સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સુલેમાનનું ઉદાહરણ—બોધ કે ચેતવણી?

સુલેમાનનું ઉદાહરણ—બોધ કે ચેતવણી?

સુલેમાનનું ઉદાહરણ—બોધ કે ચેતવણી?

‘યાકૂબના ઈશ્વર આપણને તેમના માર્ગ શીખવશે અને આપણે તેમના રસ્તામાં ચાલીશું.’—યશા. ૨:૩.

૧, ૨. બાઇબલમાં આપેલા ઉદાહરણોમાંથી તમને કઈ રીતે લાભ થઈ શકે?

 બાઇબલમાં જે લખવામાં આવ્યું છે, એનાથી ચોક્કસ તમને ફાયદો થયો હશે. એમાં તમે વિશ્વાસુ સ્ત્રી-પુરુષોના ઉદાહરણ વાંચ્યા હશે. તેઓના જીવન અને સારા ગુણોને તમે અનુસરવા ચાહશો. (હેબ્રી ૧૧:૩૨-૩૪) તમે બાઇબલમાં એવા પણ ઉદાહરણો વાંચ્યા હશે, જે આપણને ચેતવણી આપે છે. તમે ચોક્કસ તેઓને અનુસરવા નહિ ચાહો!

બાઇબલમાં કેટલીક એવી વ્યક્તિઓના ઉદાહરણ છે, જેમાંથી આપણે કંઈક શીખી શકીએ છીએ. સારી બાબતો જેને આપણે અનુસરી શકીએ અને ચેતવણી આપતી બાબતોથી દૂર રહી શકીએ. જેમ કે, રાજા દાઊદનો વિચાર કરો. તે એક નમ્ર ઘેટાંપાળક હતા અને પછીથી શક્તિશાળી રાજા બન્યા. તેમના ઉદાહરણમાંથી આપણને સારો બોધ મળે છે. તેમને સત્ય માટે ખૂબ જ પ્રેમ હતો અને યહોવાહ પર ભરોસો હતો. જોકે, દાઊદ રાજાએ ગંભીર ભૂલો કરી હતી. તેમણે બાથ-શેબા સાથે વ્યભિચાર કર્યો, ઉરીયાહને મારી નંખાવ્યો અને યહોવાહની ઇચ્છા વિરુદ્ધ પ્રજાની ગણતરી કરાવી. ચાલો હવે આપણે તેમના દીકરા સુલેમાનનો વિચાર કરીએ. તે એક રાજા હતા અને બાઇબલના અમુક પુસ્તકો પણ તેમણે લખ્યાં હતાં. પહેલા આપણે બે બાબતો જોઈશું, જેમાં તેમણે સારું ઉદાહરણ બેસાડ્યું હતું.

“સુલેમાનનું જ્ઞાન”

૩. સુલેમાન રાજાએ સારું ઉદાહરણ બેસાડ્યું છે, એમ શા માટે કહી શકાય?

મહાન સુલેમાન ઈસુએ, રાજા સુલેમાન વિષે સારી બાબતો કહી હતી. તેમણે શંકાશીલ યહુદીઓને કહ્યું: “દક્ષિણની રાણી આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠીને એને અપરાધી ઠરાવશે; કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાને તે આવી; પણ જુઓ, સુલેમાન કરતાં અહીં એક મોટો છે.” (માથ. ૧૨:૪૨) સુલેમાન પોતાના જ્ઞાન માટે જાણીતા હતા. તેમણે આપણને પણ જ્ઞાન મેળવવા અરજ કરી છે.

૪, ૫. સુલેમાનને કઈ રીતે જ્ઞાન મળ્યું? આપણા કિસ્સામાં જ્ઞાન મેળવવું કઈ રીતે સુલેમાનના કિસ્સાથી અલગ છે?

