સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવા આપણા આશ્રય

યહોવા આપણા આશ્રય

‘હે યહોવા, પેઢી દર પેઢી તમે અમારો આશ્રય થયા છો.’—ગીત. ૯૦:૧.

૧, ૨. ઈશ્વરના ભક્તો આ દુનિયા વિશે કેવું અનુભવે છે? કયા અર્થમાં તેઓ પાસે ઘર છે?

  જેમ ઘરમાં અનુભવીએ, એવી સલામતી અને આરામ શું તમે આ જગતમાં અનુભવો છો? જો ના, તો તમે સારી સંગતમાં છો! સદીઓથી યહોવાને ચાહનારા ભક્તો પોતાને, આ દુનિયામાં પરદેશી અથવા પ્રવાસી ગણતા આવ્યા છે. દાખલા તરીકે, કનાન દેશમાં એકથી બીજી જગ્યાએ રહેવા જતા ઈશ્વરભક્તોએ જાહેરમાં “પોતા વિશે કબૂલ કર્યું કે અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છીએ.”—હિબ્રૂ ૧૧:૧૩.

એવી જ રીતે, ખ્રિસ્તને અનુસરનારા અભિષિક્તોની ‘નાગરિકતા સ્વર્ગમાં છે.’ તેઓ પણ આ દુનિયામાં પોતાને “પરદેશી તથા પ્રવાસી જેવાં” ગણે છે. (ફિલિ. ૩:૨૦; ૧ પીત. ૨:૧૧) ઉપરાંત, “બીજાં ઘેટાં” પણ ‘ઈસુની જેમ જગતનો ભાગ નથી.’ (યોહા. ૧૦:૧૬; ૧૭:૧૬) જોકે, એવું નથી કે ઈશ્વરના લોકો ‘આશ્રય’ કે ‘ઘર’ વગરના છે. શ્રદ્ધાની આંખોથી જોઈએ તો, આપણે એવી જગ્યાએ રહેવાનો આનંદ માણીએ છીએ, જે સૌથી સુંદર અને સુરક્ષિત છે. મુસાએ લખ્યું હતું: ‘હે યહોવા, પેઢી દર પેઢી તમે અમારો આશ્રય થયા છો.’ a (ગીત. ૯૦:૧) પ્રાચીન સમયમાં, કઈ રીતે યહોવા પોતાના ભક્તો માટે “આશ્રય”ની જગ્યા બન્યા હતા? તે આજે કઈ રીતે પોતાના લોકો માટે “આશ્રય” છે? અને ભાવિમાં કઈ રીતે ફક્ત તે જ આશ્રય હશે?

યહોવા, પહેલાંના ભક્તો માટે “આશ્રય”

૩. ગીતશાસ્ત્ર ૯૦:૧માં યહોવાની સરખામણી શાના સાથે થઈ છે અને કેમ?

આપણે યહોવાને સારી રીતે સમજી શકીએ એ માટે, બાઇબલમાં અમુક વાર વસ્તુઓ સાથે તેમની સરખામણી થઈ છે. દાખલા તરીકે, ગીતશાસ્ત્ર ૯૦:૧ યહોવાને નિવાસસ્થાન કે ઘર સાથે સરખાવે છે. જ્યારે આપણે ઘરનો વિચાર કરીએ તો મનમાં એવી જગ્યા આવે જ્યાં પ્રેમ, શાંતિ અને રક્ષણ મળતાં હોય. બાઇબલ જણાવે છે કે યહોવા પ્રેમ છે. (૧ યોહા. ૪:૮) તે શાંતિના ઈશ્વર પણ છે, જે પોતાના વિશ્વાસુ ભક્તોને “સલામત રાખે છે.” (ગીત. ૪:૮) ચાલો, જોઈએ કે ઈશ્વર કઈ રીતે વિશ્વાસુ ભક્તો માટે આશ્રય હતા. પહેલા, ઈબ્રાહીમ વિશે જોઈએ.

૪, ૫. ઈબ્રાહીમ માટે ઈશ્વર કઈ રીતે “આશ્રય” બન્યા હતા?

