સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સુખી કુટુંબની ચાવી

તમારું બાળક વિકલાંગ હોય ત્યારે . . .

તમારું બાળક વિકલાંગ હોય ત્યારે . . .

કાર્લો: a ‘અમારા દીકરા ઍન્જેલોને ડાઉન સિન્ડ્રોમની બીમારી છે. તેની બીમારીને લીધે અમે માનસિક, શારીરિક અને લાગણીમય રીતે સાવ જ થાકી જઈએ છીએ. તંદુરસ્ત બાળકની સંભાળ રાખવા જેટલી શક્તિ જોઈએ, એના કરતાં સૌ ગણી શક્તિ બીમાર બાળકની સંભાળ રાખવા જોઈએ. એની અસર અમુક સમયે અમારા લગ્‍ન જીવન પર થાય છે.’

મિયા: ‘ઍન્જેલોને સાવ સહેલી બાબત પણ વારંવાર શીખવી પડે અને એમ કરવું ધીરજ માંગી લે છે. હું સાવ થાકી ગઈ હોઉં ત્યારે, મારા પતિ કાર્લો પર ગુસ્સો કાઢું અને અધીરી બની જઉં છું. અમુક સમયે અમે કોઈ બાબતે સહમત ન હોઈએ ત્યારે, દલીલ કરીએ છીએ.’

તમારા બાળકનો જન્મ દિવસ તમને યાદ છે? તમારા ભૂલકાંને ગોદમાં લેવા તમે તલપતાં હતાં, ખરું ને? પણ, કાર્લો અને મિયા જેવાં માબાપને ખબર પડે કે તેઓનું બાળક બીમાર કે અપંગ છે, ત્યારે તેઓનો આનંદ છીનવાઈ જાય છે.

શું તમારું બાળક વિકલાંગ છે? તમે કદાચ વિચારતા હશો કે શું તેની સારી રીતે સંભાળ રાખી શકીશ? હિંમત ન હારો. ઘણાં માબાપ તમારાં જેવી મુશ્કેલીઓનો સામનો કરવામાં સફળ થયાં છે. ચાલો આપણે એવી ત્રણ મુશ્કેલીઓ જોઈએ, જેનો તમે સામનો કરતા હશો. એ પણ જોઈશું કે બાઇબલમાંથી મળતી સલાહ તમને કઈ રીતે મદદ કરી શકે.

મુશ્કેલી ૧: બાળક વિકલાંગ છે એ સ્વીકારવું અઘરું લાગે.

પોતાનું બાળક બીમાર છે એ સાંભળીને ઘણાં માબાપ હિંમત હારી જાય છે. મેક્સિકોમાં રહેતી જુલીયાના કહે છે: ‘ડૉક્ટરે મને કહ્યું કે મારા દીકરા સૅંટિયાગોને સેરિબ્રલ પાલ્સી એટલે કે મગજની બીમારી છે, ત્યારે હું માની ન શકી. એવું લાગ્યું કે મારા પર આભ તૂટી પડ્યું છે.’ ઇટલીમાં રહેતી વિલાના જેવું જ બીજાઓને પણ થયું હશે. તે કહે છે: ‘મારી ઉંમરની સ્ત્રીઓને બાળક થાય એમાં જોખમ રહેલું છે એ હું જાણતી હતી, તોપણ મને બાળક જોઈતું હતું. ડાઉન સિન્ડ્રોમને લીધે મારો દીકરો જે મુશ્કેલીઓ સહે છે એ જોઈને હવે મને પસ્તાવો થાય છે.’

જો તમે પણ પોતાને દોષિત ગણતા હો, તો યાદ રાખો કે એવી લાગણી થવી સામાન્ય છે. યહોવા ઈશ્વરનો એવો હેતુ જરાય ન હતો કે આપણે બીમાર પડીએ. (ઉત્પત્તિ ૧:૨૭, ૨૮) તેમણે માબાપને એ રીતે નથી બનાવ્યા કે તેઓ બીમારીને સહેલાઈથી સ્વીકારી લે. એટલે જો બાળક તંદુરસ્ત ન હોય, તો દુઃખ થાય એ સમજી શકાય. તમારી લાગણીઓને કાબૂમાં રાખવા અને નવા સંજોગો પ્રમાણે જીવવા સમય માંગી લેશે.

