સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પહેલાંના જમાનામાં યહોવાહે ભક્તોને બચાવ્યા

પહેલાંના જમાનામાં યહોવાહે ભક્તોને બચાવ્યા

પહેલાંના જમાનામાં યહોવાહે ભક્તોને બચાવ્યા

‘હે ઈશ્વર, મારી પાસે આવવાને ઉતાવળ કર; તું મારો સહાયકારી તથા મને બચાવનાર છે.’—ગીત. ૭૦:૫.

૧, ૨. (ક) યહોવાહના ભક્તો ખાસ કરીને ક્યારે તેમની પાસે દોડી જાય છે? (ખ) કયો સવાલ ઊભો થાય છે? એનો જવાબ ક્યાંથી મળી શકે?

 ફરવા ગયેલાં માબાપને ખબર પડી કે તેઓની ૨૩ વર્ષની પરણેલી દીકરીને કોઈ ઉપાડી ગયું. તરત જ બૅગો પેક કરીને તેઓ ઘરે દોડી ગયા. રસ્તામાં વારંવાર યહોવાહને પ્રાર્થના કરી. હવે વીસ વર્ષના એક ભાઈનો વિચાર કરો. તેમને ખબર પડી કે રોગને લીધે તે સાવ અપંગ થઈ જશે. તે પણ તરત પ્રાર્થનામાં યહોવાહ પાસે દોડી ગયા. બીજા એક બહેન તેમની બાર વર્ષની દીકરી સાથે એકલા જ રહેતા હતા. બહેન પાસે જૉબ ન હતી, ખાવાનું લેવા પૈસા ન હતા. તે પણ યહોવાહની આગળ હૈયું ઠાલવે છે. યહોવાહના ભક્તો કોઈ પણ મુશ્કેલીમાં તેમની પાસે દોડી જાય છે.

કદાચ તમને થાય કે ‘શું યહોવાહ મારી પ્રાર્થના સાંભળશે?’ ગીતશાસ્ત્રનો ૭૦મો અધ્યાય આપણને શીખવશે કે કેમ દુઃખ-તકલીફોમાં યહોવાહની મદદ માગવી જોઈએ. કેમ તેમનામાં ભરોસો હોવો જોઈએ. એ ભજન ઈશ્વરભક્ત દાઊદે લખ્યું. તેમના જીવનમાં અનેક તકલીફો આવી. તેમણે યહોવાહને કહ્યું, ‘હે ઈશ્વર, તું મારો સહાયકારી તથા મને બચાવનાર છે.’—ગીત. ૭૦:૫.

‘તું મને બચાવનાર છે’

૩. (ક) ગીતશાસ્ત્ર ૭૦માં દાઊદે કેવો પોકાર કર્યો? (ખ) દાઊદને યહોવાહમાં કેવો ભરોસો હતો?

ગીતશાસ્ત્ર ૭૦ની શરૂઆત અને અંતમાં યહોવાહની મદદ માટેનો પોકાર જોવા મળે છે. (ગીતશાસ્ત્ર ૭૦:૧-૫ વાંચો.) દાઊદ યહોવાહને વિનંતી કરે છે કે ‘મને છોડાવવાને ઉતાવળ કર.’ બીજી ને ત્રીજી કલમમાં દાઊદ ત્રણ અરજો કરે છે કે દુશ્મનોની હાર થાય ને શરમાય. ચોથી કલમમાં બે અરજો કરે છે કે યહોવાહના ભક્તો તેમનો જયજયકાર કરે ને સુખી થાય. અંતમાં દાઊદ કહે છે, ‘હે ઈશ્વર, તું મારો સહાયકારી તથા મને બચાવનાર છે.’ તેમને કોઈ શંકા ન હતી, યહોવાહમાં પૂરી શ્રદ્ધા હતી.

૪, ૫. ગીતશાસ્ત્ર ૭૦ દાઊદ વિષે શું શીખવે છે? આપણને કયો ભરોસો છે?

