સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે યહોવાના સમર્થ હાથને જોઈ શકો છો?

શું તમે યહોવાના સમર્થ હાથને જોઈ શકો છો?

“યહોવાનો હાથ તેના સેવકોના જાણવામાં આવશે.”—યશા. ૬૬:૧૪.

ગીતો: ૨૫ (191), ૮ (51)

૧, ૨. ઈશ્વર વિશે અમુક લોકોનું શું માનવું છે?

ઘણા લોકો એવું માને છે કે ભલે તેઓ મનફાવે એવાં કામ કરે, ઈશ્વરને એની સાથે કોઈ લેવાં-દેવાં નથી. એ લોકોનું વિચારવું છે કે તેઓ પર ગમે તે વીતે, ઈશ્વરને એની કંઈ જ પડી નથી. દાખલા તરીકે, નવેમ્બર ૨૦૧૩માં ફિલિપાઇન્સમાં એક ભયંકર વાવાઝોડું આવ્યું. એ દેશના મોટા ભાગના વિસ્તારોમાં તબાહી મચી ગઈ હતી. ત્યાંના એક મોટા શહેરના મેયરે કહ્યું: ‘લાગે છે કે ઈશ્વર ક્યાંક ફરવા ગયા છે!’

બીજા અમુકનું માનવું છે કે તેઓ જે કરે છે એને ઈશ્વર જોઈ શકતા નથી. (યશા. ૨૬:૧૦, ૧૧; ૩ યોહા. ૧૧) પ્રેરિત પાઊલના સમયમાં પણ કેટલાક લોકો એવું જ માનતા. તેઓ વિશે પાઊલે લખ્યું: “ઈશ્વરનું જ્ઞાન મનમાં રાખવાનું તેઓને ગમ્યું નહિ.” તેઓ અન્યાયી, દુષ્ટ, લાલચી અને ખરાબ હતા.—રોમ. ૧:૨૮, ૨૯.

૩. (ક) આપણે કયા પ્રશ્નો પર વિચાર કરવો જોઈએ? (ખ) ઈશ્વરનો “હાથ” શાને રજૂ કરે છે?

આપણા વિશે શું? આપણે જાણીએ છીએ કે યહોવા આપણાં બધાં કામો જોઈ શકે છે. પણ શું આપણે એમ માનીએ છીએ કે યહોવા આપણી પરવા કરે છે? શું આપણે પોતાના જીવનમાં તેમની મદદનો હાથ જોઈ શકીએ છીએ? ઘણી વાર બાઇબલમાં ઈશ્વરનો “હાથ” તેમણે બતાવેલા સામર્થ્યને રજૂ કરે છે. તે પોતાના ભક્તોને મદદ કરવા અને પોતાના દુશ્મનોને હરાવવા એ સામર્થ્યનો ઉપયોગ કરે છે. (પુનર્નિયમ ૨૬:૮ વાંચો.) ઈસુએ કહ્યું હતું કે કેટલાક લોકો “ઈશ્વરને જોશે.” (માથ. ૫:૮) શું આપણે પણ એમાંના એક છીએ? આપણે કઈ રીતે ‘ઈશ્વરને જોઈ’ શકીએ? આપણે બાઇબલમાંથી અમુક એવી વ્યક્તિઓના દાખલા જોઈશું, જેઓ ઈશ્વરનો સમર્થ હાથ જોઈ શક્યા. આપણે એવી વ્યક્તિઓ વિશે પણ શીખીશું, જેઓ એને જોઈ શક્યા નહિ. ઉપરાંત, આપણે જોઈશું કે ઈશ્વરનો સમર્થ હાથ જોવામાં આપણો વિશ્વાસ કઈ રીતે મદદ કરે છે.

તેઓ ઈશ્વરના સમર્થ હાથને જોઈ શક્યા નહિ

૪. શા માટે કહી શકાય કે ઈસ્રાએલના દુશ્મનો યહોવાના હાથનું સામર્થ્ય જોઈ શક્યા નહિ?

