સ્કીપ ટુ કન્ટેન્ટ

ઈસુ આપણને કઈ રીતે બચાવે છે?

ઈસુ આપણને કઈ રીતે બચાવે છે?

શાસ્ત્રમાંથી જવાબ

 ઈસુએ પોતાના જીવનનું બલિદાન આપીને વફાદાર સ્ત્રી-પુરુષોનું જીવન બચાવ્યું. (માથ્થી ૨૦:૨૮) એટલે બાઇબલમાં ઈસુ વિશે કહ્યું છે કે તે ‘દુનિયાનો ઉદ્ધાર કરનાર’ છે. (૧ યોહાન ૪:૧૪) બાઇબલમાં એમ પણ લખ્યું છે: “તેમના વગર બીજા કોઈથી ઉદ્ધાર નથી, કેમ કે પૃથ્વી પર માણસોમાં એવું કોઈ નામ આપવામાં આવ્યું નથી, જેના દ્વારા આપણે બચી શકીએ.”—પ્રેરિતોનાં કાર્યો ૪:૧૨.

 ઈસુએ એવા “દરેક મનુષ્ય માટે મરણ સહન કર્યું,” જે તેમનામાં શ્રદ્ધા રાખે છે. (હિબ્રૂઓ ૨:૯; યોહાન ૩:૧૬) પછી “ઈશ્વરે તેમને મરણમાંથી જીવતા કર્યા.” (પ્રેરિતોનાં કાર્યો ૩:૧૫) તેમણે ઈસુને માણસો જેવા હાડ-માંસના શરીરમાં નહિ, પણ સ્વર્ગદૂત તરીકે જીવતા કર્યા. થોડા સમય પછી તે સ્વર્ગમાં પાછા ગયા. બાઇબલમાં લખ્યું છે: “[ઈસુના] નામે જેઓ ઈશ્વરને પ્રાર્થના કરે છે, તેઓને [ઈસુ] સંપૂર્ણ રીતે બચાવી શકે છે, કેમ કે તે સદાને માટે જીવતા હોવાથી તેઓ માટે અરજ કરી શકે છે.”—હિબ્રૂઓ ૭:૨૫.

ઈસુ આપણા માટે અરજ કરે એ કેમ જરૂરી છે?

 આપણે બધા પાપી છીએ. (રોમનો ૩:૨૩) પાપે આપણા અને ઈશ્વર વચ્ચે એક દીવાલ ચણી દીધી છે અને પાપ મરણ તરફ લઈ જાય છે. (રોમનો ૬:૨૩) પણ જેઓ ઈસુના બલિદાનમાં શ્રદ્ધા મૂકે છે, તેઓ માટે તે સહાયક અથવા તેઓના “પક્ષમાં બોલનાર” છે. (૧ યોહાન ૨:૧, ફૂટનોટ) ઈસુ તેઓ વતી ઈશ્વરને અરજ કરે છે, જેથી ઈશ્વર તેઓની પ્રાર્થના સાંભળે અને ઈસુના બલિદાનને આધારે તેઓનાં પાપ માફ કરે. (માથ્થી ૧:૨૧; રોમનો ૮:૩૪) ઈસુ દ્વારા કરવામાં આવેલી અરજો ઈશ્વર સાંભળે છે, કેમ કે એ તેમની ઇચ્છા પ્રમાણે હોય છે. ઈશ્વરે ઈસુને પૃથ્વી પર મોકલ્યા, જેથી ‘તેમના દ્વારા દુનિયાનો ઉદ્ધાર થાય.’—યોહાન ૩:૧૭.

શું ઉદ્ધાર મેળવવા ઈસુમાં માનવું જ પૂરતું છે?

 ના. ખરું કે, ઉદ્ધાર મેળવવા ઈસુમાં માનવું ખૂબ જરૂરી છે, પણ એટલું જ પૂરતું નથી. આપણે બીજું પણ કંઈક કરવાની જરૂર છે. (પ્રેરિતોનાં કાર્યો ૧૬:૩૦, ૩૧) બાઇબલમાં લખ્યું છે: “જેમ શ્વાસ વગર શરીર મરેલું છે, તેમ કામો વગર શ્રદ્ધા મરેલી છે.” (યાકૂબ ૨:૨૬) આપણે ઉદ્ધાર મેળવવા નીચે આપેલી બાબતો કરવી જોઈએ:

  •   ઈસુ વિશે અને તેમના પિતા યહોવા વિશે શીખીએ.—યોહાન ૧૭:૩.

  •   યહોવા અને ઈસુમાં શ્રદ્ધા રાખીએ.—યોહાન ૧૨:૪૪; ૧૪:૧.

  •   યહોવા અને ઈસુમાં શ્રદ્ધા બતાવવા તેઓની આજ્ઞાઓ પાળીએ. (લૂક ૬:૪૬; ૧ યોહાન ૨:૧૭) ઈસુએ શીખવ્યું હતું કે જેઓ તેમને “માલિક, માલિક” કહે છે, તેઓનો નહિ, પણ જેઓ “સ્વર્ગમાંના [તેમના] પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે,” તેઓનો જ ઉદ્ધાર થશે.—માથ્થી ૭:૨૧.

  •   મુશ્કેલીઓ આવે તોપણ શ્રદ્ધા બતાવતા રહીએ. ઈસુએ સાફ સાફ કહ્યું હતું કે, “જે કોઈ અંત સુધી ટકી રહેશે તેનો જ ઉદ્ધાર થશે.”—માથ્થી ૨૪:૧૩.