બાળકની નબળાઈને માટે શું તમે પોતાને દોષ આપો છો? યાદ રાખો કે વાતાવરણ, બીજી અનેક બાબતો અને માબાપ પાસેથી મળતા વારસાની બાળકની તંદુરસ્તી પર કેવી અસર પડે છે, એ કોઈ જાણતું નથી. બીજી તરફ કદાચ લગ્‍ન સાથીને દોષિત ગણવાનું મન થાય. પણ એમ કરવાનું ટાળવું જોઈએ. લગ્‍નસાથીને સાથ સહકાર આપવાથી બાળકની સારી રીતે સંભાળ રાખવી સહેલી બનશે.—સભાશિક્ષક ૪:૯, ૧૦.

સૂચના: બાળકની બીમારી વિશે જાણકારી મેળવો. બાઇબલ કહે છે, ‘જ્ઞાનવડે ઘર બંધાય છે; સમજણથી તે સ્થિર થાય છે.’—નીતિવચનો ૨૪:૩.

બીમારી વિશે ડૉક્ટરો અને ભરોસાપાત્ર સાહિત્યમાંથી ઘણી જાણકારી મેળવી શકો છો. બીમારીને સમજવું એ નવી ભાષા શીખવા સાથે સરખાવી શકાય. શરૂઆતમાં અઘરું લાગે, પણ સમય જતાં શીખી જશો.

લેખની શરૂઆતમાં આપણે કાર્લો અને મિયાની વાત કરી હતી. તેઓના દીકરાને સારવાર આપતા ડૉક્ટર અને એ બીમારીની જાણકારી ધરાવતી સંસ્થા પાસેથી તેઓએ જરૂરી માહિતી મેળવી. તેઓ કહે છે: ‘અમને એ સમજવા મદદ મળી કે કેવી તકલીફો આવી શકે. એ પણ ખબર પડી કે ડાઉન સિન્ડ્રોમ હોવા છતાં, અમારો દીકરો ઘણી બાબતો કરી શકે છે. અમે સમજી શક્યા કે તે ઘણી હદે સામાન્ય જીવન જીવી શકશે. એ જાણીને અમારા મનને થોડી શાંતિ થઈ.’

આમ કરી શકો: તમારું બાળક જે કરી શકે છે એ પર ધ્યાન આપો. આખું કુટુંબ ભાગ લઈ શકે એવી પ્રવૃત્તિઓ ગોઠવો. જ્યારે બાળક નાનીસૂની બાબતમાં પણ સારું કરે ત્યારે તરત તેને શાબાશી આપો. તેના આનંદમાં તમે પણ આનંદ માણો.

મુશ્કેલી ૨: થાક અને એકલાપણું લાગે.બીમાર બાળકની સંભાળ રાખવાથી તમારી બધી શક્તિ વપરાઈ જાય છે એવું તમને લાગી શકે. ન્યૂ ઝીલૅન્ડમાં રહેતી જૅની કહે છે: ‘મારા દીકરાને કરોડરજ્જુની (સ્પાઈના બીફીડાની) બીમારી છે એની ખબર પડ્યા પછી, અમુક વર્ષો સુધી તેની સંભાળ રાખતાં હું ખૂબ જ થાકી જતી. અને ઘરમાં કંઈ પણ વધારે કામ કરવાનું થાય તો હું રડી પડતી.’

બીજી મુશ્કેલી એ હોય શકે કે તમને એકલાપણું લાગે. અમિતભાઈના દીકરાના સ્નાયુઓ (મસ્ક્યુલર ડિસટ્રફિ) નબળા છે. ઉપરાંત, એસ્પરગર સિન્ડ્રોમ પણ છે. અમિતભાઈ કહે છે: ‘મોટા ભાગના લોકો સમજી નહિ શકે કે અમારા પર શું વીતે છે.’ કદાચ તમને પણ કોઈની સાથે વાત કરવાનું મન થાય. પણ મોટા ભાગના મિત્રોના બાળકો તંદુરસ્ત હોવાથી, તેઓની આગળ દિલ હળવું કરવું અઘરું લાગી શકે.