સુલેમાન રાજા બન્યા એ સમયે ઈશ્વરે તેમને સ્વપ્નમાં દર્શન દીધું. તેમણે સુલેમાનને જે જોઈતું હોય એ માગવા કહ્યું. પોતાની પાસે ઓછો અનુભવ હોવાથી સુલેમાને જ્ઞાન માટે વિનંતી કરી. (૧ રાજાઓ ૩:૫-૯ વાંચો.) ઈશ્વરે જોયું કે રાજાએ ધનદોલત અને માનમોભો માંગ્યા નથી પણ “જ્ઞાની તથા બુદ્ધિવંત હૃદય” માંગ્યું છે. એટલે ઈશ્વરે ખુશ થઈને જ્ઞાન તો આપ્યું જ, સાથે સાથે ધનદોલત પણ આપી. (૧ રાજા. ૩:૧૦-૧૪) ઈસુએ જણાવ્યું તેમ સુલેમાન બહુ જ જ્ઞાની હતા. તેમના જ્ઞાન વિષે સાંભળીને શેબાની રાણી લાંબી મુસાફરી કરીને રાજાનું ડહાપણ જોવા આવી.—૧ રાજા. ૧૦:૧, ૪-૯.

સુલેમાનની જેમ આપણે ચમત્કારથી જ્ઞાન મેળવવાની આશા રાખતા નથી. સુલેમાને કહ્યું હતું, “યહોવાહ જ્ઞાન આપે છે.” તેમણે એ પણ લખ્યું હતું કે આપણે સારા ગુણો કેળવવા સખત પ્રયાસ કરવો જોઈએ: ‘જ્ઞાન તરફ તારો કાન ધર, અને બુદ્ધિમાં તારું મન પરોવ.’ જ્ઞાન મેળવવા માટે ‘ખંત રાખવો,’ ‘ઢૂંઢવું’ અને ‘શોધ કરવી’ જેવા શબ્દો પણ સુલેમાને વાપર્યા. (નીતિ. ૨:૧-૬) આ બતાવે છે કે આપણે પણ જ્ઞાન મેળવી શકીએ છીએ.

૬. આપણે કઈ રીતે સુલેમાનના ઉદાહરણમાંથી લાભ મેળવી શકીએ?

પોતાને પૂછો કે ‘શું હું સુલેમાન રાજાની જેમ ઈશ્વરના જ્ઞાનને કીમતી ગણું છું?’ ગમે ત્યારે આર્થિક સંજોગો બદલાઈ શકે છે, એના લીધે લોકો પોતાના નોકરીધંધા અને આવકને વધારે મહત્ત્વ આપે છે. અથવા કેટલું અને કયા પ્રકારનું શિક્ષણ લેવું એ પર વધારે ધ્યાન આપે છે. તમારા વિષે શું? તમારા કુટુંબ વિષે શું? શું તમારા નિર્ણયો બતાવે છે કે તમે ઈશ્વરના જ્ઞાનને કીમતી ગણો છો? શું તમે તમારા વિચારો અને ધ્યેયોમાં ફેરફાર કરશો, જેથી વધુ જ્ઞાન મેળવી શકો? જ્ઞાન મેળવવાથી અને એને જીવનમાં લાગુ કરવાથી તમને ચોક્કસ કાયમી લાભ થશે. સુલેમાને લખ્યું: “ત્યારે તું નેકી, ન્યાય તથા ઇન્સાફને, હા, તું દરેક સુમાર્ગને સમજશે.”—નીતિ. ૨:૯.

સાચી ભક્તિ શાંતિ લાવે છે

૭. ઈશ્વરની ભક્તિ માટે મંદિર કેવી રીતે બન્યું?

મુસાના સમયથી ભક્તિ માટે મુલાકાત મંડપનો ઉપયોગ થતો હતો. પણ સુલેમાને પોતાના શાસનની શરૂઆતમાં એ મંડપને બદલે ભવ્ય મંદિર બનાવ્યું. (૧ રાજા. ૬:૧) સુલેમાને બાંધકામમાં અથવા પૈસેટકે મદદ કરી હતી, એટલે આપણે એને સુલેમાનનું મંદિર કહીએ છીએ. પરંતુ હકીકતમાં તો મંદિર બાંધવાનો વિચાર દાઊદનો હતો. તેમણે મંદિર બનાવવાની દરખાસ્ત મૂકી, ત્યારે ઈશ્વરે મંદિર અને એની દરેક બાબતો માટે યોજના પૂરી પાડી. દાઊદે મંદિર માટે અઢળક ધનસંપત્તિ પણ દાનમાં આપી. (૨ શમૂ. ૭:૨, ૧૨, ૧૩; ૧ કાળ. ૨૨:૧૪-૧૬) પણ એ મંદિર બાંધવાનું કામ યહોવાહે સુલેમાનને સોંપ્યું. એ મંદિર બાંધતા સાડા સાત વર્ષ લાગ્યા.—૧ રાજા. ૬:૩૭, ૩૮; ૭:૫૧.