ગીતશાસ્ત્ર ૭૦ દાઊદ વિષે શું શીખવે છે? દુશ્મનો જીવ લેવા પાછળ પડ્યા ત્યારે, દાઊદે યહોવાહના માર્ગદર્શન વગર કંઈ કર્યું નહિ. તેમણે પૂરો ભરોસો રાખ્યો કે ખરા સમયે યહોવાહ વેર વાળશે. (૧ શમૂ. ૨૬:૧૦) દાઊદને અતૂટ શ્રદ્ધા હતી કે યહોવાહ મદદ કરશે અને બચાવશે. (હેબ્રી ૧૧:૬) દાઊદની જેમ, યહોવાહ પર ભરોસો રાખનારા તેમનો જયજયકાર કરશે.—ગીત. ૫:૧૧; ૩૫:૨૭.

આપણે પણ પૂરો ભરોસો રાખીએ કે યહોવાહ જરૂર મદદ કરશે. તે જ આપણા “બચાવનાર છે.” કોઈ પણ મુશ્કેલી આવે, તરત યહોવાહને પોકારીએ. (ગીત. ૭૧:૧૨) યહોવાહે દાઊદને કઈ ત્રણ રીતે મદદ કરી અને તેમનો બચાવ કર્યો? યહોવાહ આપણને કેવી કેવી રીતે મદદ કરશે?

દુશ્મનોથી બચાવ

૬. દાઊદને કેવી રીતે ખબર પડી કે યહોવાહ પોતાના ભક્તોને બચાવનાર છે?

દાઊદ પાસે બાઇબલનો અમુક જ ભાગ હતો. એના પરથી તે માનતા હતા કે યહોવાહ પોતાના ભક્તોને બચાવે છે. જેમ કે, નુહના જમાનામાં યહોવાહે દુષ્ટ લોકોનો નાશ કર્યો. પણ નુહ અને તેમના કુટુંબને બચાવી લીધા. (ઉત. ૭:૨૩) પછી સદોમ અને ગમોરાહનો નાશ કરવા આગ અને ગંધક વરસાવ્યા. પણ લોત અને તેમની બે દીકરીઓને બચાવ્યા. (ઉત. ૧૯:૧૨-૨૬) ઘમંડી ફારૂન અને લશ્કરનો રાતા સમુદ્રમાં નાશ કર્યો. પણ પોતાના ભક્તોની કતલ થવા ન દીધી. (નિર્ગ. ૧૪:૧૯-૨૮) એટલે જ દાઊદે બીજા એક ભજનમાં કહ્યું કે યહોવાહ ‘આપણા તારણના ઈશ્વર છે.’—ગીત. ૬૮:૨૦.

૭-૯. (ક) દાઊદે શા માટે યહોવાહમાં પૂરો ભરોસો મૂક્યો? (ખ) દાઊદે પોતાના બચાવ માટે કોને યશ આપ્યો?

દાઊદે પોતે અનુભવ કર્યો હતો કે યહોવાહ પોતાના ‘અનંત ભુજ’ કે હાથથી ભક્તોને બચાવે છે. (પુન. ૩૩:૨૭) યહોવાહે અનેક વાર દાઊદને “શતઓથી” બચાવ્યા હતા. (ગીત. ૧૮:૧૭-૧૯, ૪૮) એક દાખલો લઈએ.

ઈસ્રાએલી સ્ત્રીઓ દાઊદની જીતનાં ગીતો ગાતી હતી ત્યારે, રાજા શાઊલ અદેખાઈથી સળગી ઊઠ્યો. તેણે બે વાર દાઊદને ભાલાથી વીંધી નાખવાનો પ્રયત્ન કર્યો. (૧ શમૂ. ૧૮:૬-૯) બંને વાર દાઊદ માંડ માંડ બચી ગયા. શું તેમનામાં નિશાન ચૂકવવાની આવડત હતી, એટલે તે બચી ગયા? ના. પણ ‘યહોવાહ તેમની સાથે હતા.’ (૧ શમૂએલ ૧૮:૧૧-૧૪ વાંચો.) પછી શાઊલે બીજો પ્લાન ઘડ્યો, જેથી દાઊદ પલિસ્તીઓના હાથે માર્યા જાય. એવું પણ ન બન્યું ત્યારે, “શાઊલે જોયું ને જાણ્યું કે યહોવાહ દાઊદની સાથે છે.”—૧ શમૂ. ૧૮:૧૭-૨૮.