પ્રાચીન સમયના ઈસ્રાએલીઓનો વિચાર કરો. ઈશ્વરે તેઓને ઘણી રીતોએ મદદ આપી હતી. એ સમયના ઘણા લોકો પાસે પણ એ જોવાની અને એ વિશે સાંભળવાની સારી તક હતી. યહોવાએ ચમત્કારો કરીને પોતાના લોકોને મિસરની ગુલામીમાંથી છોડાવ્યા હતા. (યહો. ૯:૩, ૯, ૧૦) બીજા દેશના રાજાઓએ જોયું અને સાંભળ્યું કે કઈ રીતે યહોવા પોતાના લોકોને બચાવે છે. છતાં, ‘તેઓ એક થઈને યહોશુઆ અને ઈસ્રાએલીઓની સામે યુદ્ધ કરવા ભેગા થયા.’ (યહો. ૯:૧, ૨) તેઓ ઈસ્રાએલીઓની વિરુદ્ધ લડ્યા ત્યારે તેઓ યહોવાના હાથની તાકાત જોઈ શક્યા. કારણ કે ઈસ્રાએલીઓએ “તેઓના શત્રુ ઉપર વેર વાળ્યું ત્યાં સુધી સૂર્ય સ્થિર રહ્યો, ને ચંદ્ર થંભી રહ્યો.” એ જીત પાછળ યહોવાનો હાથ હતો. (યહો. ૧૦:૧૩) યહોવાએ ઈસ્રાએલી પ્રજાના દુશ્મનોનાં “મન જડ કર્યાં,” એ માટે કે તેઓ ઈસ્રાએલની વિરુદ્ધ લડવા આવે. (યહો. ૧૧:૨૦) ઈસ્રાએલના દુશ્મનોનો સંહાર થયો! કેમ કે, તેઓએ એ સ્વીકારવાનો નકાર કર્યો કે ઈસ્રાએલીઓ વતી યહોવા લડી રહ્યા હતા.

૫. દુષ્ટ રાજા આહાબે શાનો નકાર કર્યો?

સમય જતાં, દુષ્ટ રાજા આહાબને પણ કેટલીક વાર યહોવાના હાથનું સામર્થ્ય જોવાની તક મળી હતી. એલીયાએ આહાબને કહ્યું: “હવેનાં વર્ષોમાં ઓસ તથા વરસાદ કેવળ મારા કહેવા પ્રમાણે જ પડશે.” (૧ રાજા. ૧૭:૧) એવું બનવું ફક્ત યહોવાના સામર્થ્યથી શક્ય હતું. પરંતુ, આહાબે એ વાત માનવાનો નકાર કર્યો. પછીથી, એલીયાએ યહોવાને પ્રાર્થના કરી. એનો જવાબ આપવા તેમના અર્પણ પર યહોવાએ આકાશમાંથી અગ્નિ મોકલ્યો. આહાબે એ બધું જોયું. પછી, એલીયાએ આહાબને કહ્યું કે યહોવા આકાશમાંથી વરસાદ વરસાવીને આ દુકાળનો અંત લાવશે. (૧ રાજા. ૧૮:૨૨-૪૫) આહાબે એ બધા ચમત્કારો જોયા તોપણ યહોવાના પરાક્રમને સ્વીકાર્યું નહિ. આ દાખલામાંથી આપણને શું શીખવા મળે છે? આપણા જીવનમાં યહોવાનો હાથ કઈ રીતે કામ કરે છે એ આપણે જોવું જ જોઈએ.

તેઓ ઈશ્વરના સમર્થ હાથને જોઈ શક્યા

૬, ૭. ગિબઓનીઓએ અને રાહાબે શું સ્વીકાર્યું?