ઈબ્રાહીમને કેવું લાગ્યું હશે જ્યારે યહોવાએ આ શબ્દો કહ્યા: ‘તું તારો દેશ તથા તારાં સગાં મૂકીને, જે દેશ હું તને દેખાડું એમાં જા.’ એ સાંભળી કદાચ ઈબ્રાહીમના મનમાં ચિંતાનાં વાદળો ઘેરાયાં હશે. પરંતુ, યહોવાના આ શબ્દોથી એ જાણે વિખેરાઈ ગયાં હશે: ‘હું તારાથી એક મોટી કોમ ઉત્પન્‍ન કરીશ, ને તને આશીર્વાદ દઈશ, ને તારું નામ મોટું કરીશ. જેઓ તને આશીર્વાદ દે તેઓને હું આશીર્વાદ દઈશ, ને જેઓ તને શાપ દે તેઓને હું શાપ દઈશ.’—ઉત. ૧૨:૧-૩.

એ શબ્દો બતાવે છે કે યહોવાએ ઈબ્રાહીમ અને તેમના વંશજોનો આશ્રય બનવાની જવાબદારી લીધી હતી. (ઉત. ૨૬:૧-૬) તેમણે પોતાનું એ વચન પાળ્યું. દાખલા તરીકે, તેમણે ઇજિપ્તનો રાજા અને ગેરારનો રાજા અબીમેલેખ, એમ બંનેથી ઈબ્રાહીમનો જીવ બચાવ્યો અને સારાની આબરૂ બચાવી. યહોવાએ ઈસ્હાક અને રિબકાને પણ એવી જ રીતે બચાવ્યાં હતાં. (ઉત. ૧૨:૧૪-૨૦; ૨૦:૧-૧૪; ૨૬:૬-૧૧) બાઇબલ જણાવે છે: ‘યહોવાએ તેઓ પર કોઈને જુલમ કરવા દીધા નહિ; તેઓને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી; તે એમ કહેતા, મારા અભિષિક્તોને અડકશો નહિ, મારા પ્રબોધકોને તકલીફ આપશો નહિ.’—ગીત. ૧૦૫:૧૪, ૧૫.

‘હું તારો સાથ છોડીશ નહિ’

૬. ઈસ્હાકે યાકૂબને શું કહ્યું અને યાકૂબને કેવું લાગ્યું હશે?

એ પ્રબોધકોમાં યાકૂબનો પણ સમાવેશ થાય છે. જ્યારે યાકૂબ માટે પત્ની પસંદ કરવાનો સમય આવ્યો, ત્યારે તેમના પિતા ઈસ્હાકે કહ્યું: ‘કનાન દેશની દીકરીઓમાંથી તું સ્ત્રી ન લે. ઊઠ, પાદાનારામમાં તારી માતાના પિતા બથૂએલને ઘેર જા. અને ત્યાંથી તારા મામા લાબાનની દીકરીઓમાંથી તું તારે માટે પત્ની લે.’ (ઉત. ૨૮:૧, ૨) યાકૂબે તરત પિતાની આજ્ઞા માની લીધી. યાકૂબ કનાનમાં પોતાનું કુટુંબ છોડી, હારાન જવા સેંકડો કિલોમીટરની મુસાફરી પર એકલા જ નીકળી પડ્યા. (ઉત. ૨૮:૧૦) કદાચ તેમને થયું હશે કે, ‘કેટલો સમય મારે કુટુંબથી દૂર રહેવું પડશે? શું મામા સારી રીતે મારું સ્વાગત કરશે? અને તેમની દીકરી મારી સાથે પરણાવશે?’ જો યાકૂબના મનમાં એવી ચિંતાઓ હશે, તો લૂઝ પહોંચતા સુધીમાં એ દૂર થઈ ગઈ હશે. લૂઝ, જે બેરશેબાથી સોએક કિલોમીટર દૂર હતું, ત્યાં એવું તો શું બન્યું?

૭. યાકૂબને સપનામાં ઈશ્વરે કઈ ખાતરી આપી?

