સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કુટુંબ માટે મદદ | બાળકોનો ઉછેર

બાળકોને નમ્ર બનવાનું શીખવો

બાળકોને નમ્ર બનવાનું શીખવો

મુશ્કેલી

  • તમારો ૧૦ વર્ષનો દીકરો ખૂબ ઘમંડી છે!

  • તે ચાહે છે કે લોકો તેને ખાસ ગણે, સ્પેશિયલ ગણે!

તમને કદાચ થાય: “આને શું થયું છે? હું ચાહું છું કે તે પોતાને નકામો ન ગણે. પરંતુ, તેણે પોતાને બીજાઓ કરતાં ચઢિયાતો પણ ન ગણવો જોઈએ!”

શું બાળકનું સ્વમાન ઘવાયા વગર તેને નમ્ર બનવાનું શીખવી શકાય?

તમારે શું જાણવું જોઈએ?

તાજેતરના દાયકાઓમાં, માતા-પિતાને ઉત્તેજન આપવામાં આવે છે કે તેઓ બાળકની જિદ્દ આગળ નમે, વાતે વાતે તેની વાહવાહ કરે અને શિસ્ત ન આપે. એવું માનવામાં આવતું કે જો બાળકોને અહેસાસ કરાવવામાં આવે કે તેઓ ખાસ છે, બધા કરતાં સ્પેશિયલ છે, તો તેઓ મોટા થઈને પોતાનું માન જાળવી શકશે. પરંતુ, એ બધાનું કેવું પરિણામ આવ્યું છે? જનરેશન મી નામનું પુસ્તક જણાવે છે: “આવી રીત અપનાવવાને લીધે સભ્ય અને ખુશહાલ બાળકોને બદલે, સ્વાર્થી બાળકોની સેના ઉત્પન્ન થઈ ગઈ છે.”

ઘણાં બાળકોની વગર વાતે ખુશામત કરવામાં આવે છે. એના લીધે તેઓ નિરાશા, ટીકા અને નિષ્ફળતાનો સામનો નથી કરી શકતાં. તેઓને નાનપણથી પોતાના વિશે જ વિચારવાનું ઉત્તેજન આપવામાં આવે છે. એવા સ્વાર્થી વલણને લીધે મોટા થઈને તેઓ દોસ્તી કે સંબંધો સાચવી નથી શકતા. પરિણામે, તેઓમાંનાં ઘણાં આજે ચિંતા અને નિરાશાથી પીડાઈ રહ્યા છે.

નકામી વાહવાહ કરવાથી બાળકોમાં સ્વમાન કેળવાતું નથી. બીજાઓ પાસેથી માન મેળવવા તેઓએ મહેનત કરીને કંઈક હાંસલ કરવું પડે. પોતાની આવડત પર ભરોસો રાખવો ખોટું નથી, પરંતુ ફક્ત એટલું પૂરતું પણ નથી. બાળકે નાનપણથી જ સારી આવડતો શીખવી પડશે, એની પ્રેક્ટિસ કરવી પડશે અને એમાં સુધારો કરતા રહેવું પડશે. (નીતિવચનો ૨૨:૨૯) તેઓએ બીજાઓની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. (૧ કોરીંથીઓ ૧૦:૨૪) જોકે, એ બધું કરવું નમ્રતા માંગી લે છે.

તમે શું કરી શકો?

પ્રશંસાને પાત્ર ખરેખર કંઈક કર્યું હોય, ત્યારે જ પ્રશંસા કરો. જો તમારી દીકરી પરીક્ષામાં સારા માર્ક્સ લાવે, તો તેને શાબાશી આપો. જો તેના માર્ક્સ સારા ન આવે, તો તરત શિક્ષકોનો વાંક ન કાઢશો. એનાથી તમારી દીકરી માટે નમ્રતા કેળવવી અઘરું બનશે. એના બદલે, તેને એ જોવા મદદ કરો કે બીજી પરીક્ષામાં તે કઈ રીતે સારા માર્ક્સ લાવી શકે. પછી, જ્યારે સારા માર્ક્સ લઈ આવે ત્યારે દિલથી તેના વખાણ કરો.

