ઉત્પત્તિ ૧:૧-૩૧

  • આકાશ અને પૃથ્વીનું સર્જન (૧, ૨)

  • પૃથ્વી તૈયાર કરવાના છ દિવસો (૩-૩૧)

    • પહેલો દિવસ: અજવાળું; દિવસ અને રાત (૩-૫)

    • બીજો દિવસ: ખુલ્લી જગ્યા (૬-૮)

    • ત્રીજો દિવસ: કોરી જમીન અને ઝાડપાન (૯-૧૩)

    • ચોથો દિવસ: આકાશમાં જ્યોતિઓ (૧૪-૧૯)

    • પાંચમો દિવસ: માછલીઓ અને પક્ષીઓ (૨૦-૨૩)

    • છઠ્ઠો દિવસ: પ્રાણીઓ અને મનુષ્યો (૨૪-૩૧)

 શરૂઆતમાં ઈશ્વરે આકાશ* અને પૃથ્વીનું સર્જન કર્યું.+ ૨  એ સમયે પૃથ્વી ખાલી અને ઉજ્જડ હતી. બધે ઊંડું પાણી*+ હતું અને ચારે બાજુ અંધારું હતું. ઈશ્વરની શક્તિ*+ પાણી+ પર આમતેમ ફરતી હતી. ૩  ઈશ્વરે કહ્યું: “અજવાળું થાઓ” અને અજવાળું થયું.+ ૪  ઈશ્વરે જોયું કે અજવાળું સારું છે અને તેમણે અજવાળાને અંધારાથી અલગ કર્યું. ૫  ઈશ્વરે અજવાળાને દિવસ કહ્યો અને અંધારાને રાત+ કહી. સાંજ થઈ અને સવાર થઈ. પહેલો દિવસ પૂરો થયો. ૬  પછી ઈશ્વરે કહ્યું: “પાણી બે ભાગમાં વહેંચાઈ જાઓ, એક ભાગ ઉપર તરફ અને બીજો ભાગ નીચે તરફ.+ એ બંને વચ્ચે ખુલ્લી જગ્યા* થાઓ.”+ ૭  અને એમ જ થયું. ઈશ્વરે ઉપરના પાણીને નીચેના પાણીથી જુદું પાડ્યું અને વચ્ચે ખુલ્લી જગ્યા બનાવી.+ ૮  એ ખુલ્લી જગ્યાને ઈશ્વરે આકાશ કહ્યું. સાંજ થઈ અને સવાર થઈ. બીજો દિવસ પૂરો થયો. ૯  પછી ઈશ્વરે કહ્યું: “આકાશ નીચેનું પાણી એક જગ્યાએ ભેગું થાઓ અને કોરી જમીન દેખાઓ.”+ અને એમ જ થયું. ૧૦  એ કોરી જમીનને ઈશ્વરે ધરતી કહી,+ પણ ભેગા થયેલા પાણીને તેમણે સમુદ્રો કહ્યા.+ ઈશ્વરે જોયું કે એ સારું છે.+ ૧૧  પછી ઈશ્વરે કહ્યું: “પૃથ્વી પર બધી જાતનાં* ઘાસ, છોડ અને ઝાડ ઊગી નીકળો. છોડમાંથી બી આવશે અને ઝાડને એવાં ફળ લાગશે જેમાં બી હોય.” અને એમ જ થયું. ૧૨  પૃથ્વી પર બધી જાતનાં ઘાસ, છોડ+ અને ઝાડ ઊગી નીકળ્યાં. છોડમાંથી બી આવ્યાં અને ઝાડ પર એવાં ફળ લાગ્યાં જેમાં બી હતાં. ઈશ્વરે જોયું કે એ સારું છે. ૧૩  સાંજ થઈ અને સવાર થઈ. ત્રીજો દિવસ પૂરો થયો. ૧૪  પછી ઈશ્વરે કહ્યું: “આકાશમાં* જ્યોતિઓ*+ દેખાઓ, જેથી દિવસ અને રાત અલગ પડે.+ એની મદદથી દિવસો, વર્ષો અને ૠતુઓ નક્કી થશે.*+ ૧૫  એ જ્યોતિઓ આકાશમાંથી* પૃથ્વી પર અજવાળું ફેલાવો.” અને એમ જ થયું. ૧૬  ઈશ્વરે બે મોટી જ્યોતિઓ બનાવી, સૂર્ય અને ચંદ્ર. તેમણે દિવસે અજવાળું આપવા* સૂર્ય*+ અને રાતે અજવાળું આપવા ચંદ્ર* બનાવ્યો. તેમણે તારાઓ પણ બનાવ્યા.+ ૧૭  ઈશ્વરે તેઓને આકાશમાં* મૂક્યા, જેથી તેઓ પૃથ્વી પર અજવાળું ફેલાવે, ૧૮  દિવસ અને રાત પર અધિકાર ચલાવે તેમજ અજવાળું અને અંધારું જુદાં પાડે.+ પછી ઈશ્વરે જોયું કે એ સારું છે. ૧૯  સાંજ થઈ અને સવાર થઈ. ચોથો દિવસ પૂરો થયો. ૨૦  પછી ઈશ્વરે કહ્યું: “પાણીમાં પુષ્કળ માછલીઓ અને બીજાં જળચર પ્રાણીઓ* થાઓ. પક્ષીઓ* આકાશમાં* ઊડો.”+ ૨૧  ઈશ્વરે મોટાં દરિયાઈ પ્રાણીઓ અને પાણીમાં તરતાં બધી જાતનાં જળચર પ્રાણીઓ બનાવ્યાં. તેમણે બધી જાતનાં પક્ષીઓ પણ બનાવ્યાં. ઈશ્વરે જોયું કે એ સારું છે. ૨૨  પછી ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને કહ્યું: “તમને ઘણાં બચ્ચાં થાઓ, તમે પુષ્કળ વધો અને સમુદ્રના પાણીને ભરી દો.+ પક્ષીઓની સંખ્યા પૃથ્વી પર વધતી જાઓ.” ૨૩  સાંજ થઈ અને સવાર થઈ. પાંચમો દિવસ પૂરો થયો. ૨૪  પછી ઈશ્વરે કહ્યું: “પૃથ્વી પર પ્રાણીઓ થાઓ. એટલે બધી જાતનાં પાલતુ પ્રાણીઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ* અને જંગલી પ્રાણીઓ થાઓ.”+ અને એમ જ થયું. ૨૫  ઈશ્વરે પૃથ્વી પર બધી જાતનાં જંગલી પ્રાણીઓ, પાલતુ પ્રાણીઓ અને પેટે ચાલનારાં પ્રાણીઓ બનાવ્યાં. ઈશ્વરે જોયું કે એ સારું છે. ૨૬  પછી ઈશ્વરે કહ્યું: “ચાલો આપણે+ માણસ બનાવીએ,*+ તેને આપણા જેવો બનાવીએ.+ તે સમુદ્રની માછલીઓ પર, આકાશનાં પક્ષીઓ પર, પાલતુ પ્રાણીઓ પર, પેટે ચાલનારાં પ્રાણીઓ પર અને આખી પૃથ્વી પર અધિકાર ચલાવે.”+ ૨૭  ઈશ્વરે માણસને પોતાના જેવો બનાવ્યો,* હા, ઈશ્વરને મળતો આવે એવો તેને બનાવ્યો. ઈશ્વરે તેઓને પુરુષ અને સ્ત્રી બનાવ્યાં.+ ૨૮  ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને કહ્યું: “તમને ઘણાં બાળકો થાઓ, તમે પુષ્કળ વધો, પૃથ્વીને ભરી દો+ અને એના પર અધિકાર ચલાવો.+ સમુદ્રની માછલીઓ પર, આકાશનાં પક્ષીઓ પર અને પૃથ્વીનાં પ્રાણીઓ પર અધિકાર ચલાવો.”+ ૨૯  પછી ઈશ્વરે કહ્યું: “જુઓ, મેં તમને પૃથ્વી પર એવા છોડ આપ્યા છે જેમાં બી હોય અને એવાં ઝાડ આપ્યાં છે જેનાં ફળમાં બી હોય. એ બધું તમારો ખોરાક થશે.+ ૩૦  પૃથ્વી પરના દરેક જંગલી પ્રાણીના, આકાશમાં ઊડતા દરેક પક્ષીના અને દરેક જીવંત* પ્રાણીના ખોરાક માટે મેં લીલોતરી આપી છે.”+ અને એમ જ થયું. ૩૧  પછી ઈશ્વરે જે બધું બનાવ્યું હતું એ જોયું અને એ સૌથી ઉત્તમ હતું!+ સાંજ થઈ અને સવાર થઈ. છઠ્ઠો દિવસ પૂરો થયો.