ગિબઓનીઓ પોતાની આસપાસ રહેતા બીજા લોકો કરતાં સાવ અલગ હતા. તેઓ યહોવાના સમર્થ હાથને જોઈ શક્યા. ઈસ્રાએલીઓ વિરુદ્ધ લડવાને બદલે, ગિબઓનીઓ તેઓ સાથે શાંતિનો કરાર કરવા ચાહતા હતા. શા માટે? કારણ કે, તેઓએ યહોવા વિશે અને તેમણે કરેલાં કામો વિશે સાંભળ્યું હતું. (યહો. ૯:૩, ૯, ૧૦) તેઓ જોઈ શક્યા કે ઈસ્રાએલીઓ વતી હકીકતમાં તો તેમના ઈશ્વર યહોવા લડી રહ્યા હતા. ગિબઓનીઓ ખરેખર સમજદાર લોકો હતા!

રાહાબે પણ યહોવાનો સમર્થ હાથ જોયો અને એનો સ્વીકાર કર્યો. તે ઈસ્રાએલી ન હતી. પણ તેણે સાંભળ્યું હતું કે કઈ રીતે યહોવાએ પોતાના લોકોને ઇજિપ્તમાંથી છોડાવ્યા હતા. એટલે, જ્યારે બે ઈસ્રાએલી જાસૂસો રાહાબ પાસે આવ્યા, ત્યારે તેણે કહ્યું, ‘યહોવાએ આ દેશ તમને આપ્યો છે, એ હું જાણું છું.’ રાહાબને વિશ્વાસ હતો કે યહોવા તેને અને તેના કુટુંબને બચાવી શકે છે. જીવના જોખમે પણ તેણે યહોવા પર વિશ્વાસ રાખવાનું વધારે યોગ્ય ગણ્યું.—યહો. ૨:૯-૧૩; ૪:૨૩, ૨૪.

૮. કઈ રીતે અમુક ઈસ્રાએલીઓએ યહોવાના હાથનું પરાક્રમ જોયું?

હવે એલીયાના સમયના અમુક ઈસ્રાએલીઓનો વિચાર કરો. જ્યારે એલીયાએ યહોવાને પ્રાર્થના કરી ત્યારે, એના જવાબમાં યહોવાએ અર્પણ પર અગ્નિ વરસાવ્યો. એ સમયે દુષ્ટ રાજા આહાબે યહોવાના સામર્થ્યનો સ્વીકાર ન કર્યો. જ્યારે કે અમુક ઈસ્રાએલીઓ યહોવાના સામર્થ્યને જોઈ શક્યા અને એનો સ્વીકાર કર્યો. તેઓ પોકારી ઊઠ્યા: “યહોવા એ જ ઈશ્વર છે.” (૧ રાજા. ૧૮:૩૯) તેઓને કોઈ શંકા ન હતી કે એ ચમત્કાર પાછળ યહોવાનો હાથ હતો.

૯. આપણે કઈ રીતે ઈશ્વરને અને તેમના સમર્થ હાથને જોઈ શકીએ?

આપણે બાઇબલમાંથી સારા અને ખરાબ લોકોના અમુક દાખલા જોયા. એ દાખલા પરથી આપણે સમજી શક્યા કે ‘ઈશ્વરને જોવાનો’ એટલે કે, તેમના સમર્થ હાથને જોવાનો શો અર્થ થાય. યહોવા અને તેમના ગુણો વિશે સારી રીતે જાણીશું તેમ, આપણે ‘મનની આંખોથી’ તેમનો સમર્થ હાથ જોઈ શકીશું. (એફે. ૧:૧૮, NW) એમ કરવાથી આપણને અગાઉના અને આજના એવા ઈશ્વરભક્તોને અનુસરવા ઉત્તેજન મળશે, જેઓએ યહોવાનો સમર્થ હાથ જોયો છે. યહોવા આજે પણ પોતાના લોકોને મદદ કરે છે, શું આપણી પાસે એનો કોઈ પુરાવો છે?

