સ્કીપ ટુ કન્ટેન્ટ

ઈસુનો દેખાવ કેવો હતો?

ઈસુનો દેખાવ કેવો હતો?

શાસ્ત્રમાંથી જવાબ

 કોઈ નથી જાણતું કે ઈસુનો દેખાવ કેવો હતો, કારણ કે બાઇબલમાં તેમના દેખાવ વિશે કશું જણાવવામાં આવ્યું નથી. એ બતાવે છે કે ઈસુ કેવા દેખાતા હતા, એ મહત્ત્વનું નથી. તોપણ, બાઇબલ વાંચીએ છીએ ત્યારે આપણને તેમના દેખાવ વિશે થોડું ઘણું જાણવા મળે છે.

  •   રંગ-રૂપ: ઈસુની માતા યહૂદી હતી એટલે ઈસુ પણ યહૂદી લોકો જેવા જ દેખાતા હશે. (હિબ્રૂઓ ૭:૧૪) એવું લાગતું નથી કે તેમનો દેખાવ બીજાઓથી બહુ અલગ હોય. દાખલા તરીકે, એકવાર ઈસુ ગાલીલથી છાની રીતે યરૂશાલેમ જઈ રહ્યા હતા ત્યારે, રસ્તામાં આવતા લોકો તેમને ઓળખી ન શક્યા. (યોહાન ૭:૧૦, ૧૧) ઈસુ શિષ્યો સાથે હતા ત્યારે, લોકો પારખી ન શક્યા કે બધામાંથી ઈસુ કોણ છે. યાદ કરો, જ્યારે યહુદા ઇસ્કારિયોત હથિયારોથી સજ્જ ટોળા સાથે આવ્યો, ત્યારે તેણે ઈસુને ચુંબન કર્યું અને તેમની ઓળખ આપી જેથી ટોળું તેમની ધરપકડ કરી શકે.—માથ્થી ૨૬:૪૭-૪૯.

  •   વાળની લંબાઈ: ઈસુના વાળ લાંબા નહિ હોય, કારણ કે બાઇબલમાં લખ્યું છે, “પુરુષના લાંબા વાળ તેના માટે શરમની વાત છે.”—૧ કોરીંથીઓ ૧૧:૧૪.

  •   દાઢી: ઈસુ દાઢી રાખતા હતા. તે યહૂદી નિયમ પાળતા હતા. એ નિયમ પ્રમાણે માણસોએ પોતાની ‘દાઢી બાજુએથી મૂંડાવવાની ન હતી.’ (લેવીય ૧૯:૨૭; ગલાતીઓ ૪:૪) એટલું જ નહિ, બાઇબલની એક ભવિષ્યવાણીમાં બતાવ્યું છે કે ઈસુએ ઘણી તકલીફો સહેવી પડશે, એમાં તેમની દાઢીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.—યશાયા ૫૦:૬.

  •   શરીર: બાઇબલમાંથી જાણવા મળે છે કે ઈસુ તંદુરસ્ત હતા. તેમના સેવાકાર્ય દરમિયાન, તે ઘણા કિલોમીટર ચાલીને મુસાફરી કરતા. (માથ્થી ૯:૩૫) તેમણે બે વાર યહૂદીઓના મંદિરને શુદ્ધ કર્યું હતું. તેમણે નાણાં બદલનારાઓની મેજો ઉથલાવી નાખી હતી અને મંદિરમાં વેચાતા ઢોરઢાંકને ચાબુક મારીને બહાર કાઢી મૂક્યા હતા. (લૂક ૧૯:૪૫, ૪૬; યોહાન ૨:૧૪, ૧૫) મૅકક્લિન્ટોક અને સ્ટ્રોંગની સાઇક્લોપીડિયામાં જણાવ્યું છે: ‘ખુશખબરના ચાર પુસ્તકોમાંથી જોવા મળે છે કે ઈસુ એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત હતા.’—ગ્રંથ ૪, પાન ૮૮૪.

  •   ચહેરાના હાવભાવ: ઈસુ લોકોને ખૂબ પ્રેમ કરતા હતા અને તે દયાળુ હતા. એટલે તેમના ચહેરાના હાવભાવથી એ ગુણો સાફ જોવા મળતા હશે. (માથ્થી ૧૧:૨૮, ૨૯) બધા પ્રકારના લોકો તેમની પાસે આવતા, જેથી તેઓ દિલાસો અને મદદ મેળવી શકે. (લૂક ૫:૧૨, ૧૩; ૭:૩૭, ૩૮) એટલું જ નહિ, બાળકો પણ અચકાયા વગર તેમની પાસે આવતાં.—માથ્થી ૧૯:૧૩-૧૫; માર્ક ૯:૩૫-૩૭.

ઈસુના દેખાવ વિશે ખોટી માન્યતા

 ખોટી માન્યતા: અમુક લોકો દાવો કરે છે કે ઈસુ આફ્રિકાથી હતા, ત્યાંના લોકો જેવા દેખાતા હતા. એ લોકો કહે છે કે પ્રકટીકરણના પુસ્તકમાં જણાવ્યું છે કે તેમના વાળ ઊન જેવા હતા અને “તેમના પગ ભઠ્ઠીમાં તપાવેલા શુદ્ધ તાંબાની જેમ ચળકતા હતા.”—પ્રકટીકરણ ૧:૧૪, ૧૫.