સૂચના: મદદ માંગો અને કોઈ મદદ કરે તો એ સ્વીકારો. આગળ આપણે જુલીયાના વિશે વાત કરી હતી. તે કબૂલે છે: ‘અમુક વાર મને અને મારા પતિને મદદ માગવામાં શરમ આવે છે. પણ અમે શીખ્યા કે અમને બીજાઓની મદદની જરૂર છે. બીજાઓ મદદ કરે ત્યારે અમને એકલું લાગતું નથી.’ કોઈ પ્રસંગ કે ખ્રિસ્તી સભામાં મિત્ર અથવા સગાં-વહાલાં તમારા બાળક સાથે બેસવા તૈયાર થાય તો, કદર બતાવો અને એ મદદ સ્વીકારો. બાઇબલ કહે છે કે ‘એક એવો મિત્ર છે, જે ભાઈના કરતાં નિકટનો સંબંધ રાખે છે.’—નીતિવચનો ૧૮:૨૪.

પોતાની તંદુરસ્તીની પણ સંભાળ રાખો. એક દાખલો લઈએ. ઍમ્બ્યુલન્સમાં અવારનવાર પેટ્રોલ ભરવામાં આવે છે, જેથી એ વારંવાર દર્દીઓને હૉસ્પિટલમાં લઈ જઈ શકે. એવી જ રીતે, તમારે પણ પોતાની શક્તિ જાળવવા યોગ્ય ખોરાક લેવો જોઈએ, કસરત કરવી જોઈએ અને આરામ લેવો જોઈએ. એનાથી, તમે તમારા બાળકની સારી રીતે સંભાળ રાખી શકશો. જગદીશનો દીકરો અપંગ છે. તે કહે છે: ‘મારો દીકરો ચાલી નથી શકતો, એટલે હું માનું છું કે મારે પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. કેમ કે, હું જ તેને બધી જગ્યાએ લઈ જઉં છું. મારા પગ એ તેના પગ છે!’

પોતાની તંદુરસ્તીની સંભાળ રાખવા કેવી રીતે સમય કાઢી શકો? બાળકની સંભાળ રાખવા અમુક માબાપ વારો બાંધે છે. આમ માબાપને આરામ લેવા અને બીજાં જરૂરી કામ કરવા સમય મળે છે. બિનજરૂરી પ્રવૃત્તિઓમાં સમય આપવાનું ટાળો. પણ એમ કરવું હંમેશાં સહેલું નથી. ભારતમાં રહેતી મયુરી નામની માતા જણાવે છે: ‘સમય જતાં, એમ કરવાની ટેવ પડી જશે.’

ભરોસાપાત્ર મિત્ર સાથે વાત કરો. ભલેને તેઓનું કોઈ બાળક અપંગ ન હોય, તોપણ તે તમારી વાત દિલથી સાંભળશે. તેમ જ, યહોવા ઈશ્વરને તમે પ્રાર્થના કરી શકો છો. એનાથી શું કોઈ ફરક પડશે? યાસમિનના બંને બાળકોને સિસ્ટિક ફાઈબ્રોસીસ છે. તે સ્વીકારે છે: ‘ખૂબ દબાણને કારણે ઘણી વાર મને થતું કે જાણે મારો શ્વાસ રુંધાઈ ગયો છે. પણ મેં હિંમત અને શક્તિ માટે યહોવાને પ્રાર્થના કરી. પછી મને તેઓની સંભાળ રાખવા હિંમત મળી.’—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮.

આમ કરી શકો: તમે શું ખાઓ છો, ક્યારે કસરત કરો છો અને કેટલી ઊંઘ લો છો એનો વિચાર કરો. તેમ જ, તંદુરસ્તીની સંભાળ રાખવા બિનજરૂરી બાબતોમાંથી કેવી રીતે સમય કાઢી શકો. જરૂર પડે તેમ જીવનમાં ફેરફાર કરતા રહો.

મુશ્કેલી ૩: કુટુંબના બીજા સભ્યો કરતાં બીમાર બાળક પર વધારે ધ્યાન આપો છો.

બીમાર બાળકને લીધે કુટુંબ પર અસર પડે છે. જેમ કે તેઓ શું ખાશે, ક્યાં ફરવા જશે અને માબાપ દરેક બાળક સાથે કેટલો સમય વિતાવશે. બીજાં બાળકોને એવું લાગી શકે કે માબાપ તેઓ પર પૂરું ધ્યાન આપતા નથી. એ ઉપરાંત, બીમાર બાળકની સંભાળ રાખવામાં માબાપ એટલા વ્યસ્ત થઈ જતા હોય છે કે તેઓના લગ્‍ન જીવન પર અસર પડે છે. લાઇબીરિયામાં રહેતા લીયોનેલ કહે છે: ‘અમુક વાર મારી પત્ની ફરિયાદ કરે છે કે મોટા ભાગની જવાબદારી પોતે ઉપાડે છે અને મને અમારા દીકરાની કંઈ પડી નથી. એ સાંભળીને મને એવું લાગે છે કે તેને મારા માટે જરાય માન નથી. એટલે હું પણ તેની સામે વગર વિચાર્યું બોલી નાખું છું.’