લૂઝમાં યાકૂબના સપનામાં યહોવા આવ્યા અને કહ્યું: ‘જો, હું તારી સાથે છું, ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ, ને આ દેશમાં હું તને પાછો લાવીશ; કેમ કે જે જે મેં તને કહ્યું છે, તે પૂરું કર્યા વગર હું તારો સાથ છોડીશ નહિ.’ (ઉત. ૨૮:૧૫) એ પ્રેમાળ શબ્દોએ યાકૂબને ચોક્કસ ખાતરી અને દિલાસો આપ્યાં હશે. ત્યાર પછી, યહોવા કઈ રીતે પોતાનાં વચનો પાળશે, એ જોવા યાકૂબ આતુર હશે. યહોવાની સેવા કરવા જો તમે પોતાનું ઘર છોડી પરદેશ ગયા હો, તો તમે ચોક્કસ યાકૂબની લાગણીઓ સમજી શકતા હશો. કારણ, યહોવા ઘણી રીતે સંભાળ રાખે છે એનો અનુભવ તમે કર્યો હશે.

૮, ૯. યહોવા કયા અર્થમાં યાકૂબ માટે “આશ્રય” હતા? એમાંથી આપણે શું શીખી શકીએ?

યાકૂબ જ્યારે હારાન પહોંચ્યા, ત્યારે તેમના મામા લાબાને દિલથી સ્વાગત કર્યું. અને સમય જતા, લેઆહ અને રાહેલને પત્નીઓ તરીકે તેમને આપી. જોકે, એ સમયગાળામાં લાબાને યાકૂબનો ફાયદો ઉઠાવ્યો અને દસ વાર તેમનો પગાર બદલ્યો. (ઉત. ૩૧:૪૧, ૪૨) યાકૂબે એ અન્યાયો સહ્યા અને ભરોસો રાખ્યો કે યહોવા તેમની સંભાળ લેતા રહેશે. અને યહોવાએ તેમની સંભાળ લીધી. ઈશ્વરે યાકૂબને કનાન પાછા જવા કહ્યું, એ સમયે તેમની પાસે “મોટાં ટોળાં તથા દાસો તથા દાસીઓ તથા ઊંટો તથા ગધેડાં” હતાં. (ઉત. ૩૦:૪૩) એ માટે, યાકૂબે ઈશ્વરની ઊંડી કદર બતાવતા પ્રાર્થના કરી: ‘જે સર્વ સત્યતા તમે તમારા દાસ તરફ દેખાડી છે એને હું લાયક જ નથી, કેમ કે કેવળ મારી લાકડી લઈને હું આ યરદન નદી પાર ઊતર્યો હતો. અને હવે મારે બે ટોળાં થયાં છે.’—ઉત. ૩૨:૧૦.

મુસાએ પ્રાર્થનામાં કહેલા શબ્દો કેટલા સાચા છે! તેમણે કહ્યું: ‘હે યહોવા, પેઢી દર પેઢી તમે અમારો આશ્રય થયા છો!’ (ગીત. ૯૦:૧) એ શબ્દો આજે પણ એટલા જ સાચા છે, કેમ કે યહોવામાં “કોઈ ફેરફાર થતો નથી કે ફરવાથી પડછાયો પડતો નથી.” (યાકૂબ ૧:૧૭, કોમન લેંગ્વેજ) તે આજે પણ વિશ્વાસુ ભક્તો માટે સલામત આશ્રયસ્થાન છે. કઈ રીતે? ચાલો જોઈએ.

યહોવા, આજે આપણા “આશ્રય”

૧૦. શા માટે આપણે ખાતરી રાખી શકીએ કે યહોવા આપણા આશ્રય બનવાનું ચાલુ રાખશે?

૧૦ કલ્પના કરો કે, તમે અદાલતમાં એક ખૂંખાર અપરાધી વિરુદ્ધ સાક્ષી આપી રહ્યા છો. તે બહુ ચાલાક અને તાકતવર છે. કતલ કરવું અને જૂઠું બોલવું તો તેનો શોખ છે. દુનિયામાં ચારે બાજુ તેના માણસો ફેલાયેલા છે. એવી વ્યક્તિની વિરુદ્ધ સાક્ષી આપી અદાલતની બહાર આવો ત્યારે, તમે કેવું અનુભવશો? સલામત? કદાચ નહિ! અરે, જો તમે પોલીસ પાસે રક્ષણ માંગો તો કંઈ ખોટું નથી! આ દાખલાને યહોવાના ભક્તોની પરિસ્થિતિ સાથે સરખાવી શકાય. તેઓ ડર્યા વગર યહોવાના કટ્ટર દુશ્મન શેતાન વિરુદ્ધ સાક્ષી આપે છે અને તેને ખુલ્લો પાડે છે. (પ્રકટીકરણ ૧૨:૧૭ વાંચો.) પણ, શું શેતાન ઈશ્વર ભક્તોને ચૂપ કરી શકે છે? ના! એને બદલે, યહોવાની ભક્તિમાં આપણો અવાજ વધતો રહ્યો છે. એમ થવાનું કારણ ફક્ત એ જ કે યહોવા આપણા “આશ્રય” બની રક્ષણ આપવાનું ચાલુ રાખે છે. ખાસ કરીને, દુનિયાના આ છેલ્લા સમયમાં! (યશાયા ૫૪:૧૪, ૧૭ વાંચો.) જોકે, શેતાનની વાતોમાં આવીને યહોવાથી દૂર જતા રહીશું તો, તે આપણા આશ્રય બની રહેશે નહિ.

