અલગ અલગ ખતરા રહેલા છે. પરંતુ, સૌથી મોટો ખતરો માણસે પોતે ઊભો કર્યો છે.’ ઘણા લોકોને ખાતરી થઈ છે કે, આપણે માનવ ઇતિહાસના સૌથી કટોકટીના સમયમાં આવી પહોંચ્યા છીએ. આ મૅગેઝિનના પ્રકાશકો અને એના ઘણા વાચકોને પૂરી ખાતરી છે કે, આપણે છેલ્લા સમયમાં જીવી રહ્યા છીએ અને અંત ખૂબ નજીક છે. એ માટે, ભાવિથી ડરવાને બદલે ખુશ થાઓ. કેમ કે, તમે અંતમાંથી બચી શકો છો! (w૧૫-E ૦૫/૦૧)