ફૂટનોટ

એટલે કે, બ્રહ્માંડ કે અંતરિક્ષ જેમાં તારા, ગ્રહો, આકાશગંગા વગેરેનો સમાવેશ થાય છે.
અથવા, “ઊછળતું પાણી.”
શબ્દસૂચિમાં “પવિત્ર શક્તિ” જુઓ.
એટલે કે, વાતાવરણ.
મૂળ, “પોતપોતાની જાત પ્રમાણે.”
મૂળ, “આકાશની ખુલ્લી જગ્યામાં.”
અથવા, “રોશની.”
મૂળ, “નિશાનીરૂપ થશે.”
મૂળ, “આકાશની ખુલ્લી જગ્યામાંથી.”
મૂળ, “નાની જ્યોતિ.”
મૂળ, “મોટી જ્યોતિ.”
અથવા, “અધિકાર ચલાવવા.”
મૂળ, “આકાશની ખુલ્લી જગ્યામાં.”
શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.
હિબ્રૂમાં વપરાયેલો શબ્દ પાંખવાળાં બીજાં જીવજંતુઓને પણ રજૂ કરી શકે.
મૂળ, “આકાશની ખુલ્લી જગ્યામાં.”
હિબ્રૂમાં વપરાયેલો શબ્દ નાનાં પ્રાણીઓ, ઉંદર જેવાં પ્રાણીઓ અને જીવજંતુઓને પણ રજૂ કરી શકે.
મૂળ, “આપણે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસ બનાવીએ.”
મૂળ, “પોતાના સ્વરૂપ પ્રમાણે બનાવ્યો.”
શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.