સ્કીપ ટુ કન્ટેન્ટ

મુખ્ય વિષય

સ્વાર્થી દુનિયામાં બાળકોને સારી રીતે ઉછેરવાં

સ્વાર્થી દુનિયામાં બાળકોને સારી રીતે ઉછેરવાં

લોકોને દયાભાવ બતાવવાની ઘણી તકો દરરોજ મળે છે. તેમ છતાં, એવું લાગે છે કે મોટા ભાગના લોકો બસ પોતાનો જ વિચાર કરે છે. આવું વલણ નાની-મોટી બધી બાબતોમાં જોવા મળે છે. જેમ કે, લોકો બેશરમ થઈને બીજાઓને છેતરે છે, બેફામ વાહન ચલાવે છે, બોલવામાં બીજાનું માન નથી રાખતા, જલદી ગુસ્સે થઈ જાય છે.

ઘણાં કુટુંબોમાં પણ સ્વાર્થની ભાવના જોવા મળે છે. દાખલા તરીકે, અમુક યુગલો છૂટાછેડા લેવાનું કારણ આપતાં કહે છે: ‘આ જીવનસાથી મારા લાયક નથી. તેના કરતાં વધારે સારું મને મળવું જોઈએ.’ અરે, અમુક માબાપો પણ અજાણતાં સ્વાર્થના બી બાળકોમાં વાવે છે. કઈ રીતે? તેઓને શિસ્ત આપવામાં અચકાઈને અને તેઓની દરેક જીદ પૂરી કરીને.

જ્યારે કે, ઘણાં માબાપ બાળકોને શીખવે છે કે બીજાઓનો પહેલા વિચાર કરવો જોઈએ. એના ઘણા ફાયદા છે. આવાં બાળકો સારાં દોસ્તો બનાવી શકે છે અને સંબંધો જાળવી શકે છે. મોટા ભાગે એવાં બાળકો સંતોષી હોય છે. કેમ? બાઇબલ જવાબ આપે છે: ‘લેવા કરતાં આપવામાં વધારે ખુશી મળે છે.’—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.

દયા રાખવાથી થતા લાભ મેળવવા માબાપ કઈ રીતે બાળકોને મદદ કરી શકે? આજે સ્વાર્થી વલણ ચારેબાજુ ફેલાયું છે. તમારા બાળકોને એની ખરાબ અસરથી કેવી રીતે બચાવી શકો? ચાલો ત્રણ ફાંદાઓ જોઈએ જે બાળકોને સ્વાર્થી બનાવી શકે છે. તેમ જ, જોઈએ કે એ ફાંદાઓથી દૂર રહેવા શું કરી શકાય.

૧. વધુ પડતાં વખાણ

એનાથી થતી મુશ્કેલી. સંશોધકોને આવું વલણ જોવા મળ્યું છે: ઘણા યુવાનો ધારે છે કે તેઓને નોકરીમાં જોડાતા જ માન-મોભો મળશે. તેઓએ ભાગ્યે જ કંઈ કર્યું હોય તોય મોટી સફળતાની આશા રાખે છે. અમુક માને છે કે ભલે પોતાને કામ પૂરી રીતે આવડતું ન હોય તોય જલદી પ્રમોશન મળશે. કેટલાકનું માનવું છે કે પોતે કંઈ ખાસ છે અને વધારે માન-પાન મળવું જોઈએ. પરંતુ, બીજાઓનું એવું માનવું ન હોય ત્યારે, તેઓને નિરાશા મળે છે.

એની પાછળનું કારણ. અમુક વખતે આવા વલણ પાછળનું કારણ વ્યક્તિનો ઉછેર હોય છે. દાખલા તરીકે, છેલ્લા કેટલાક દાયકાઓથી સ્વમાન કેળવવાનો પવન ફૂંકાઈ રહ્યો છે. માબાપ એની અસરમાં આવીને બાળકોમાં એવું વલણ કેળવી રહ્યાં છે. અમુક હદે આ વિચાર વાજબી લાગી શકે કે, બાળક માટે જો થોડા વખાણ સારાં તો વધારે વખાણ વધારે સારાં. બીજી બાજુ, એવા પણ વિચારો છે કે બાળકને તેનો વાંક બતાવીશું તો, તે હિંમત હારી જશે. દુનિયામાં ચારે બાજુ સ્વમાન પર ભાર મૂકવામાં આવતો હોવાથી, માબાપ એવું વલણ બતાવવાં લાગ્યાં છે. જો તેઓ એવું ન કરે તો બિનજવાબદાર ગણાય. એવું કહેવામાં આવતું કે માબાપે કદી પણ બાળકોને નીચા ન પાડવાં જોઈએ.