જરૂર હોય ત્યારે શિસ્ત આપો. શિસ્ત આપવાનો એવો અર્થ નથી કે બાળકની નાની નાની ભૂલો માટે તેને ટોક્યા કરીએ. (કોલોસીઓ ૩:૨૧) પરંતુ, કોઈ મોટી ભૂલ કરી બેસે ત્યારે શિસ્ત આપવામાં પાછી પાની ન કરો. બાળક ખરાબ વલણ બતાવે ત્યારે પણ શિસ્ત આપવાની જરૂર છે. કારણ કે, શિસ્ત નહિ આપો તો, એ ખરાબ વલણ બાળકના સ્વભાવમાં વણાઈ જશે.

ધારો કે, તમારા દીકરાને બીજાઓ આગળ બડાઈ મારવાની ટેવ પડી ગઈ છે. સુધારો કરવામાં નહિ આવે, તો તે સ્વાર્થી બની જશે, બીજાઓને નીચા ગણશે. તેથી, બાળકને સમજાવો કે બડાઈ મારવાથી તેનું નામ ખરાબ થશે અને કદાચ તેણે પોતે નીચું જોવાનો વારો આવશે. (નીતિવચનો ૨૭:૨) તેને એ પણ સમજાવો કે એક સમજુ બાળક પોતાની આવડત વિશે ઢંઢેરો નહિ પીટે. આવી પ્રેમાળ શિસ્તને લીધે બાળક પોતાનું સ્વમાન ઘવાયા વગર નમ્રતા શીખી શકે છે.—બાઇબલ સિદ્ધાંત: માથ્થી ૨૩:૧૨.

જીવનની હકીકતોનો સામનો કરવા બાળકને તૈયાર કરો. બાળકની દરેક જિદ્દ પૂરી કરવામાં આવે તો, તેને લાગશે કે એ મેળવવું તેનો હક્ક છે. દાખલા તરીકે, જો બાળકની કોઈ ઇચ્છા પૂરી કરવી તમારા ગજા બહાર હોય, તો તેને સમજાવો કે નક્કી કરેલા પૈસામાં ગુજરાન ચલાવવું શા માટે જરૂરી છે. જો ફરવા જવાનો કે રજા માણવાનો પ્લાન પડતો મૂકવો પડે, તો તેને સમજાવો કે જીવનમાં આવા ઉતાર-ચઢાવ આવતા રહેશે. કદાચ તમે જણાવી શકો કે એવી નિરાશાનો તમે કઈ રીતે સામનો કરો છો. બાળકના જીવનમાં આવતી એકેએક તકલીફો આગળ તમે ઢાલ બનશો તો, બાળક પડકારો ઝીલવાનું શીખી નહિ શકે. સારું થશે કે તેને ભાવિમાં આવનાર પડકારોનો સામનો કરવાનું શીખવો.—બાઇબલ સિદ્ધાંત: નીતિવચનો ૨૯:૨૧.

ઉદારતાથી આપવાનું શીખવો. બાળકને અહેસાસ કરાવો કે, “લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.” (પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૫) તમે કઈ રીતે એમ કરી શકો? ભેગા મળીને તમે એવા લોકોની યાદી બનાવી શકો, જેઓને મદદની જરૂર છે. જેમ કે, કદાચ ખરીદી કરવા, ક્યાંક આવવા-જવા અથવા કશાની મરામત કરવા. એવા લોકોને મદદ કરવા જાઓ ત્યારે બાળકને સાથે લઈ જાઓ. બાળક જોઈ શકશે કે બીજાઓની દિલથી કાળજી લઈને તમે કેટલા ખુશ છો અને સંતોષ અનુભવો છો. આમ, તમારા દાખલા પરથી બાળક નમ્રતાનો બોધપાઠ શીખી શકશે! શીખવવાની કેટલી અસરકારક રીત!—બાઇબલ સિદ્ધાંત: લુક ૬:૩૮.