સ્કીપ ટુ કન્ટેન્ટ

શું આપણામાં આત્મા જેવું કંઈક છે?

શું આપણામાં આત્મા જેવું કંઈક છે?

 દુનિયામાં ઘણા લોકો માને છે કે માણસમાં આત્મા જેવું કંઈક હોય છે, જે મરણ પછી જીવતું રહે છે. પણ ઘણા લોકોને એ જાણીને નવાઈ લાગી છે કે બાઇબલ એવું કંઈ શીખવતું નથી. તો મરણ પછી વ્યક્તિનું શું થાય છે? એ વિશે બાઇબલ શું શીખવે છે?

શાસ્ત્રમાંથી જવાબ

 મોટા ભાગના ગુજરાતી બાઇબલમાં હિબ્રૂ શબ્દ રુઆખ અને ગ્રીક શબ્દ નેફમાનું ભાષાંતર “આત્મા” કરવામાં આવ્યું છે. દાખલા તરીકે, યાકૂબ ૨:૨૬ કહે છે: “શરીર આત્મા [નેફમા] વગર નિર્જીવ છે.” (પવિત્ર શાસ્ત્ર, OV) પણ એ ખરું ભાષાંતર નથી. રુઆખ અને નેફમા શબ્દોનો મૂળ અર્થ “શ્વાસ” થાય છે. એ શબ્દોના આવા અર્થ પણ થઈ શકે: (૧) પવન, (૨) માણસો કે જાનવરોની જીવન-શક્તિ, (૩) વ્યક્તિના અંતરનો અવાજ, (૪) ઈશ્વરની પ્રેરણાથી મળેલો સંદેશો અથવા દુષ્ટ દૂતોનો સંદેશો, (૫) સ્વર્ગદૂતો અને (૬) ઈશ્વરની જોરદાર શક્તિ, એટલે કે પવિત્ર શક્તિ.—નિર્ગમન ૩૫:૨૧; ગીતશાસ્ત્ર ૧૦૪:૨૯; માથ્થી ૧૨:૪૩; લૂક ૧૧:૧૩.

આદમમાં આત્મા મૂકવામાં આવ્યો ન હતો, “તેનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ” ફૂંકવામાં આવ્યો હતો

 બાઇબલમાં લખ્યું છે કે જ્યારે યહોવા ઈશ્વરે પહેલા પુરુષ આદમને બનાવ્યો, ત્યારે “તેનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ [રુઆખ] ફૂંક્યો અને માણસ જીવતો થયો.” (ઉત્પત્તિ ૨:૭) આ કલમ પ્રમાણે “જીવનનો શ્વાસ” શબ્દો જીવન-શક્તિને બતાવે છે, જે માણસને જીવતો રાખે છે. દાખલા તરીકે, ઈશ્વરે નૂહના સમયમાં પૂરથી દુષ્ટોનો નાશ કરવાનું નક્કી કર્યું ત્યારે કહ્યું હતું: “હું આકાશ નીચેના બધા જીવોનો [રુઆખ] નાશ કરવાનો છું. તેઓનો નાશ કરવા હું પૃથ્વી પર પૂર લાવવાનો છું. હા, પૃથ્વી પર જે કંઈ છે એ બધાનો સર્વનાશ થશે.” (ઉત્પત્તિ ૬:૧૭; ૭:૧૫, ૨૨) હા, જીવનના શ્વાસ વગર માણસનું મરણ થાય છે. એટલે, રુઆખ અને નેફમાનો અર્થ જીવનનો શ્વાસ થાય છે, જેનાથી બધા જીવે છે.

એક જોરદાર ઉદાહરણ

 આપણે જીવનના શ્વાસને રેડિયો સાથે સરખાવી શકીએ. રેડિયોને ચલાવવા વીજળીની જરૂર પડે છે. જ્યારે તમે રેડિયોનો પ્લગ વીજળીના જોડાણમાં મૂકો, ત્યારે રેડિયોમાં જાણે જીવ આવી જાય છે. એ તરત કામ કરવા લાગે છે. વીજળી વગર રેડિયો ચાલી નહિ શકે. જેમ રેડિયોને ચલાવવા વીજળીની જરૂર પડે છે, તેમ શરીરને ચલાવવા, જીવંત રાખવા શ્વાસની જરૂર પડે છે. પણ વીજળીની જેમ જીવનનો શ્વાસ કશું જોઈ, સાંભળી કે વિચારી શકતો નથી. બાઇબલના એક લેખકે કહ્યું કે આ શ્વાસ વગર આપણું શરીર ‘મરણ પામે છે, અને પાછું ધૂળમાં મળી જાય છે.’—ગીતશાસ્ત્ર ૧૦૪:૨૯.

 માણસના મરણ વિશે સભાશિક્ષક ૧૨:૭ કહે છે: “માટીમાંથી આવેલો માણસ પાછો માટીમાં ભળી જશે અને સાચા ઈશ્વરે આપેલી જીવન-શક્તિ પાછી તેમની પાસે જતી રહેશે.” જીવન-શક્તિ ઈશ્વર પાસે જતી રહે છે, એનો શો અર્થ થાય? શું એનો એ અર્થ થાય કે જીવન-શક્તિ શરીરમાંથી નીકળી જાય છે અને સ્વર્ગમાં જાય છે? ના, એવું નથી. એનો અર્થ થાય કે જ્યારે માણસ મરી જાય છે, ત્યારે તેનું જીવન હવે ઈશ્વરના હાથમાં છે. ફક્ત ઈશ્વર જ તેને મરણમાંથી જીવતો કરી શકે છે.—અયૂબ ૩૪:૧૪, ૧૫; ગીતશાસ્ત્ર ૩૬:૯.

આત્માનું શિક્ષણ ક્યાંથી આવ્યું છે?

 આત્માનું શિક્ષણ બાઇબલને આધારે નથી. એ શિક્ષણ આશરે ૪,૦૦૦ વર્ષ પહેલાંના પ્રાચીન બાબેલોન શહેરના લોકોની માન્યતાઓ અને ગ્રીક ફિલસૂફોની માન્યતાઓને આધારે છે. બાઇબલના શિક્ષણ સાથે માણસોના વિચારોની ભેળસેળ થાય, એવું ઈશ્વર કદી ચલાવી નથી લેતા. બાઇબલ તો આપણને ચેતવણી આપે છે: “સાવધ રહો, કોઈ તમને ફિલસૂફી અને છેતરામણી વાતોથી ફસાવે નહિ. એ વાતો માણસોની માન્યતાઓ અને દુનિયાના વિચારો પ્રમાણે છે, ખ્રિસ્તના શિક્ષણ પ્રમાણે નથી.”—કોલોસીઓ ૨:૮.