સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કાલ અને આજ તેનું આખું જીવન બદલાઈ ગયું

કાલ અને આજ તેનું આખું જીવન બદલાઈ ગયું

“તમે દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે”

કાલ અને આજ તેનું આખું જીવન બદલાઈ ગયું

મત્સાપાંગ દક્ષિણ આફ્રિકાના લીસોથો શહેરમાં રહેતી હતી. તેનો ઉછેર કૅથલિક કુટુંબમાં થયો હતો. પરંતુ, તેનું જીવન એકદમ નીરસ હતું, કેમ કે ચર્ચની સાધ્વીઓએ પરમેશ્વર વિષે કંઈ પણ શીખવ્યું ન હતું. વળી, તેઓ પૈસા આપીને તેની સાથે વેશ્યા જેવા ગંદા કામો કરાવતી હતી. તેથી તે જીવનથી એકદમ હારી ગઈ હતી.

તેને ધર્મ અને પરમેશ્વર પ્રત્યે એકદમ નફરત થઈ ગઈ હતી. તે માની જ શકતી ન હતી કે પરમેશ્વર દરેકની કાળજી રાખે છે અને બધાને પ્રેમ કરે છે. તેની સાથે નાનપણથી જ જે વર્તાવ થયો હતો એના લીધે તેના દિલમાં ઊંડા ઘા પડી ગયા હતા. તેને એવું લાગતું હતું કે, ‘હું તો સાવ નકામી છું.’ તેથી, તે મોટી થતી ગઈ તેમ તે એકદમ ગુસ્સાવાળી બની ગઈ અને ખોટા રવાડે ચઢી ગઈ.

તે દારૂ પીવા લાગી અને ચોરી તેમ જ હિંસા કરવા લાગી. સમય જતાં, તે ટ્રેનમાં લૂંટફાટ કરનારા ગુંડાઓ સાથે જોડાઈ ગઈ. પોલીસે તેને પકડીને, સાઉથ આફ્રિકાની જેલમાં પૂરી દીધી. પછી તેને ત્યાંથી છોડીને, તેના દેશ લેસોથો મોકલી દીધી. ત્યાં પણ તેણે ખરાબ કામો ચાલુ જ રાખ્યા.

તેને જીવનમાં કોઈ જ રસ ન હોવાથી તે ઉદાસ થઈ ગઈ. એ સમયે તેણે પરમેશ્વરને પ્રાર્થના કરી. તેણે રડતા રડતા પરમેશ્વરને પ્રાર્થના કરતા કહ્યું, “જો હું બચી જઈશ તો, આખું જીવન તમારી જ ભક્તિ કરીશ.”

થોડા જ સમય પછી, યહોવાહના સાક્ષીઓ મત્સાપાંગને મળ્યા. તેઓએ તેને બાઇબલ અભ્યાસની ઑફર કરી. અભ્યાસ કરવાથી તેને જાણવા મળ્યું કે તે જેવું પરમેશ્વર વિષે વિચારતી હતી એવા તે નથી. તેને જાણવા મળ્યું કે શેતાન આપણને છેતરે છે, કેમ કે તે “જૂઠાનો બાપ” છે. તે એવી ખરાબ લાગણી મૂકે છે જેથી આપણને એવું લાગે કે ‘હું તો સાવ નકામી છું, યહોવાહ પરમેશ્વર મને જરાય પ્રેમ કરતા નથી.’—યોહાન ૮:૪૪; એફેસી ૬:૧૧.

હવે તે સમજી કે યહોવાહ ખરેખર તેને ખૂબ જ પ્રેમ કરે છે. એ જાણીને તેને કેટલો દિલાસો મળ્યો! તેણે જાણ્યું કે યહોવાહ તેના પાપોની માફી આપવા તૈયાર છે. પરંતુ, એ માટે આપણે આપણા પાપનો પસ્તાવો કરીને યહોવાહને ખુશ કરવા જોઈએ. તે એ પણ શીખી કે “ઈશ્વર તો આપણા હૃદય કરતાં પણ મહાન છે.” આપણે યહોવાહ પરમેશ્વરની નજરમાં ઘણાં જ કિંમતી છીએ.—૧ યોહાન ૩:૧૯, ૨૦, IBSI.