એના લીધે, ઘણાં માબાપ પોતાનાં બાળકોનાં ભરપૂર વખાણ કરવાં લાગ્યાં. અરે, બાળકે કંઈ ખાસ ન કર્યું હોય તોય તેના વખાણ કરતાં. નાનુંસૂનું કામ કરે તોય તેના ગુણગાન ગાયાં કરતાં અને મોટામાં મોટી ભૂલને નજર અંદાજ કરતાં. તેઓ માનતાં કે બાળકમાં સ્વમાન જગાડવું હોય તો, તેની ભૂલોને ધ્યાન ન આપવું જોઈએ અને દરેક બાબતના વખાણ કરવા જોઈએ. માબાપને લાગતું કે બાળકોને ખરી ખુશી આપે એવું કામ શીખવવું એટલું મહત્ત્વનું નથી. એના બદલે, બાળકોને સારું લાગે એ કહેવું વધારે મહત્ત્વનું છે.

બાઇબલની સલાહ. એ જણાવે છે કે યોગ્ય વખાણ કરવા કંઈ ખોટાં નથી. (માથ્થી ૨૫:૧૯-૨૧) પરંતુ, બાળકને ફક્ત સારું લગાડવા વખાણ કરીશું તો, એનાથી તે પોતાને વધારે મહત્ત્વ આપવા લાગશે. બાઇબલ જણાવે છે: “કોઈ માણસ પોતે કંઈ ન છતાં, હું કંઈ છું, એમ ધારે છે, ત્યારે તે પોતાને ભુલાવે છે.” (ગલાતી ૬:૩) એટલે જ, માબાપને બાઇબલ આ સલાહ આપે છે: ‘બાળકને શિક્ષા કરવાથી પાછો ન હઠ; કડક થવાથી તે કંઈ મરી જશે નહિ.’ *નીતિવચનો ૨૩:૧૩.

તમે શું કરી શકો? જરૂર હોય ત્યારે બાળકોને સુધારવાનો અને યોગ્ય હોય ત્યારે તેઓના વખાણ કરવાનો ધ્યેય રાખી શકો. બાળકોને સારું લગાડવાં જ તેઓના વખાણ કરશો નહિ. કદાચ એ કામ ન આવે! જનરેશન મી નામનું પુસ્તક જણાવે છે: ‘આવડતોમાં સુધારો કરતા રહેવાથી અને નવી નવી બાબતો શીખવાથી પોતાનામાં વિશ્વાસ વધે છે. તમે કંઈ છો એવું કહેતા રહેવાથી વિશ્વાસ વધશે નહિ.’

‘પોતાને જેવો ગણવો જોઈએ એ કરતાં વિશેષ ન ગણવો; પણ નમ્રતાથી દરેકે પોતાને યોગ્ય ગણવો.’—રોમનો ૧૨:૩

૨. વધુ પડતો બચાવ

એનાથી થતી મુશ્કેલી. ઘણા યુવાનો નોકરી શરૂ કરે ત્યારે, મુશ્કેલ સંજોગોનો સામનો કરવા જરાય તૈયાર હોતા નથી. અમુક લોકોની નાની ભૂલ પણ કાઢવામાં આવે તોય ભાંગી પડતા હોય છે. બીજા અમુકને ખુશ કરવા ખૂબ મુશ્કેલ છે. તેઓ પોતાની ઊંચી આશાઓ પ્રમાણે જ કામ સ્વીકારે છે. દાખલા તરીકે, ડૉ. જોસફ એલનએ પોતાને થયેલો અનુભવ એક પુસ્તકમાં જણાવ્યો છે. એક વખતે તેમણે લીધેલા ઇન્ટરવ્યૂમાં યુવાને કહ્યું: ‘મને લાગે છે કે એ કામની અમુક બાબતો બોરિંગ છે અને મારે બોર થવું નથી.’ એના વિશે ડૉ. એલન લખે છે: ‘દરેક કામમાં કંઈ તો બોરિંગ હોય એ તે જરાય સમજ્યો છે, એવું લાગતું નથી. મને નવાઈ લાગે છે કે ત્રેવીસ વર્ષનો થયો તોય તે આટલું ન સમજી શક્યો!’—એસ્કેપિંગ ધી એન્ડલેસ અડોલસન્સ.

એની પાછળનું કારણ. છેલ્લા કેટલાક દાયકાઓથી માબાપને લાગે છે કે તેઓએ પોતાનાં બાળકોને કોઈ પણ મુશ્કેલીથી બચાવવાં જ પડશે. દાખલા તરીકે, દીકરી પરીક્ષામાં નાપાસ થાય તો માબાપ શું કરે છે? ટીચરને મળીને તેને પાસ કરવા દબાણ કરે છે. દીકરાને ટ્રાફિક નિયમ તોડવાથી દંડ થયો હોય તો? તેઓ જઈને દંડ ભરે છે. દીકરો કે દીકરી પ્રેમમાં નિષ્ફળ જાય તો? બધો દોષ બીજી વ્યક્તિના માથે નાખે છે.