૮, ૯. (ક) સારાં કામોમાં મંડ્યા રહેવા સુલેમાને કેવો દાખલો બેસાડ્યો? (ખ) સુલેમાને સાચી ઉપાસના આગળ વધારી એનું શું પરિણામ આવ્યું?

સુલેમાન સારા કામો કરવામાં મંડ્યા રહ્યા અને આપણા માટે સારો દાખલો બેસાડ્યો. જ્યારે મંદિરનું બાંધકામ પૂરું થયું અને કરારકોશ મંદિરમાં લાવવામાં આવ્યો, ત્યારે રાજા સુલેમાને જાહેરમાં યહોવાહને પ્રાર્થના કરી: “જે જગા વિષે તેં કહ્યું છે કે ત્યાં મારું નામ રહેશે, તે પર તારી આંખ રાત દિવસ ઉઘાડી રહે, કે તારો સેવક આ સ્થાન તરફ મુખ ફેરવીને જે પ્રાર્થના કરે તે તું સાંભળે.” (૧ રાજા. ૮:૬, ૨૯) ઈશ્વરને મહિમા આપવા જે મંદિર બંધાયું હતું એ તરફ જોઈને ઈસ્રાએલીઓ અને પરદેશીઓ પ્રાર્થના કરી શકતા હતા.—૧ રાજા. ૮:૩૦, ૪૧-૪૩, ૬૦.

સુલેમાને સાચી ઉપાસનાને આગળ વધારી એનું શું પરિણામ આવ્યું? મંદિરના સમર્પણની ઉજવણી બાદ, ‘જે સર્વ ભલાઈ યહોવાહે પોતાના સેવક દાઊદને તથા પોતાના ઈસ્રાએલ લોકને દર્શાવી હતી તેને લીધે, લોકો મનમાં હરખાયા અને આનંદ કર્યો.’ (૧ રાજા. ૮:૬૫, ૬૬) સુલેમાનના ૪૦ વર્ષના શાસન દરમિયાન તેમના રાજ્યમાં બહુ જ સુખ અને સમૃદ્ધિ હતા. (૧ રાજાઓ ૪:૨૦, ૨૧, ૨૫ વાંચો.) ગીતશાસ્ત્રના ૭૨મા અધ્યાયમાં એનું વર્ણન થયું છે. એમાંથી એ પણ જોવા મળે છે કે, ભાવિમાં મહાન સુલેમાન ઈસુ પોતાના રાજ્યમાં આશીર્વાદો વરસાવશે.—ગીત. ૭૨:૬-૮, ૧૬.

સુલેમાનના ઉદાહરણમાંથી ચેતવણી

૧૦. સુલેમાનની કઈ મૂર્ખામી આપણને તરત યાદ આવે છે?

૧૦ સુલેમાનના જીવનમાંથી આપણને કઈ ચેતવણી મળે છે? તેમણે જૂઠા ધર્મની પત્નીઓ અને ઉપપત્નીઓ કરી હતી. એ વિષે બાઇબલ જણાવે છે, ‘સુલેમાનની વૃદ્ધાવસ્થામાં એમ થયું કે તેમની સ્ત્રીઓએ તેમનું હૃદય અન્ય દેવો તરફ ફેરવી નાખ્યું; અને તેમનું હૃદય તેમના પિતા દાઊદના હૃદયની જેમ ઈશ્વર યહોવાહ પ્રત્યે સંપૂર્ણ ન હતું.’ (૧ રાજા. ૧૧:૧-૬) આપણામાંનું કોઈ તેમણે કરેલી મૂર્ખામીને અનુસરવા નહિ માંગીએ. પણ શું આ એક જ ચેતવણી સુલેમાનના જીવનમાંથી મળે છે? ચાલો તેમના જીવનની અમુક એવી વિગતો તપાસીએ, જેના પર આપણે બહુ ધ્યાન આપતા નથી. આપણે એમાંથી શું ચેતવણી લઈ શકીએ એ જોઈએ.