મત્સાપાંગને દાઊદના આ શબ્દો વાંચીને ઘણું ઉત્તેજન મળ્યું: ‘આશાભંગ થએલાઓની પાસે યહોવાહ છે, અને નમ્ર લોકોને તે તારે છે.’ (ગીતશાસ્ત્ર ૩૪:૧૮) તે પણ પડી ભાંગી હોવાથી સમજી શકી કે યહોવાહ કદી પોતાના ભક્તોને છોડી દેતા નથી. તેને એ જાણીને ઘણો જ આનંદ થયો કે ગમે તેવી મુશ્કેલી આવે, છતાં યહોવાહ તેનું રક્ષણ કરશે. (ગીતશાસ્ત્ર ૫૫:૨૨; ૧ પીતર ૫:૬, ૭) આ કલમે તેના દિલ પર ઊંડી અસર કરી કે, “તમે દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.”—યાકૂબ ૪:૮.

ખરેખર, બાઇબલ શીખીને મત્સાપાંગ પોતાનું જીવન સુધારી શકી. તેણે બધા જ ખરાબ કામો છોડી દીધા અને નિયમિત રીતે યહોવાહના સાક્ષીઓની સભાઓમાં જવા લાગી. એનાથી તે જાણી શકી કે યહોવાહની નજરમાં તેનું જીવન ઘણું જ મૂલ્યવાન છે. યહોવાહના સાક્ષી તરીકે બાપ્તિસ્મા લઈને, તેણે હજારો કલાક યહોવાહ વિષે પ્રચાર કર્યો છે. મત્સાપાંગનું જીવન તો દુઃખોથી ભરેલું હતું. પણ હવે તેનું જીવન ફૂલની જેમ ખીલી ઊઠ્યું છે. ખરેખર આ અનુભવ બતાવે છે કે, બાઇબલ કોઈનું પણ જીવન બદલી શકે છે!—હેબ્રી ૪:૧૨.

[પાન ૯ પર બ્લર્બ]

“જો હું બચી જઈશ તો, આખું જીવન તમારી જ ભક્તિ કરીશ”

[પાન ૯ પર બોક્સ]

બાઇબલમાંથી દિલાસો

ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હોય એવી વ્યક્તિઓને પણ બાઇબલમાંથી દિલાસો મળે છે. એ દિલાસો આપતી અનેક કલમો નીચે આપેલી છે:

“મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે ત્યારે તારા [પરમેશ્વરના] દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે.” (ગીતશાસ્ત્ર ૯૪:૧૯) બાઇબલમાંથી મળતો ‘દિલાસો’ ઊંડી રાહત આપે છે. એના પર મનન અને પ્રાર્થના કરવાથી, આપણે યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધી શકીએ છીએ.

“હૃદયભંગ થએલાંને તે [યહોવાહ] સાજાં કરે છે; તે તેઓના ઘાને રૂઝવે છે.” (ગીતશાસ્ત્ર ૧૪૭:૩) યહોવાહને આપણા પર ખૂબ જ પ્રેમ છે. તેથી જ તેમણે પોતાના પુત્ર ઈસુનું બલિદાન આપ્યું, જેથી આપણાં પાપોની માફી મળી શકે. આમ, આપણે ખુલ્લાં દિલથી યહોવાહને પ્રાર્થના કરી શકીએ છીએ. એનાથી આપણને ખરેખર મનની શાંતિ મળે છે.

“જે મારા બાપે મને મોકલ્યો છે, તેના ખેંચ્યા વિના કોઈ માણસ મારી [ઈસુ ખ્રિસ્ત] પાસે આવી નથી શકતો; અને છેલ્લે દહાડે હું તેને પાછો ઉઠાડીશ.” (યોહાન ૬:૪૪) યહોવાહ તેમની પવિત્ર શક્તિથી આપણને પ્રચાર કાર્ય કરવા મદદ કરે છે. એ આપણો ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ દૃઢ કરે છે. તેમ જ કાયમી જીવનની આશા પણ આપે છે.