સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ખુદા વિશે નબીઓ પાસેથી શીખીએ

ખુદા વિશે નબીઓ પાસેથી શીખીએ

સદીઓ પહેલાં ખુદાએ નબીઓને મહત્ત્વનો પયગામ જણાવ્યો. બરકત મેળવવા શું એ આપણને મદદ કરી શકે? ચાલો જોઈએ કે ખુદાએ પોતાના નબીઓને કયો પયગામ આપ્યો.

ઈબ્રાહીમ નબી

ખુદા કોઈની તરફદારી કરતા નથી, પણ દરેકને બરકત આપવા ચાહે છે.

ખુદાએ ઈબ્રાહીમ નબીને વાયદો કર્યો કે ‘તારાથી હું પૃથ્વીની સર્વ પ્રજાઓને બરકતો આપીશ.’—ઉત્પત્તિ ૧૨:૩.

આપણે શું શીખી શકીએ? ખુદા બધા ઇન્સાનોને બેહદ ચાહે છે. જેઓ તેમનું કહેવું માને છે તેઓને બરકત આપવા ચાહે છે. પછી ભલે એ આદમી હોય, ઔરત હોય કે બાળક.

મુસા નબી

ખુદા રહેમદિલ છે અને જેઓ તેમને ઓળખવા ચાહે છે તેઓને તે બરકત આપે છે.

ખુદાએ મુસા નબીને મોટા મોટા ચમત્કારો કરવાની તાકાત આપી હતી. મુસા નબી ખુદાને સારી રીતે ઓળખતા હતા. તોપણ તેમણે ખુદાને બંદગી કરતા જણાવ્યું, ‘મહેરબાની કરીને મને તમારી મરજી જણાવો, જેથી હું તમને ઓળખું અને તમારી રહેમનજર પામું.’ (નિર્ગમન ૩૩:૧૩) આ સાંભળીને ખુદાએ મુસા નબીને પોતાના વિશે વધારે જણાવ્યું. એનાથી મુસા નબી ખુદા વિશે ઘણું બધું શીખ્યા. દાખલા તરીકે, ખુદા રહેમદિલ અને મહેરબાન છે.—નિર્ગમન ૩૪:૬, ૭.

આપણે શું શીખી શકીએ? ખુદા આપણને બરકત આપવા ચાહે છે. પણ એ માટે આપણે તેમને ઓળખવા જોઈએ. ખુદા પોતાની કિતાબમાં જણાવે છે કે આપણે કઈ રીતે તેમને ઓળખી શકીએ. જો એમ કરીશું તો તે જરૂર આપણને બરકત આપશે.

ઈસા નબી

ઈસા નબીએ દરેક પ્રકારની બીમારીઓ દૂર કરી

ઈસા નબી વિશે શીખીશું તો ખુદા આપણને બરકત આપશે.

ખુદાની કિતાબમાં ઈસા નબી વિશે ઘણું લખવામાં આવ્યું છે. તેમણે કરેલાં કામો વિશે પણ એમાં જણાવ્યું છે. ખુદાએ ઈસા નબીને ચમત્કાર કરવાની શક્તિ આપી હતી. તેમણે આંધળા, બહેરા અને અપંગ લોકોને સાજા કર્યા હતા. અરે, જેઓનું મોત થયું હતું તેઓને પણ તેમણે જીવતા કર્યા. ઈસા નબીએ બતાવી આપ્યું કે ખુદા ઇન્સાનો માટે ભવિષ્યમાં શું કરવાના છે. તેમણે એ પણ બતાવ્યું કે ખુદાની બરકત મેળવવા આપણે શું કરવું જોઈએ. તેમણે કહ્યું: ‘હંમેશ માટેનું જીવન મેળવવા જરૂરી છે કે લોકો તેમને, એકલા ખુદાને અને ઈસા નબી, જેને તેમણે મોકલ્યા છે તેમને ઓળખે.’—યોહાન ૧૭:૩.

ઈસા નબી લોકો પર પ્રેમ અને રહેમ રાખતા હતા. એટલે લોકો પણ ખુશી ખુશી તેમની પાસે દોડી આવતા. ઈસા નબીએ લોકોને કહ્યું હતું, ‘મારી પાસેથી શીખો, કેમ કે હું કોમળ સ્વભાવનો અને નમ્ર હૃદયનો છું અને મારી પાસેથી તમને તાજગી મળશે.’ (માથ્થી ૧૧:૨૯) ઈસા નબી પોતાના સમયના આદમીઓ જેવા ન હતા. તેમણે ઔરતો સાથે ક્યારેય બદતમીઝી ન કરી. પણ હંમેશાં તેઓની ઇજ્જત કરી.

આપણે શું શીખી શકીએ? ઈસા નબી ઇન્સાનોને ખૂબ મહોબ્બત કરતા હતા. તેમની જેમ આપણે પણ બીજાઓની સાથે માનથી વર્તવું જોઈએ.

ઈસા નબી છે, ખુદા નહિ

ખુદાની કિતાબમાં જણાવ્યું છે કે ‘આપણા માટે તો એક જ પરવરદિગાર છે’ અને ઈસા તો ફક્ત નબી હતા. (૧ કોરીંથીઓ ૮:૬) ઈસા નબીએ પણ સાફ સાફ જણાવ્યું કે ખુદા તેમના કરતાં મહાન છે અને ખુદાના હુકમથી જ તે ધરતી પર આવ્યા હતા.—યોહાન ૧૧:૪૧, ૪૨; ૧૪:૨૮. *

^ ફકરો. 17 ઈસા નબી વિશે વધારે જાણવા ઈશ્વર પાસેથી ખુશખબર પુસ્તિકાનો પાઠ ૪ જુઓ, જે www.isa4310.com પર પ્રાપ્ય છે.