૧૧. સુલેમાનના પહેલા લગ્‍ન પરથી શું તારણ કાઢી શકીએ?

૧૧ સુલેમાને ૪૦ વર્ષ રાજ કર્યું હતું. (૨ કાળ. ૯:૩૦) આપણે ૧ રાજાઓ ૧૪:૨૧માંથી શું તારણ કાઢી શકીએ? (વાંચો.) એ કલમ મુજબ, સુલેમાનના મરણ પછી તેમનો પુત્ર રહાબઆમ ૪૧ વર્ષની ઉંમરે રાજા બન્યો. તે સુલેમાનની પત્ની “નાઅમાહ” જે આમ્નોની હતી તેનો દીકરો હતો. મતલબ કે સુલેમાને રાજા બન્યા પહેલાં દુશ્મન અને મૂર્તિપૂજા કરતા રાષ્ટ્રની સ્ત્રી સાથે લગ્‍ન કર્યા હતા. (ન્યા. ૧૦:૬; ૨ શમૂ. ૧૦:૬) શું સુલેમાનની આ પત્ની પણ મૂર્તિપૂજા કરતી હતી? તે એક સમયે મૂર્તિપૂજક હતી, પણ પછી કદાચ એ રાહાબ અને રૂથની જેમ સાચી ઉપાસના કરવા લાગી હશે. (રૂથ ૧:૧૬; ૪:૧૩-૧૭; માથ. ૧:૫, ૬) તોપણ સુલેમાનને આમ્નોની સગા-સંબંધીઓ તો હશે, જેઓ યહોવાહને ભજતા ન હતા.

૧૨, ૧૩. સુલેમાને રાજા બન્યા પછી કયું ખોટું પગલું ભર્યું? તેમણે કેવો તર્ક કર્યો હશે?

૧૨ સુલેમાન રાજા બન્યા પછી તેમણે ખોટી બાબતો કરી. જેમ કે, ‘સુલેમાને મિસરના રાજા ફારુનની સાથે સંબંધ બાંધ્યો અને તેની દીકરી સાથે પરણ્યા, અને તેને દાઊદનગરમાં રાખી.’ (૧ રાજા. ૩:૧) શું આ મિસરની સ્ત્રી પણ રૂથની જેમ સાચી ઉપાસના કરવા લાગી? તેણે એવું કર્યું હોય એનો ક્યાંય ઉલ્લેખ નથી. એના બદલે સુલેમાને તે સ્ત્રી માટે (કદાચ તેની મિસરી દાસીઓ માટે પણ) દાઊદનગરની બહાર એક ઘર બાંધ્યું. તેમણે શા માટે એમ કર્યું? એનું કારણ શાસ્ત્ર જણાવે છે કે જૂઠી ઉપાસના કરનાર વ્યક્તિ કરારકોશની નજીક રહે એ યોગ્ય ન હતું.—૨ કાળ. ૮:૧૧.

૧૩ સુલેમાને રાજકીય ફાયદા માટે મિસરની રાજકુમારી સાથે લગ્‍ન કર્યાં હતાં. તોપણ તે પોતાના ફાયદા માટે એવું બહાનું ના કાઢી શકે. ઘણા સમય પહેલાં, ઈશ્વરે કનાની પ્રજા સાથે લગ્‍ન કરવાની મના કરી હતી. તેમ જ બીજી અમુક પ્રજા માટે પણ ના પાડી હતી. (નિર્ગ. ૩૪:૧૧-૧૬) શું સુલેમાને એવો તર્ક કર્યો હશે કે મિસર એ દેશોની યાદીમાં નથી આવતું? જો તેણે એવો તર્ક કર્યો હોય, તોપણ શું એવું વિચારવું યોગ્ય ગણાય? યહોવાહે પહેલેથી જ ચેતવ્યા હતા કે ઈસ્રાએલીઓ વિદેશીઓ જોડે સંબંધ બાંધશે, તો જૂઠી ભક્તિમાં ફસાઈ જશે. સુલેમાને આ ચેતવણી તરફ આંખ આડા કાન કર્યા.—પુનર્નિયમ ૭:૧-૪ વાંચો.