ઈશ્વરનો સમર્થ હાથ આજે પણ જોવા મળે છે

૧૦. યહોવા આજે પણ લોકોને મદદ કરે છે, એના કયા પુરાવા છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૧૦ યહોવા આજે પણ લોકોને મદદ કરે છે, એના અઢળક પુરાવા છે. આપણે ઘણી વાર એવા લોકોના અનુભવ સાંભળીએ છીએ, જેઓએ મદદ માટે યહોવાને પ્રાર્થના કરી હતી અને યહોવાએ તેઓની પ્રાર્થનાઓનો જવાબ આપ્યો હતો. (ગીત. ૫૩:૨) દાખલા તરીકે, ફિલિપાઇન્સના એક નાના ટાપુ પર સાક્ષીકાર્ય કરતી વખતે ભાઈ એલનની મુલાકાત એક સ્ત્રી સાથે થઈ. સાક્ષીઓને જોઈને એ સ્ત્રીની આંખોમાં આંસુ આવી ગયાં. એ વિશે ભાઈ જણાવે છે, ‘એ જ સવારે એ સ્ત્રીએ યહોવાને પ્રાર્થના કરી હતી કે યહોવાના સાક્ષીઓ તેને મળે. એ સ્ત્રી તરુણ હતી ત્યારે, યહોવાના સાક્ષીઓ જોડે બાઇબલનો અભ્યાસ કરતી હતી. લગ્ન પછી તે આ ટાપુ પર રહેવા આવી, પણ તે અભ્યાસ ચાલુ રાખી શકી નહિ. તેનું દિલ એ જોઈને ભરાઈ આવ્યું હતું કે યહોવાએ તેની પ્રાર્થનાનો તરત જવાબ આપ્યો.’ એક જ વર્ષના સમયગાળામાં તેણે પોતાનું જીવન યહોવાને સમર્પણ કર્યું.

યહોવા આજે પોતાના લોકોને મદદ આપે છે, એની સાબિતી શું તમે જોઈ શકો છો? (ફકરા ૧૧-૧૩ જુઓ)

૧૧, ૧૨. (ક) યહોવા કઈ રીતે પોતાના સેવકોને મદદ કરી રહ્યા છે? (ખ) યહોવાએ એક બહેનને કઈ રીતે મદદ આપી?

૧૧ ચાલો, બીજો એક પુરાવો જોઈએ. ઘણા લોકો યહોવાને ઓળખતા થયા એ પહેલાં ધૂમ્રપાન, ડ્રગ્સ અને પોર્નોગ્રાફી જેવી લતમાં ફસાયેલા હતા. એમાંથી બહાર આવવા યહોવાએ તેઓને મદદ કરી છે. તેઓમાંના અમુક કહે છે કે એવી આદત છોડવા તેઓએ પોતાની રીતે ઘણા પ્રયાસો કરી જોયા છે. છતાં, તેઓ એમાંથી છૂટી શક્યા નહિ. પણ, જ્યારે તેઓએ યહોવા પાસે મદદ માંગી, ત્યારે યહોવાએ તેઓને “પરાક્રમની અધિકતા” આપી, એટલે કે પોતાની શક્તિની મદદ આપી. એના લીધે જ તેઓ પોતાની ખરાબ આદતો છોડી શક્યા છે.—૨ કોરીં. ૪:૭; ગીત. ૩૭:૨૩, ૨૪.