સ્વર્ગદૂતો યહોવાના ભક્તોને સાથ અને રક્ષણ આપે છે

૧૧. પહેલાંના ઈશ્વરભક્તો પાસેથી આપણે શું શીખી શકીએ?

૧૧ ચાલો ફરી એક વાર ઈબ્રાહીમ, ઈસ્હાક અને યાકૂબ પાસેથી શીખીએ. કનાન દેશમાં રહેવા છતાં, ત્યાંના લોકોથી દૂર રહ્યા અને તેઓનાં ખરાબ કામોની નફરત કરી. (ઉત. ૨૭:૪૬) તે ભક્તો ઈશ્વરના સિદ્ધાંતો પર ચાલતા. શું કરવું અને શું ન કરવું એની તેઓ પાસે કોઈ લાંબી યાદી નહોતી. તેઓ યહોવા અને તેમના સ્વભાવ વિશે જે કંઈ જાણતા હતા એ પરથી તેમના સિદ્ધાંતો પર ચાલતા. યહોવા તેઓના આશ્રય હોવાથી તેઓ એ સમયની દુનિયામાં ભળ્યા નહિ અને બની શકે એટલું દૂર રહ્યા. આમ, તેઓએ આપણા માટે સુંદર દાખલો બેસાડ્યો. મિત્રો અને મનોરંજનની પસંદગીમાં, શું તમે એ વિશ્વાસુ ઈશ્વરભક્તોને અનુસરવા બનતું બધું કરો છો? દુઃખની વાત છે કે ખ્રિસ્તી મંડળમાં કેટલાક ભક્તો પોતાને શેતાનની દુનિયામાં અમુક હદે સલામત ગણે છે! જો તમને પણ એવું લાગતું હોય, તો પ્રાર્થનામાં યહોવાને જણાવો. યાદ રાખો કે આ દુનિયા શેતાનની છે. એ મતલબી છે અને આપણી કોઈ પરવા કરતી નથી.—૨ કોરીં. ૪:૪; એફે. ૨:૧, ૨.

૧૨. (ક) યહોવાએ પોતાના ભક્તો માટે કઈ ગોઠવણો કરી છે? (ખ) એ વિશે તમને કેવું લાગે છે?

૧૨ શેતાનની ચાલાકીઓનો સામનો કરવા, યહોવાએ પોતાના ભક્તો માટે કેટલીક ગોઠવણો કરી છે. આ ગોઠવણો આપણી શ્રદ્ધા મજબૂત કરે છે. આપણે એનો પૂરો લાભ લેવો જોઈએ. એ ગોઠવણોમાં ખ્રિસ્તી સભાઓ, કુટુંબ તરીકે ભક્તિ અને ‘પુરુષોમાં દાન’ ગણાતા વડીલોનો સમાવેશ થાય છે. મુશ્કેલીઓમાં આપણને દિલાસો અને સહારો આપવા ઈશ્વરે તેઓને નીમ્યા છે. (એફે. ૪:૮-૧૨) ભાઈ જ્યોર્જ ગાનગેસ વર્ષો સુધી નિયામક જૂથના સભ્ય હતા. તેમણે લખ્યું, ‘ઈશ્વરના લોકો સાથે હોઉં છું ત્યારે, એમ લાગે છે કે પોતાના ઘરમાં કુટુંબની હુંફ અને સલામતીમાં છું.’ શું તમે પણ એવું અનુભવો છો?

૧૩. હિબ્રૂ ૧૧:૧૩માંથી આપણે શું શીખી શકીએ?

