સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે કેવું ભવિષ્ય પસંદ કરશો?

તમે કેવું ભવિષ્ય પસંદ કરશો?

આજથી આશરે ૩,૫૦૦ વર્ષ પહેલાં યહોવા ઈશ્વરે પોતાના ભક્તોને જણાવ્યું કે સારા ભવિષ્ય માટે તેઓએ શું કરવું જોઈએ. તેમણે કહ્યું, “તમારી આગળ પસંદગી માટે જીવન અને મરણ, આશીર્વાદ અને શ્રાપ મૂકું છું. તમે જીવન પસંદ કરો, જેથી તમે અને તમારા વંશજો જીવતા રહો.”—પુનર્નિયમ ૩૦:૧૯.

તેઓએ સારું ભવિષ્ય મેળવવા માટે સારો નિર્ણય લેવાનો હતો. આજે આપણે પણ એવો જ કંઈક નિર્ણય લેવાનો છે. સારું ભવિષ્ય મેળવવા આપણે શું કરવું જોઈએ? બાઇબલમાં જણાવ્યું છે કે એ માટે ‘તમે ઈશ્વર યહોવાને પ્રેમ કરો અને તેમનું કહેવું સાંભળો.’પુનર્નિયમ ૩૦:૨૦.

ઈશ્વર યહોવાને પ્રેમ કરો અને તેમનું સાંભળો

પવિત્ર શાસ્ત્રમાંથી શીખો: યહોવા ઈશ્વરને પ્રેમ કરવા સૌથી પહેલાં તો તમારે તેમના વિશે બાઇબલમાંથી શીખવું જોઈએ. જેમ જેમ તમે એમાંથી તેમના વિશે શીખશો, તેમ તેમ તમને અહેસાસ થશે કે તે તમને ખૂબ પ્રેમ કરે છે અને તમારું ભલું ચાહે છે. યહોવા એ પણ ચાહે છે કે તમે તેમને પ્રાર્થના કરો એટલે કે તેમને પોતાના દિલની વાત જણાવો. “કેમ કે તે તમારી સંભાળ રાખે છે.” (૧ પિતર ૫:૭) તેમણે વચન આપ્યું છે કે જો તમે તેમને જાણશો અને તેમની નજીક જશો, તો “તે તમારી પાસે આવશે.”—યાકૂબ ૪:૮.

જે શીખો, એ લાગુ પાડો: ઈશ્વરનું સાંભળવું એટલે કે તેમણે બાઇબલમાં આપેલી સરસ સલાહ લાગુ પાડો. જો તમે એમ કરશો તો ‘તમે સફળ થશો અને સમજદારીથી વર્તી શકશો.’—યહોશુઆ ૧:૮.