૧૨ યહોવા પોતાના સેવકોને વ્યક્તિગત પડકારોનો સામનો કરવા પણ મદદ આપે છે. બહેન ઍમીનો દાખલો લો. તેમને પેસિફિક મહાસાગરના એક નાના ટાપુ પર સોંપણી મળી. ત્યાં તે રાજ્યગૃહ અને મિશનરીગૃહનાં બાંધકામમાં મદદ આપતાં. જોકે, તેમની સામે કેટલાક પડકારો હતા. ઍમી કહે છે: ‘અમે એક નાની હોટેલમાં રહેતા હતા અને કામ પર જવા અમારે પાણી ભરેલા રસ્તાઓમાં થઈને જવું પડતું.’ ઍમીને ત્યાંની રીતભાત અપનાવવાની હતી. તેને કુટુંબની યાદ સતાવતી. બીજું કે, ત્યાં ઘણી વાર પાણી ન આવતું અને વીજળી જતી રહેતી. બહેન જણાવે છે કે ‘અધૂરામાં પૂરું, એક દિવસે હું મારી સાથે કામ કરતા આપણાં બહેન પર ઊકળી ઊઠી. એ દિવસે ઘરે જતાં મને લાગ્યું કે જાણે હું મારા સંજોગોને લીધે હારી ગઈ છું. હું ઘરે આવી તો ત્યાં વીજળી ન હતી. અંધારામાં બેસીને મેં યહોવા આગળ મારું દિલ ઠાલવ્યું અને તેમની મદદ માંગી.’ વીજળી આવી ત્યારે, બહેને ચોકીબુરજમાંથી એક લેખ વાંચ્યો, જે ગિલયડ ગ્રેજ્યુએશન વિશેનો હતો. એમાં એવા પડકારો વિશે જણાવ્યું હતું, જેનો અનુભવ બહેન કરી રહ્યાં હતાં. બહેન કહે છે, ‘મને લાગ્યું કે એ રાતે જાણે યહોવા મારી સાથે વાત કરી રહ્યા હતા. એના લીધે, મને મારી સોંપણીમાં લાગુ રહેવાં ખૂબ ઉત્તેજન મળ્યું.’—ગીત. ૪૪:૨૫, ૨૬; યશા. ૪૧:૧૦, ૧૩.

૧૩. ખુશખબર ફેલાવવાના હક્કનો બચાવ કરવામાં યહોવાની મદદના કયા પુરાવા છે?

૧૩ ખુશખબર ફેલાવવાનો કાયદેસર હક્ક મેળવવા અને એનો બચાવ કરવામાં પણ યહોવાએ મદદ કરી છે. (ફિલિ. ૧:૭) દાખલા તરીકે, અમુક સરકારોએ આપણા સાક્ષીકાર્યને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે, આપણે પોતાના હક્કનો બચાવ કરવા અદાલતમાં ગયા છીએ. દુનિયાભરમાં આપણે ૨૬૮ જેટલા મુકદ્દમા ઉચ્ચ અદાલતમાં જીત્યા છીએ. વર્ષ ૨૦૦૦થી લઈને આજ સુધીમાં આપણે એમાંના ૨૪ મુકદ્દમા યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઈટ્સમાં જીત્યા છીએ. એક વાત સાફ છે કે યહોવાના પ્રબળ હાથને કોઈ રોકી શકતું નથી.—યશા. ૫૪:૧૭; યશાયા ૫૯:૧ વાંચો.

૧૪. યહોવા પોતાના લોકોને સાથ આપે છે એના બીજા કયા પુરાવા છે?

૧૪ આજે, દુનિયાના ખૂણે ખૂણે ખુશખબર ફેલાવવામાં આવી રહી છે. એનાથી પણ સાબિત થાય છે કે એની પાછળ યહોવાનો હાથ છે. (માથ. ૨૪:૧૪; પ્રે.કૃ. ૧:૮) અલગ અલગ દેશોના હોવા છતાં યહોવાના લોકો સંપીને તેમની ઉપાસના કરે છે. એ પણ યહોવાની મદદથી જ શક્ય બન્યું છે. યહોવાના લોકોની એકતા અજોડ છે. અરે, જેઓ યહોવાના સેવકો નથી, તેઓ પણ કબૂલ કરે છે: ‘ખરેખર તમારી મધ્યે ઈશ્વર છે.’ (૧ કોરીં. ૧૪:૨૫) યહોવા પોતાના લોકોને સાથ આપે છે, એના અઢળક પુરાવા છે. (યશાયા ૬૬:૧૪ વાંચો.) શું તમે પણ પોતાના જીવનમાં યહોવાના સમર્થ હાથનો અનુભવ કર્યો છે?