૧૪. સુલેમાનના ઉદાહરણમાંથી ચેતવણી લઈશું તો, શું ફાયદો થશે?

૧૪ સુલેમાને લીધેલા નિર્ણયોમાંથી આપણે ચેતવણી લેવી જોઈએ. ઈશ્વરે આજ્ઞા આપી છે કે “કેવળ પ્રભુમાં” લગ્‍ન કરવું જોઈએ. પણ માની લો કે કોઈ બહેન બહાના કાઢીને એ સલાહની અવગણના કરીને કોઈ પુરુષના પ્રેમમાં પડે છે. (૧ કોરીં. ૭:૩૯) એવા જ બહાના કાઢીને કોઈ ભાઈ કે બહેન સ્કૂલમાં રમતગમત જેવી પ્રવૃત્તિમાં વધારે પડતો ભાગ લેવાનું વિચારે. વધારે ટૅક્સ ના ભરવો પડે એટલા માટે પોતાની અમુક આવક છુપાવે. અથવા પોતાના ખોટાં કામો ખુલ્લા ન પડે એ માટે જૂઠું બોલે. જો આપણે ઈશ્વરે આપેલા નિયમોમાંથી છટકવા બહાના કાઢીશું, તો સુલેમાનની જેમ જોખમમાં મૂકાઈ જઈશું.

૧૫. યહોવાહે કેવી રીતે સુલેમાન પર દયા બતાવી? પણ આપણે શું યાદ રાખવું જોઈએ?

૧૫ તમને જાણીને નવાઈ લાગશે કે સુલેમાને પરાયા ધર્મની રાણીઓ કરી હતી, તોપણ ઈશ્વરે તેમને જ્ઞાનની સાથે ધન પણ આપ્યું. (૧ રાજા. ૩:૧૦-૧૩) સુલેમાને ઈશ્વરના નિયમોની અવગણના કરી હતી. જોકે યહોવાહે તરત જ તેમની રાજગાદી લઈ લીધી હોય અથવા કડક શિસ્ત આપી હોય એવી કોઈ માહિતી નથી. આ બતાવે છે કે ઈશ્વર ધ્યાનમાં રાખે છે કે આપણે અપૂર્ણ મનુષ્યો ધૂળના બનેલા છીએ. (ગીત. ૧૦૩:૧૦, ૧૩, ૧૪) છતાં આપણે યાદ રાખવું જોઈએ કે આપણે કરેલા કામોનું વહેલામોડા તો પરિણામ ભોગવવું જ પડશે.

ઘણી બધી પત્નીઓ

૧૬. ઘણી બધી પત્નીઓ કરવામાં સુલેમાને શું ધ્યાનમાં ન રાખ્યું?

૧૬ ગીતોનું ગીત પુસ્તકમાં રાજા સુલેમાને એક કુંવારી યુવતી વિષે લખ્યું છે. તેમને મન એ યુવતી ૬૦ રાણીઓ અને ૮૦ ઉપપત્નીઓની સરખામણીમાં ઘણી જ સુંદર હતી. (ગી.ગી. ૬:૧, ૮-૧૦) આ બતાવે છે કે તેમની પાસે ઘણી સ્ત્રીઓ હતી. માની લો કે મોટા ભાગની કે બધી સ્ત્રીઓ ઈશ્વરની ઉપાસના કરતી હોય, તોપણ સુલેમાને ઈશ્વરે આપેલો નિયમ પાડ્યો ન હતો. ઈશ્વરે મુસાને કહ્યું હતું કે ઈસ્રાએલનો કોઈ રાજા “ઘણી સ્ત્રીઓ કરે નહિ, એ માટે કે તેનું મન ભમી ન જાય.” (પુન. ૧૭:૧૭) આ વખતે પણ યહોવાહે સુલેમાનને તરછોડી દીધા નહિ. એને બદલે, તે સુલેમાનને આશીર્વાદ આપતા રહ્યાં. તેમણે ગીતોનું ગીત પુસ્તક રચવામાં સુલેમાનનો ઉપયોગ કર્યો.