૧૩ ઈબ્રાહીમ, ઈસ્હાક અને યાકૂબ પાસેથી બીજી એક મહત્ત્વની બાબત શીખવા મળે છે. એજ કે, દુનિયાથી જુદા તરી આવવાની આપણી ઇચ્છા હોવી જોઈએ.  પહેલા ફકરામાં જોઈ ગયા તેમ, તેઓએ લોકો સામે “પોતા વિશે કબૂલ કર્યું કે અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છીએ.” (હિબ્રૂ ૧૧:૧૩) શું તમે દુનિયાના લોકોથી અલગ બની રહેવા મનમાં ગાંઠ વાળી છે? ખરું કે, એમ કરવું સહેલું નથી. જોકે, ઈશ્વરની મદદથી અને ભાઈ-બહેનોના સહકારથી તમે એમ કરી શકશો. યાદ રાખો કે તમે એકલા નથી. યહોવાને ભજવા માંગતા બધા ભક્તોએ, શેતાન અને તેની દુનિયાની સામે લડવાનું છે. (એફે. ૬:૧૨) યહોવામાં પૂરો ભરોસો રાખી અને તેમને આશ્રય બનાવી, આપણે એ લડાઈ જીતી શકીશું.

૧૪. યહોવાના પહેલાંના ભક્તોએ કયા ‘શહેરʼની રાહ જોઈ હતી?

૧૪ ઈબ્રાહીમની જેમ ઇનામ પર નજર રાખવી પણ મહત્ત્વની બાબત છે. (૨ કોરીં. ૪:૧૮) પ્રેરિત પાઊલે લખ્યું કે, ‘જે શહેરને પાયો છે, જેના યોજનાર તથા બાંધનાર ઈશ્વર છે, એની આશા ઈબ્રાહીમ રાખતા હતા.’ (હિબ્રૂ ૧૧:૧૦) એ ‘શહેર’ મસીહી રાજ્ય છે. ચોક્કસ, ઈબ્રાહીમે એ ‘શહેરʼની રાહ જોવાની હતી. એક રીતે, આપણે એવી રાહ જોવાની નથી. કારણ, હાલમાં એ રાજ્ય સ્વર્ગમાં છે. અને એ પૃથ્વી પર જલદી જ આવશે એના ઘણા પુરાવા બાઇબલમાં છે. તમે જે રીતે જીવન જીવો છો, શું એ બતાવે છે કે તમને રાજ્યમાં પૂરો ભરોસો છે? શું તમે ઈશ્વરના રાજ્યને જીવનમાં પ્રથમ રાખો છો અને દુનિયાથી જુદા તરી આવો છો?—૨ પીતર ૩:૧૧, ૧૨ વાંચો.

યહોવા, અંતના સમયે “આશ્રય”

૧૫. દુનિયામાં રક્ષણ શોધતા લોકોનું ભાવિ કેવું હશે?

૧૫ શેતાનની દુનિયાનો અંત નજીક આવી રહ્યો છે તેમ, “દુઃખો” વધશે. (માથ. ૨૪:૭, ૮) મહાન વિપત્તિ વખતે જીવન વધારે અઘરું બનશે. દુનિયાની દરેક બાબતોનો નાશ થશે અને પોતાની જાન જોખમમાં જોઈ લોકો ગભરાશે. (હબા. ૩:૧૬, ૧૭) ચિંતામાં ડૂબી જવાને લીધે તેઓ જાણે “ગુફાઓમાં તથા પહાડોના ખડકો”માં રક્ષણ શોધશે. (પ્રકટી. ૬:૧૫-૧૭) પરંતુ, ગુફા, ખડક કે પહાડ જેવાં રાજકીય સંગઠનો અને મોટા વેપારીઓ રક્ષણ આપી શકશે નહિ.

૧૬. ખ્રિસ્તી મંડળને આપણે કેવું ગણવું જોઈએ અને શા માટે?