બાળકનો બચાવ કરવો સ્વાભાવિક છે. પરંતુ, વધારે પડતો બચાવ કરવાથી બાળક ખોટી ધારણા બાંધી લેશે. તેને લાગશે કે તે કંઈ પણ કરે એની જવાબદારી પોતાને માથે નથી. એક પુસ્તક જણાવે છે, ‘બાળકો વિચારતાં નથી કે પોતાની ભૂલના પરિણામોમાંથી કંઈ શીખી શકાય છે. તેમ જ, મળતી નિરાશાને સહન કરી શકાય છે. તેઓને લાગે છે કે માબાપ અને બીજાઓની ફરજ છે કે તેઓ માટે કંઈ કરે. આમ, બાળકો મતલબી બને છે.’—પૉઝિટિવ ડિસિપ્લિન ફોર ટીનેજર.

બાઇબલની સલાહ. મુશ્કેલીઓ તો જીવનનો ભાગ છે. બાઇબલ જણાવે છે કે, “આડી અવળી આકસ્મિક ઘટના તો દરેકને બને છે.” (સભાશિક્ષક ૯:૧૧, ઈઝી-ટુ-રીડ વર્ઝન) એમાં સારા લોકોનો પણ સમાવેશ થાય છે. દાખલા તરીકે, ઈશ્વરભક્ત પાઊલને ઈશ્વરનો સંદેશો લોકોને જણાવતા દરેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જોકે, મુશ્કેલીઓનો સામનો કરવાથી તેમને ઘણો ફાયદો થયો. તે લખે છે: ‘જે અવસ્થામાં હું છું, તેમાં સંતોષથી રહેવાનું શીખ્યો છું. હરપ્રકારે તથા સર્વ બાબતમાં તૃપ્ત થવાનું તથા ભૂખ્યો રહેવાનું, તેમ જ પુષ્કળ પામવાનું અને તંગીમાં રહેવાનું હું શીખ્યો છું.’—ફિલિપી ૪:૧૧, ૧૨.

તમે શું કરી શકો? બાળકો કેટલી જવાબદારી ઉપાડી શકે, એ ધ્યાનમાં રાખીને બાઇબલનો આ સિદ્ધાંત લાગુ પાડો: “દરેક માણસને પોતાનો બોજો ઊંચકવો પડશે.” (ગલાતી ૬:૫) જો તમારા દીકરાને ટ્રાફિકનો નિયમ તોડવાથી દંડ થયો હોય, તો તેને જ એ ભરવા દો. એમ કરવા, તેને પોતાના ખિસ્સાખર્ચ કે પગારમાંથી પૈસા કાઢવા દો. જો દીકરી નાપાસ થઈ હોય, તો બીજી વાર વધારે સારી તૈયારી કરે એવું તેના ધ્યાનમાં લાવો. જો દીકરાનો પ્રેમ સંબંધ તૂટ્યો હોય, તો તેને દિલાસો આપો. તેમ જ, યોગ્ય સમયે તેને આવા પ્રશ્નો પર વિચાર કરવા મદદ કરો: ‘શું એ અનુભવમાંથી હું કંઈ શીખી શકું છું?’ બાળકો જ્યારે મુશ્કેલીઓનો જાતે સામનો કરે છે, ત્યારે તેઓનો પોતામાં ભરોસો મજબૂત થાય છે અને સહનશક્તિ વધે છે.

‘દરેક વ્યક્તિએ પોતાના કામોની પોતે તપાસ કરવી જોઈએ. ત્યાર પછી જ પોતે જે કઈ કર્યું છે એ વિશે તે ગર્વ લઈ શકે.’—ગલાતી ૬:૪, ઈઝી-ટુ-રીડ વર્ઝન

૩. વધુ પડતું પૂરું પાડવું

એનાથી થતી મુશ્કેલી. એક સર્વેમાં ૮૧ ટકા યુવાનોએ કહ્યું કે બીજાઓને મદદ કરવા કરતાં ‘અમીર બનવું’ એ તેઓના જીવનનો સૌથી મોટો ધ્યેય છે. પરંતુ, ધનદોલત પાછળ પડવાથી જીવનમાં સંતોષ મળતો નથી. સંશોધકો જણાવે છે કે જે લોકો ધનદોલત પાછળ પડે છે તેઓ જોઈએ એટલા ખુશ નથી પણ નિરાશ છે. અરે, તેઓમાં શારીરિક અને માનસિક બીમારીઓ પણ ઘણી જોવા મળે છે.