દાઊદે પોતાના બચાવ માટે કોને યશ આપ્યો? ગીતશાસ્ત્રના ૧૮મા અધ્યાય પરનું લખાણ આમ વંચાય છે: ‘જે દિવસે યહોવાહે દાઊદને શાઊલના હાથમાંથી છોડાવ્યા, તે દિવસે તેમણે યહોવાહને આ ગીતનાં વચન કહ્યાં.’ દાઊદે કહ્યું, ‘યહોવાહ મારો ખડક, મારો કિલ્લો તથા મારો બચાવનાર છે; મારો ઈશ્વર, મારો ગઢ, તે પર હું ભરોસો રાખીશ.’ (ગીત. ૧૮:૨) એ જાણીને આપણને કેવું લાગે છે? શું આપણે યહોવાહના વચન પર જાનની બાજી લગાવવા તૈયાર છીએ?—ગીત. ૩૫:૧૦.

બીમારીમાં સાથ

૧૦, ૧૧. ગીતશાસ્ત્ર ૪૧ પ્રમાણે દાઊદ સખત બીમાર હતા ત્યારે શું બન્યું હોય શકે?

૧૦ ગીતશાસ્ત્રનો ૪૧મો અધ્યાય બતાવે છે કે દાઊદ એક વખત સખત બીમાર પડ્યા. અમુક દુશ્મનોને થયું કે તે ‘પાછા ઊઠવાના નથી.’ (કલમ ૭, ૮) અધ્યાય પ્રમાણે, કદાચ એ સમયે દાઊદના દીકરા આબ્શાલોમે રાજગાદી પચાવી પાડવાનો પ્રયત્ન કર્યો.—૨ શમૂ. ૧૫:૬, ૧૩, ૧૪.

૧૧ એ અધ્યાયમાં દાઊદે એક જિગરી દોસ્તની પણ વાત કરી. તે તેમની સાથે ખાતો-પીતો હતો, પણ પછી દગો દીધો. (કલમ ૯) કદાચ દાઊદ પોતાના ખાસ સલાહકાર અહીથોફેલની વાત કરતા હતા. તે આબ્શાલોમ સાથે ભળી ગયો. (૨ શમૂ. ૧૫:૩૧; ૧૬:૧૫) કલ્પના કરો કે દાઊદ પર શું વીત્યું. એક તો પોતે સખત બીમાર. દુશ્મનોની ઇચ્છા કે તે બીમારીમાંથી બેઠા જ ન થાય. (કલમ ૫) ઉપરથી પાછો ડર કે હવે બીજું કોણ દગો કરશે?

૧૨, ૧૩. (ક) દાઊદને કેવો ભરોસો હતો? (ખ) યહોવાહે દાઊદને કેવી રીતે ઉત્તેજન આપ્યું હોય શકે?

૧૨ બીમારીમાં પણ યહોવાહ પોતાના ભક્તોને સાથ આપે છે. એવા અતૂટ ભરોસાથી દાઊદે કહ્યું, ‘સંકટને સમયે યહોવાહ તેને છોડાવશે. બીમારીના બિછાના પર યહોવાહ તેનો આધાર થશે; તેની માંદગીમાં આખી પથારી તે બિછાવે છે.’ (ગીત. ૪૧:૧,) દાઊદને સો ટકા ખાતરી હતી કે “યહોવાહ તેનો આધાર થશે.”