૧૭. આપણે હંમેશાં શું યાદ રાખવું જોઈએ?

૧૭ શું આનો અર્થ એવો થાય કે ઈશ્વરના નિયમોને સુલેમાન કોઈ માઠાં પરિણામો વગર અવગણી શકતા હતા? શું આપણે પણ એમ કરી શકીએ? ના. એ બતાવે છે કે ઈશ્વર થોડો વધારે સમય ધીરજ બતાવી રહ્યા છે. જો કોઈ ભક્ત ઈશ્વરના નિયમો તોડે અને તરત ખરાબ પરિણામ ન ભોગવે તો એનો અર્થ એ નથી કે તેને કદી કશું નહિ થાય. સુલેમાને લખ્યું: “ઈશ્વર પાપીઓને તરત જ શિક્ષા કરતા નથી, તેથી લોકોને પાપ કરવું સલામત લાગે છે. પાપી સેંકડો વાર પાપ કરીને પણ લાંબું જીવે છે, છતાં હું સારી રીતે જાણું છું કે ઈશ્વરનું ભય રાખનારાઓનું ભલું થશે.”—ઉપદેશક [સભા.] ૮:૧૧, ૧૨, IBSI.

૧૮. સુલેમાનનો દાખલો કેવી રીતે બતાવે છે કે ગલાતી ૬:૭ના શબ્દો હકીકત છે?

૧૮ દુઃખની વાત છે કે સુલેમાને ઈશ્વરના કહ્યા પ્રમાણે કર્યું નહિ. ખરું કે તેમણે ઘણાં સારાં કાર્યો કર્યાં હતા અને ઈશ્વરના આશીર્વાદો પણ લાંબા સમય સુધી મેળવ્યા હતા. પણ સમય જતાં તેમણે એક પછી એક ખોટાં પગલાં ભર્યાં. ઈશ્વરની આજ્ઞા તોડવી એ જાણે તેમની એક આદત બની ગઈ. પાઊલે જે લખ્યું એ કેટલું સાચું છે: ‘ભૂલો મા, ઈશ્વરની મશ્કરી કરાય નહિ: કોઈ માણસ જે કંઈ વાવે એ જ તે લણશે.’ (ગલા. ૬:૭) ઈશ્વરના માર્ગદર્શન વિરુદ્ધ જવા માટે સુલેમાને સમય જતાં ખરાબ પરિણામો ભોગવ્યા. બાઇબલ જણાવે છે: “હવે સુલેમાન રાજાને ફારુનની દીકરી ઉપરાંત બીજી ઘણી પરદેશી સ્ત્રીઓ એટલે મોઆબી, આમ્નોની, અદોમી સીદોની તથા હિત્તી સ્ત્રીઓ સાથે પ્રીતિ લાગી હતી.” (૧ રાજા. ૧૧:૧) તેઓમાંની ઘણી પત્નીઓએ જૂઠા દેવોની ભક્તિ છોડી નહિ. સુલેમાન પણ એમાંથી બાકાત રહ્યાં નહિ. તે સાચી ઉપાસનાથી ડગી ગયા અને ધીરજ ધરનારા ઈશ્વરની કૃપા ગુમાવી બેઠાં.—૧ રાજાઓ ૧૧:૪-૮ વાંચો.

તેમના ઉદાહરણમાંથી શીખીએ

૧૯. શા માટે આપણે કહી શકીએ બાઇબલમાં ઘણાં સારાં ઉદાહરણો છે?