શું તમે યહોવાનો સમર્થ હાથ જોઈ શકો છો?

૧૫. આપણે શા માટે અમુક વાર યહોવાની મદદનો હાથ જોઈ શકતા નથી?

૧૫ અમુક વાર આપણે પોતાના જીવનમાં યહોવાની મદદનો હાથ કદાચ ન જોઈ શકીએ. એવું શા માટે થઈ શકે? જ્યારે આપણા પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડે છે, ત્યારે યહોવાએ અગાઉ કરેલી મદદને આપણે ભૂલી જઈ શકીએ. એલીયા સાથે પણ એવું જ કંઈક બન્યું હતું. ખરું કે, એલીયામાં ઘણી હિંમત હતી. પરંતુ, જ્યારે દુષ્ટ રાણી ઇઝેબેલે તેમને મારી નાખવાની ધમકી આપી ત્યારે તે ડરી ગયા. એલીયા ઘડીભર ભૂલી ગયા કે યહોવાએ તેમને પહેલાં પણ મદદ કરી હતી. અરે, બાઇબલ જણાવે છે કે તે પોતાના જીવનનો અંત લાવવા માંગતા હતા! (૧ રાજા. ૧૯:૧-૪) તેમને મદદ અને હિંમત માટે કોની પાસે જવાની જરૂર હતી? તેમણે યહોવા પાસે મદદ માંગવાની જરૂર હતી.—૧ રાજા. ૧૯:૧૪-૧૮.

૧૬. તકલીફોમાં પણ આપણે કઈ રીતે યહોવાનો સાથ મહેસૂસ કરી શકીએ?

૧૬ ઈશ્વરભક્ત અયૂબનો વિચાર કરો. મુશ્કેલીઓને લીધે તે ચિંતામાં એટલા ડૂબી ગયા કે તે પોતાના સંજોગો યહોવાની નજરે જોઈ શક્યા નહિ. (અયૂ. ૪૨:૩-૬) અમુક વાર આપણે પોતાની મુશ્કેલીઓમાં એટલા બધા ડૂબી જઈ છીએ કે આપણે પણ યહોવા તરફ જોવાનું ભૂલી જઈએ છીએ. એવા સમયે યહોવાનો સાથ મહેસૂસ કરવા આપણને શું મદદ કરશે? આપણી તકલીફો વિશે બાઇબલ શું કહે છે એના પર મનન કરવાથી મદદ મળશે. એમ કરવાથી આપણને અહેસાસ થશે કે યહોવા ખરેખર છે અને તે જાણે આપણો હાથ પકડીને ચલાવે છે. આપણે પણ અયૂબની જેમ કહી શકીશું, ‘મેં મારા કાનથી તમારા વિશે સાંભળ્યું હતું; પણ હવે હું તમને પ્રત્યક્ષ જોઉં છું.’

શું બીજાઓને મદદ કરવા યહોવા તમારો ઉપયોગ કરે છે, જેથી તેઓ પણ યહોવાને જોઈ શકે? (ફકરા ૧૭, ૧૮ જુઓ)

૧૭, ૧૮. (ક) તમે કઈ રીતે તમારા જીવનમાં યહોવાના સામર્થ્યને જોઈ શકો? (ખ) યહોવા આજે પણ મદદ આપે છે એ સાબિત કરતા અનુભવો જણાવો.