 હકીકત: પ્રકટીકરણના પુસ્તકમાં ઘણી વાતો ‘દૃશ્યોના’ રૂપમાં છે. (પ્રકટીકરણ ૧:૧) ઈસુના વાળ અને પગ વિશે જે જણાવ્યું છે એ તેમના દેખાવ વિશે નથી. પણ એ દર્શાવે છે કે ફરી જીવતા થયા પછી તેમનામાં કેવા ગુણો હતા. ધ્યાન આપો કે પ્રકટીકરણ ૧:૧૪માં લખ્યું છે, ઈસુના “માથાના વાળ ધોળા ઊન જેવા, હા બરફ જેવા સફેદ હતા.” અહીં તેમના વાળના આકારની નહિ પણ એના રંગની વાત થઈ રહી છે. ધોળા વાળ ઈસુના ડહાપણને દર્શાવે છે કારણ કે તે યુગોના યુગોથી જીવે છે. (પ્રકટીકરણ ૩:૧૪) આપણે કઈ રીતે કહી શકીએ કે અહીં વાળના આકારની નહિ પણ રંગની વાત થઈ રહી છે? કારણ કે વાળની સરખામણી ફક્ત ઊન સાથે જ નહિ પણ બરફ સાથે પણ કરવામાં આવી છે.

 ઈસુના પગ “ભઠ્ઠીમાં તપાવેલા શુદ્ધ તાંબાની જેમ ચળકતા હતા.” (પ્રકટીકરણ ૧:૧૫) “તેમનો ચહેરો પૂરા તેજથી પ્રકાશતા સૂર્ય જેવો હતો.” (પ્રકટીકરણ ૧:૧૬) શું કોઈ માણસની ચામડીનો રંગ એવો હોય શકે? ના, એવું શક્ય નથી. એ તો એક દર્શન હતું જે બતાવે છે કે ઈસુ ફરી જીવતા થયા પછી “એવા ઝળહળતા પ્રકાશમાં રહે છે, જ્યાં કોઈ પહોંચી શકતું નથી.”—૧ તિમોથી ૬:૧૬.

 ખોટી માન્યતા: ઈસુ કમજોર અને નબળા હતા.

 હકીકત: ઈસુ ડરપોક અને નબળા ન હતા. દાખલા તરીકે, જ્યારે હથિયારોથી સજ્જ ટોળું તેમને પકડવા આવે છે, ત્યારે તે હિંમતથી પોતાની ઓળખ આપે છે. (યોહાન ૧૮:૪-૮) ઈસુ સુથાર હતા. એક સુથારે ઘણા સાધનો વાપરવા પડે છે. એટલે કહી શકાય કે તેમનામાં ઘણી તાકાત હતી.—માર્ક ૬:૩.

 તો પછી ઈસુએ પોતાનો વધસ્તંભ ઊંચકવા કેમ બીજાઓની મદદ લેવી પડી? ઈસુ સાથે બીજા પણ ગુનેગારો વધસ્તંભે જડવામાં આવ્યા હતા. શા માટે ઈસુ તેઓ કરતા પહેલાં ગુજરી ગયા? (લૂક ૨૩:૨૬; યોહાન ૧૯:૩૧-૩૩) વધસ્તંભ પર ચઢાવતા પહેલાં જ ઈસુ ઘણા કમજોર થઈ ગયા હતા. તે આખી રાત ઊંઘ્યા ન હતા, એનું એક કારણ હતું કે તે ખૂબ દુઃખી હતા અને તેમના માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા. (લૂક ૨૨:૪૨-૪૪) યહૂદીઓ આખી રાત ઈસુ સાથે ખરાબ રીતે વર્ત્યા હતા. બીજા દિવસે સવારે રોમનોએ તેમને ઘણો માર માર્યો. (માથ્થી ૨૬:૬૭, ૬૮; યોહાન ૧૯:૧-૩) કદાચ એ કારણોને લીધે ઈસુ જલદી ગુજરી ગયા હતા.

 ખોટી માન્યતા: ઈસુ હંમેશાં ગંભીર અને ઉદાસ રહેતા હતા.

 હકીકત: બાઇબલમાં લખ્યું છે કે યહોવા ‘આનંદી ઈશ્વર’ છે અને ઈસુએ હંમેશાં તેમના પિતા જેવા જ ગુણો બતાવ્યા. (૧ તિમોથી ૧:૧૧; યોહાન ૧૪:૯) ઈસુએ બીજાઓને પણ ખુશ રહેવાનું શીખવ્યું. (માથ્થી ૫:૩-૯; લૂક ૧૧:૨૮) એ સાબિત કરે છે કે ઈસુ ખુશ રહેતા હતા અને તેમના ચહેરા પર એ ખુશી સાફ દેખાતી હશે.