૧૯ યહોવાહે પાઊલને લખવા પ્રેરણા આપી કે “જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું, તે આપણને શિખામણ મળવાને માટે લખવામાં આવ્યું હતું, કે ધીરજથી તથા પવિત્ર શાસ્ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ.” (રોમ. ૧૫:૪) એ લખાણમાં ઘણા વિશ્વાસુ પુરુષો અને સ્ત્રીઓના સારા ઉદાહરણનો સમાવેશ થાય છે. પાઊલે કહ્યું: ‘એથી વિશેષ હું શું કહું? કેમ કે ગિદઓન, બારાક, શામશૂન, યિફતાહ, દાઊદ, શમૂએલ તથા પ્રબોધકો વિષે વિસ્તારથી કહેવાનો મને પૂરતો વખત નથી: તેઓએ વિશ્વાસથી રાજ્યો જીત્યા, ન્યાયીપણે વર્ત્યા, વચનો પ્રાપ્ત કર્યાં, નિર્બળતામાંથી સબળ થયા.’ (હેબ્રી ૧૧:૩૨-૩૪) બાઇબલમાં જોવા મળતા સારા ઉદાહરણોમાંથી આપણે લાભ લેવો જોઈએ. એમાંથી આપણે શીખવું જોઈએ અને તેઓને અનુસરવું જોઈએ.

૨૦, ૨૧. ચેતવણી આપતા ઉદાહરણોમાંથી લાભ મેળવવા તમે શું નક્કી કર્યું છે?

૨૦ બાઇબલના કેટલાક ઉદાહરણો આપણને ચેતવણી પણ આપે છે. એવા સ્ત્રી-પુરુષોની ઉપાસના યહોવાહે એક સમયે સ્વીકારી હતી, અને તેઓને પોતાના ભક્તો ગણ્યા હતા. બાઇબલમાંથી જોવા મળે છે કે તેઓ ક્યાં અને કેવી રીતે ઈશ્વરની ભક્તિથી ફંટાઈ ગયા. આવા ઉદાહરણો આપણા માટે ચેતવણીરૂપ છે. આપણે જાણી શકીએ છીએ કે અમુકે ધીરે ધીરે ખોટું વલણ અને ટેવ વિકસવા દીધાં. સમય જતાં તેઓએ ખરાબ પરિણામો ભોગવવા પડ્યા. આપણે કેવી રીતે એ ઉદાહરણોમાંથી બોધપાઠ લઈ શકીએ? આપણે આ સવાલો પર વિચાર કરવો જોઈએ: ‘તેઓમાં ખોટું વલણ કેવી રીતે વિકસ્યું હતું? શું મારામાં પણ એવી કોઈ ખોટી આદત વિકસી રહી છે? ખોટી બાબતોથી દૂર રહેવા આ ઉદાહરણો મને કેવી રીતે મદદ કરી શકે?’

૨૧ આપણે આ ઉદાહરણોને ગંભીરતાથી તપાસવા જોઈએ. પાઊલે લખ્યું: “આપણે દાખલો લઈએ માટે આ બનાવો બન્યા અને તે શાસ્ત્રમાં લખવામાં આવ્યા. જેથી જગતનો અંત નજીક આવ્યો છે ત્યારે આપણે તે વાંચીએ તથા તેમાંથી બોધપાઠ શીખીએ.”—૧ કરિં. ૧૦:૧૧, IBSI. (w11-E 12/15)

તમે શું શીખ્યા?

• બાઇબલમાં કેમ સારા અને ખરાબ ઉદાહરણો આપવામાં આવ્યા છે?

• કેવી રીતે સુલેમાને ખોટી આદતોને પોતાના જીવનમાં વિકસવા દીધી?

• સુલેમાનના ચેતવણીરૂપ ઉદાહરણમાંથી લાભ મેળવવા તમે શું કરશો?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૫ પર ચિત્ર]

ઈશ્વરે આપેલા જ્ઞાન મુજબ સુલેમાન વર્ત્યા

[પાન ૧૮ પર ચિત્ર]

સુલેમાનની ભૂલોમાંથી તમે શીખી રહ્યા છો, એ કેવી રીતે બતાવી શકો?