૧૩ તોપણ દાઊદે કોઈ ચમત્કારની આશા ન રાખી. તેમને ખાતરી હતી કે યહોવાહ સાથ આપશે. સહન કરવા શક્તિ આપશે. દાઊદને એની સખત જરૂર હતી. એક બાજુ બીમારી ને બીજી બાજુ દુશ્મનો. (કલમ ૫, ૬) કઈ રીતે ‘યહોવાહ દાઊદનો આધાર થયા’? તેમને એવા બનાવો યાદ અપાવ્યા હોય શકે, જેનાથી ઉત્તેજન અને દિલાસો મળે. દુશ્મનો ભલે ગમે એ કહે, પણ યહોવાહની નજરમાં દાઊદની શ્રદ્ધા અડગ હતી. એટલે દાઊદે કહ્યું કે “તું મને મારા નિર્દોષપણામાં [શ્રદ્ધામાં] સ્થિર રાખે છે.” (કલમ ૧૨) આખરે દાઊદ સાજા થયા. સાચે જ યહોવાહ પોતાના બીમાર ભક્તોની પણ સંભાળ રાખે છે!—૨ કોરીં. ૧:૩.

જીવનની જરૂરિયાતો પૂરી પાડવી

૧૪, ૧૫. દાઊદ અને તેમના સાથીદારોને ક્યારે ખાવા-પીવાની તંગી પડી? તેઓને કેવી મદદ મળી?

૧૪ દાઊદ ઈસ્રાએલના રાજા હતા ત્યારે, ખાવા-પીવાની મહેફિલ જામતી. (૨ શમૂ. ૯:૧૦) પણ આબ્શાલોમે દગો કર્યો ત્યારે, સંજોગો બદલાયા. દાઊદ અને તેમના સાથીદારોએ યરૂશાલેમ છોડવું પડ્યું. તેઓ ગિલયડ નાસી છૂટ્યા, જે યરદન નદીની પૂર્વ તરફ હતું. (૨ શમૂ. ૧૭:૨૨, ૨૪) તેઓ ભૂખ્યા-તરસ્યા, થાકેલા-પાકેલા એકથી બીજી જગ્યાએ નાસભાગ કરતા હતા. ત્યાં તેઓને કોણ ખાવા-પીવાનું પૂરું પાડે?

૧૫ તેઓ માહનાઇમ આવી પહોંચ્યા. ત્યાં તેઓને શોબી, માખીર અને બાર્ઝિલ્લાય નામના ઈશ્વરભક્તો મળ્યા. તેઓ દાઊદ અને તેમના સાથીદારો માટે ઘઉં, જવ, શેકેલું અનાજ, ચોળા, વટાણા, મધ, માખણ, અને ઘેટાં લાવ્યા હતા. અરે, ખાટલા પણ લાવ્યા હતા! (૨ શમૂએલ ૧૭:૨૭-૨૯ વાંચો.) એ ત્રણેય ભક્તોને ખબર હતી કે આબ્શાલોમ રાજા બને તો, તેઓને જીવતા નહિ છોડે. તોપણ તેઓ યહોવાહે પસંદ કરેલા દાઊદ રાજાને માટે જાન જોખમમાં મૂકવા તૈયાર હતા. દાઊદ એ કદીયે ભૂલ્યા નહિ હોય!

૧૬. દાઊદ અને તેમના સાથીદારોની સંભાળ રાખવા પાછળ કોનો હાથ હતો?

૧૬ દાઊદ અને તેમના સાથીદારોની સંભાળ રાખવામાં કોનો હાથ હતો? દાઊદે પેલા ત્રણેય મિત્રોનો પ્રેમ જોયો. પણ એની પાછળ યહોવાહનો હાથ જોયો. દાઊદે ઘડપણમાં લખ્યું: “હું જુવાન હતો, અને હવે ઘરડો થયો છું; પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં જોયાં નથી.” (ગીત. ૩૭:૨૫) આજે પણ યહોવાહનો હાથ ટૂંકો નથી. તે આપણને કોઈ પણ ભક્તો દ્વારા મદદ કરી શકે.—નીતિ. ૧૦:૩.

‘યહોવાહ પોતાના ભક્તોને છોડાવે છે’

૧૭. યહોવાહ વિષે કયા શબ્દો સાચા પડ્યા છે?