૧૭ તમે કઈ રીતે તમારા જીવનમાં યહોવાના સામર્થ્યને જોઈ શકો? ચાલો, એનાં પાંચ ઉદાહરણો જોઈએ. પહેલું, તમને સત્ય શીખવવા યહોવાએ જે રીતે શોધી કાઢ્યા છે એનો વિચાર કરો. બીજું, એ સભા યાદ કરો, જેમાં કોઈ પ્રવચન સાંભળીને તમને થયું હતું કે ‘મને તો આની જ જરૂર હતી!’ ત્રીજું, યહોવાએ જે રીતે તમારી કોઈ પ્રાર્થનાનો જવાબ આપ્યો છે એના પર મનન કરો. ચોથું, યહોવાની સેવામાં તમે જે ધ્યેયો રાખ્યા હતા, એને હાંસલ કરવા યહોવાએ જે મદદ કરી એનો વિચાર કરો. પાંચમું, યહોવાની સેવામાં વધુ કરવા તમે જે જતું કર્યું છે એનો વિચાર કરો. કદાચ તમે નોકરી જતી કરી હશે. એવા સમયે તમે, યહોવાનું આ વચન પૂરું થતા જોયું હશે: ‘હું તને કદી તજીશ નહિ.’ (હિબ્રૂ ૧૩:૫) જો યહોવા સાથેનો આપણો સંબંધ મજબૂત હશે, તો આપણે સહેલાઈથી પોતાના જીવનમાં તેમના સામર્થ્યને જોઈ શકીશું.

૧૮ કેન્યામાં રહેતાં બહેન સારાહનો વિચાર કરો. તે કહે છે: ‘હું એક સ્ત્રીને બાઇબલમાંથી શીખવતી હતી. પણ મને લાગતું કે તેને એની કોઈ કદર નથી. મેં પ્રાર્થનામાં યહોવાને પૂછ્યું કે શું હું એ સ્ત્રીને શીખવવાનું બંધ કરી દઉં. મેં પ્રાર્થના પૂરી કરીને “આમેન” કહ્યું કે તરત મારો ફોન રણક્યો. હું જે સ્ત્રીને બાઇબલમાંથી શીખવતી હતી, તેણે મને ફોન કર્યો હતો. તેને જાણવું હતું કે શું તે મારી સાથે સભામાં આવી શકે? એ સાંભળીને હું દંગ રહી ગઈ!’ આ અનુભવ શું બતાવે છે? યહોવા આપણા માટે જે બધું કરે છે એના પર ધ્યાન આપીશું તો, પોતાના જીવનમાં આપણે તેમની મદદનો હાથ જોઈ શકીશું. ચાલો, હવે એશિયામાં રહેતાં બહેન રોહનાનો વિચાર કરીએ. તે જણાવે છે: ‘આપણા જીવનમાં યહોવાની મદદ આપવાની રીતને પારખતા શીખવું જ જોઈએ. એક વાર એ પારખતા શીખી જઈશું તો, એ જાણીને નવાઈ લાગશે કે તે આપણી કેટલી બધી પરવા કરે છે!’

૧૯. ઈશ્વરને જોવા માટે બીજી કઈ બાબત કરવી જરૂરી છે?

૧૯ ઈસુએ કહ્યું હતું કે “મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે; કેમ કે તેઓ ઈશ્વરને જોશે.” (માથ. ૫:૮) ઈસુ શું કહેવા માંગતા હતા? આપણે પોતાના વિચારો શુદ્ધ રાખવા જોઈએ અને દરેક ખરાબ બાબતોથી દૂર રહેવું જોઈએ. (૨ કોરીંથી ૪:૨ વાંચો.) આ લેખમાં આપણે શીખ્યા કે ઈશ્વરનો સમર્થ હાથ જોવા માટે તેમની સાથે આપણો સંબંધ મજબૂત બનાવવાની જરૂર છે. આવતા લેખમાં આપણે શીખીશું કે આપણા જીવનમાં યહોવાનો સમર્થ હાથ જોવામાં વિશ્વાસનો ગુણ કઈ રીતે મદદ કરે છે.