૧૬ જોકે, યહોવાના લોકો તેમનામાં “આશ્રય” મેળવીને સલામતી અનુભવતા રહેશે. હબાક્કૂક પ્રબોધકની જેમ તેઓ ‘યહોવામાં હર્ષ પામશે’ અને તારણહાર “ઈશ્વરમાં આનંદ” કરશે. (હબા. ૩:૧૮) યહોવા આપણા માટે મુશ્કેલ સમયમાં કઈ રીતે “આશ્રય” બની રહેશે? એ જોવા આપણે થોડી રાહ જોવી પડશે. યાદ કરો કે, ઇજિપ્તમાંથી નીકળતી વખતે યહોવાએ ઈસ્રાએલીઓને વ્યવસ્થિત રીતે દોર્યા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. એ જ રીતે, યહોવા ચોક્કસ “મોટી સભા”ને પણ દોરશે. (પ્રકટી. ૭:૯; નિર્ગમન ૧૩:૧૮ વાંચો.) ઈશ્વર એ માર્ગદર્શન આપણને કદાચ મંડળ દ્વારા પૂરું પાડશે. ખરેખર, આખી દુનિયામાં આવેલાં હજારો મંડળોને યશાયા ૨૬:૨૦માં જણાવેલી ‘ઓરડી’ સાથે સરખાવી શકાય. (વાંચો.) શું તમે મંડળની સભાઓને કિંમતી ગણો છો? મંડળ દ્વારા યહોવા જે માર્ગદર્શન આપે છે, એના પર શું તમે તરત અમલ કરો છો?—હિબ્રૂ ૧૩:૧૭.

૧૭. ગુજરી ગયેલા ભક્તો માટે પણ યહોવા કઈ રીતે “આશ્રય” છે?

૧૭ મહાન વિપત્તિ શરૂ થયા પહેલાં, યહોવાનો કોઈ ભક્ત જો મરણ પામે તોપણ તે યહોવાના “આશ્રય”માં સલામત રહેશે. કઈ રીતે? ઈબ્રાહીમ, ઈસ્હાક અને યાકૂબ મરણ પામ્યા એના ઘણાં વર્ષો પછી, યહોવાએ મુસાને કહ્યું: ‘હું ઈબ્રાહીમ, ઈસ્હાક અને યાકૂબનો ઈશ્વર છું.’ (નિર્ગ. ૩:૬) ઈસુએ એ શબ્દો ટાંક્યા પછી ઉમેર્યું કે, ‘ઈશ્વર કંઈ ગુજરી ગયેલાઓના ઈશ્વર નથી, પણ જીવતાઓના ઈશ્વર છે. કારણ, તેમને માટે તો બધા જીવતા જ છે.’ (લુક ૨૦:૩૮, કોમન લેંગ્વેજ) હા, યહોવા માટે તેમના ગુજરી ગયેલા વફાદાર ભક્તો જાણે જીવતાઓની સમાન છે. ચોક્કસ, તેઓ ફરીથી જીવતા કરાશે.—સભા. ૭:૧.

૧૮. નવી દુનિયામાં યહોવા કઈ ખાસ રીતે આપણા “આશ્રય” બનશે?

૧૮ જલદી જ આવનારી નવી દુનિયામાં, યહોવા બીજા અર્થમાં પણ આપણા “આશ્રય” બનશે. પ્રકટીકરણ ૨૧:૩ જણાવે છે: ‘ઈશ્વરનો મંડપ મનુષ્યો સાથે છે, ઈશ્વર તેઓની સાથે વાસો કરશે.’ યહોવા, પહેલા તો ધરતી પર હજાર વર્ષ માટે ખ્રિસ્ત મારફતે રાજ કરશે. હજાર વર્ષનાં અંતે, ધરતી માટે યહોવાનો હેતુ પૂરો કર્યા પછી, ઈસુ તેમને રાજ પાછું સોંપશે. (૧ કોરીં. ૧૫:૨૮) એ પછી, સંપૂર્ણ બનેલી માનવજાતિ માટે ઈસુને મધ્યસ્થ બની રહેવાની જરૂર નહિ પડે. આમ, યહોવા સાથે આપણો સીધો સંબંધ હશે. આપણા માટે એ કેટલું અદ્‍ભુત ભાવિ છે! ત્યાં સુધી, ચાલો આપણે પહેલાંના ઈશ્વરભક્તોને અનુસરતા રહીએ. કઈ રીતે? યહોવાને પોતાના “આશ્રય” બનાવતા રહીને!

a ગીતશાસ્ત્ર ૯૦:૧નું ભાષાંતર IBSI બાઇબલમાં આમ થયું છે: “હે પ્રભુ, સર્વ પેઢીઓમાં તમે અમારું નિવાસસ્થાન થયા છો.”