૧૭ યહોવાહે દાઊદની જેમ, બીજા ઈશ્વરભક્તોને પણ અનેક વાર બચાવ્યા. યહોવાહ વિષે આ શબ્દો વારંવાર સાચા પડ્યા છે: “પ્રભુ તે ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે.” (૨ પીત. ૨:૯) ચાલો બીજા બે દાખલા લઈએ.

૧૮. હિઝકીયાહના સમયમાં યહોવાહે કઈ રીતે બચાવ કર્યો?

૧૮ રાજા હિઝકીયાહનો વિચાર કરો. ઈસવીસન પૂર્વે આઠમી સદીમાં યરૂશાલેમ પર આશ્શૂરી લશ્કરે ઘેરો ઘાલ્યો. હિઝકીયાહને ચિંતા હતી કે યહોવાહનું નામ બદનામ થશે. તરત તેમણે દિલથી પ્રાર્થના કરી: ‘હે અમારા ઈશ્વર યહોવાહ, અમારો બચાવ કરજે, કે પૃથ્વીનાં સર્વ રાજ્યો જાણે કે તું જ એકલો યહોવાહ છે.’ (યશા. ૩૭:૨૦) યહોવાહે એ પ્રાર્થનાનો જવાબ આપ્યો. તેમના એક જ સ્વર્ગદૂતે એક રાતમાં ૧,૮૫,૦૦૦ આશ્શૂરીઓને પતાવી દીધા. યહોવાહના ભક્તો બચી ગયા.—યશા. ૩૭:૩૨, ૩૬.

૧૯. કઈ ચેતવણી માનવાથી પહેલી સદીના ભક્તો બચી ગયા?

૧૯ યરૂશાલેમના નાશ વિષે ઈસુએ શિષ્યોને ચેતવણી આપી હતી. (લુક ૨૧:૨૦-૨૨ વાંચો.) દસ, વીસ, ત્રીસ વર્ષો વીતી ગયાં. આખરે ૬૬ની સાલમાં યહુદીઓના બંડને લીધે, રૂમી લશ્કર ચડી આવ્યું. સેસ્તિઅસ ગેલસના હાથ નીચે આવેલું લશ્કર યરૂશાલેમમાં મંદિર ફરતેની દીવાલમાં ગાબડું પાડવા માંડ્યું. પણ અચાનક લશ્કરે પીછેહઠ કરી. ઈસુના શિષ્યોએ પારખ્યું કે વિનાશમાંથી બચી જવાની આ જ તક છે. તેઓ પહાડોમાં નાસી છૂટ્યા. રૂમી લશ્કર ૭૦ની સાલમાં પાછું આવ્યું. આ વખતે યરૂશાલેમનો પૂરો નાશ કર્યો. ઈસુની ચેતવણી માની એ જ ભક્તો કતલમાંથી બચી ગયા.—લુક ૧૯:૪૧-૪૪.

૨૦. આપણને કેમ ભરોસો છે કે યહોવાહ જરૂર ‘બચાવશે’?

૨૦ યહોવાહે પોતાના ભક્તોને જે રીતે મદદ કરી ને બચાવ્યા, એ જોવાથી આપણી શ્રદ્ધા હજુયે વધે છે. ભલે ગમે એવી તકલીફો હોય કે હવે પછી આવે, યહોવાહ આપણને ‘બચાવશે.’ ચાલો હવે પછીના લેખમાં જોઈએ કે કઈ રીતે? એ પણ જોઈએ કે લેખની શરૂઆતમાં જણાવેલા ભાઈ-બહેનોનું શું થયું? (w08 9/15)

[Picture on page 16]

કેવી રીતે સમજાવશો?

ગીતશાસ્ત્ર ૭૦ કઈ રીતે આપણી શ્રદ્ધા વધારે છે?

• દાઊદને બીમારીમાં પણ કેવી મદદ મળી?

• યહોવાહે કઈ કઈ રીતે પોતાના ભક્તોને બચાવ્યા?

[Study Questions]