સૂચના: તમને બધાં બાળકો વહાલાં છે એની ખાતરી કરાવવા, બધાને મજા આવે એવી પ્રવૃત્તિ ગોઠવો. જૅની વિશે આગળ આપણે વાત કરી, તે કહે છે: ‘અમારા મોટા દીકરા માટે અમુક વાર અમે ખાસ ગોઠવણ કરીએ છીએ. બીજું કંઈ નહિ તો ફક્ત તેની મન ગમતી હોટેલમાં જમવા લઈ જઈએ.’

બધા બાળકોમાં રસ બતાવો

તમારું લગ્‍ન જીવન મજબૂત બનાવવા તમારા સાથી જોડે વાત કરો અને ભેગા મળીને પ્રાર્થના કરો. ભારતમાં રહેતા અસીમભાઈના દીકરાને ખેંચની બીમારી છે. તે કહે છે: ‘ખરું કે અમુક વાર હું અને મારી પત્ની થાકી ગયા હોઈએ અને હેરાન-પરેશાન હોઈએ. તોપણ, અમે સાથે બેસીને વાતો અને પ્રાર્થના કરીએ છીએ. અમારાં બાળકો ઊઠે એ પહેલા દરરોજ સવારે અમે સાથે બેસીને બાઇબલમાંથી અમુક કલમની ચર્ચા કરીએ છીએ.’ વળી, બીજા યુગલો સૂતા પહેલાં એકાંતમાં વાત કરે છે. આમ સાથે મળીને વાત કરવાથી અને દિલથી પ્રાર્થના કરવાથી અઘરા સમયમાં પણ તમારું લગ્‍ન જીવન મજબૂત બનશે. (નીતિવચનો ૧૫:૨૨) એક યુગલે આમ કહ્યું: ‘સૌથી અઘરા દિવસોમાં પણ અમારી સુંદર યાદો છે.’

આમ કરી શકો: બીજાં બાળકો બીમાર બાળકની સંભાળ રાખવામાં સાથ આપે ત્યારે, તેઓને શાબાશી આપો. તમારાં બાળકો અને લગ્‍નસાથી માટે હરેક પળે પ્રેમ અને કદર બતાવતા રહો.

હિંમત ન હારશો

બાઇબલ વચન આપે છે કે નાનાં મોટાં સર્વને અસર કરતી બીમારી અને અપંગતાને ઈશ્વર જલદી જ જડમૂળથી કાઢી નાખશે. (પ્રકટીકરણ ૨૧:૩, ૪) એ દિવસે ‘કોઈ પણ રહેવાસી કહેશે નહિ કે હું માંદો છું.’ bયશાયા ૩૩:૨૪.

એવું બને ત્યાં સુધી તમે બીમાર બાળકની સારી સંભાળ રાખવામાં જરૂર સફળ થશો. કાર્લો અને મિયાની આપણે આગળ વાત કરી, તેઓ કહે છે: ‘એવું લાગે કે ધાર્યા પ્રમાણે કંઈ થઈ નથી રહ્યું. તોપણ, હિંમત ન હારો. તમારું બાળક જે સારું કરી શકે છે એવી ઘણી બાબતો પર ધ્યાન આપો.’ ▪ (w13-E 02/01)

a આ લેખમાં નામ બદલ્યાં છે.

b બાઇબલમાં ઈશ્વરનું વચન છે કે બીમારી હશે જ નહિ. એ વિશે વધુ જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું ત્રીજું પ્રકરણ જુઓ. એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

પોતાને પૂછો . . .

  • શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહેવા, તેમ જ યહોવા સાથે ગાઢ સંબંધ જાળવી રાખવા હું શું કરું છું?

  • મારાં બીજાં બાળકોને મદદ કરવા બદલ છેલ્લે ક્યારે મેં શાબાશી આપી?