એની પાછળનું કારણ. અમુક કિસ્સામાં બાળકોનો એવાં ઘરોમાં ઉછેર થયો હોય છે જ્યાં બધા ધનદોલત પાછળ પડ્યા હોય. એક પુસ્તક જણાવે છે કે, ‘માબાપ પોતાનાં બાળકોને ખુશ કરવાં માંગે છે. અને બાળકોને પણ જુદી જુદી વસ્તુઓ જોઈતી હોય છે. એટલે માબાપ એ બધી ખરીદી આપે અને બાળકો થોડા સમય માટે ખુશ થાય. પણ પછી તેઓને ફરી બીજું કંઈ જોઈએ.’—નાર્સિસિઝમ એપિડેમિક.

લોકોને નવું નવું ખરીદવાની ભૂખ છે. અને જાહેરાતો કરતા લોકો એનો બહુ ફાયદો ઉઠાવે છે. જાહેરાતો કહેતી હોય છે કે, ‘તમને સૌથી સારું મળવું જ જોઈએ’ અને ‘તમે સર્વશ્રેષ્ઠને લાયક છો.’ ઘણા યુવાનો એ ફાંદામાં ફસાયા છે અને ઘણું દેવું કરી બેઠા છે. તેઓ જે વસ્તુ માટે “લાયક” છે, એનું દેવું ચૂકવી શકતા નથી.

બાઇબલની સલાહ. આપણા માટે પૈસા જરૂરી છે એવું બાઇબલ સ્વીકારે છે. (સભાશિક્ષક ૭:૧૨) પણ સાથે સાથે ચેતવે છે કે, ‘પૈસાનો લોભ સઘળા પ્રકારનાં પાપનું મૂળ છે. એનો લોભ રાખીને કેટલાકે ઘણાં દુઃખોથી પોતાને વીંધ્યા છે.’ (૧ તીમોથી ૬:૧૦) બાઇબલ આપણને ધનદોલત પાછળ ન પડવા અને જીવનમાં સંતોષી રહેવા ઉત્તેજન આપે છે.—૧ તીમોથી ૬:૭, ૮.

“ધનવાન થવાની ઇચ્છા રાખનારાઓ કસોટીમાં પડે છે, અને ઘણી મૂર્ખ તથા હાનિકારક ઇચ્છાઓના ફાંદામાં ફસાઈ જાય છે.”—૧ તીમોથી ૬:૯, કોમન લેંગ્વેજ

તમે શું કરી શકો? માબાપ તરીકે તપાસ કરો કે પૈસા અને એનાથી ખરીદાતી વસ્તુઓ માટે તમારું વલણ કેવું છે. તમને જે વસ્તુની ખાસ જરૂર છે એ જ વસાવો. તમારા બાળકોને પણ એમ કરવાં શીખવો. અગાઉ જણાવેલું પુસ્તક નાર્સિસિઝમ એપિડેમિક સલાહ આપે છે: ‘માબાપ અને બાળકો આવા વિષયો પર ચર્ચા કરી શકે: “સેલમાં વેચાતી વસ્તુઓ ક્યારે ખરીદવી અને ક્યારે ન ખરીદવી?,” “જો વ્યાજે લેતા હોઈએ તો એનું વ્યાજદર કેટલું છે?” અને “શું તમે બીજાઓના કહેવા પર કોઈ વસ્તુ ખરીદો છો?”’

ઘણા લોકો કુટુંબમાં ઊભી થતી તકલીફોને ઢાંકવા વસ્તુઓ ખરીદી આપતા હોય છે. પણ ખાસ ધ્યાન રાખો કે તમે એમ ન કરો. એક પુસ્તક જણાવે છે: ‘વસ્તુઓ ખરીદી આપવાથી મુશ્કેલીઓનો હલ કદી આવતો નથી. એ માટે એના મૂળ સુધી પહોંચવું પડે, વિચાર કરવો પડે અને લાગણીઓ બતાવવી પડે. બૂટ-ચંપલ અને પર્સ ખરીદી આપવાથી એનો હલ થશે નહિ.’—ધ પ્રાઇસ ઑફ પ્રિવિજ. ◼ (g13-E 01)

^ બાઇબલ એમ શીખવતું નથી કે બાળકોની મારઝૂડ કરવી જોઈએ કે તેઓની લાગણીઓને તોડી પાડવી જોઈએ. (એફેસી ૪:૨૯, ૩૧; ૬:૪) શિક્ષા આપવાનો હેતુ તેઓને કંઈ શીખવવાનો છે, નહિ કે પોતાનો ગુસ્સો બાળકો પર કાઢવાનો.