સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ શું કહે છે? | જગતનો અંત

જગતનો અંત

જગતનો અંત

શાસ્ત્ર જણાવે છે: “જગત તથા તેની લાલસા જતાં રહે છે.” (૧ યોહાન ૨:૧૭) અહીં જણાવેલું “જગત” શું છે? એ કઈ રીતે અને ક્યારે જતું રહેશે?

એ “જગત” શું છે?

બાઇબલ શું કહે છે?

ધ્યાન આપો કે, ઉપર જણાવેલા જગતને ‘લાલસા’ કે ઇચ્છા છે, જેને ઈશ્વર માન્ય કરતા નથી. એટલે ચોક્કસ એ પૃથ્વી ન હોય શકે. પરંતુ, એ પૃથ્વી પર રહેતા એવા મનુષ્યોને બતાવે છે જેઓ ઈશ્વરની વિરુદ્ધ જાય છે અને તેમના દુશ્મનો બને છે. (યાકૂબ ૪:૪) એવા લોકોથી બનેલા જગતને “શિક્ષા” થશે, એટલે કે એ “અનંતકાળનો નાશ ભોગવશે.” (૨ થેસ્સાલોનીકી ૧:૭-૯) બીજી બાજુ, અમુક એવા લોકો પણ છે જેઓ એ “જગતના નથી.” (યોહાન ૧૫:૧૯) ઈસુની આજ્ઞા પાળતા હોવાથી તેઓ પાસે હંમેશ માટે જીવવાની આશા છે.

પહેલો યોહાન ૨:૧૭ આગળ જણાવે છે: ‘ઈશ્વરની ઇચ્છા પૂરી કરે છે તે સદા રહે છે.’ હા, તે વ્યક્તિ આ પૃથ્વી પર હંમેશ માટે જીવી શકશે. શાસ્ત્રમાં ઈશ્વરે વચન આપ્યું છે કે, ‘ન્યાયીઓ પૃથ્વીનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.

‘જગત પર અથવા જગતમાંની વસ્તુઓ પર પ્રેમ ન રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી.’૧ યોહાન ૨:૧૫.

જગતનો અંત કઈ રીતે આવશે?

બાઇબલ શું કહે છે?

જગતનો અંત બે મુખ્ય ભાગમાં આવશે. પહેલા ભાગમાં, ઈશ્વર બધા જ જૂઠા ધર્મોનો નાશ કરશે. શાસ્ત્ર એને વેશ્યા તરીકે દર્શાવે છે અને તેનું નામ “મહાન બાબેલોન” છે. (પ્રકટીકરણ ૧૭:૧-૫; ૧૮:૮) એક બાજુ તે ઈશ્વરને વફાદાર હોવાનો દાવો કરે છે, પણ બીજી બાજુ તે રાજકીય નેતાઓ સાથે સંબંધો રાખે છે. જોકે, એ જ નેતાઓ તેની વિરુદ્ધ જશે. “તેઓ તે વેશ્યાનો દ્વેષ કરશે, તેની પાયમાલી કરીને તેને નગ્ન કરશે, તેનું માંસ ખાશે [તેની મિલકત લઈ લેશે] અને અગ્નિથી તેને બાળી નાખશે.”—પ્રકટીકરણ ૧૭:૧૬.

એ પછી, ઈશ્વર ‘જગતના રાજાઓને એકઠા કરશે.’ એટલે કે, બધા રાજકીય નેતાઓને તે ભેગા કરશે. ત્યાર બાદ, ઈશ્વર સર્વ દુષ્ટ લોકોની સાથે તેઓનો પણ નાશ કરશે. એ બધું “સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈ” વખતે થશે. એને ‘આર્માગેદન’ પણ કહેવાય છે.—પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬.

‘હે પૃથ્વીના નમ્ર માણસો, તમે યહોવાને શોધો. નેકીનો માર્ગ શોધો, નમ્રતા શોધો, કદાચ યહોવાના કોપને દિવસે તમને સંતાઈ રહેવાનું સ્થાન મળે.’સફાન્યા ૨:૩.

જગતનો અંત ક્યારે આવશે?

બાઇબલ શું કહે છે?

અંત આવતા પહેલાં ઈશ્વરના રાજ્ય વિશેની ચેતવણી આખી દુનિયામાં પૂરતા પ્રમાણમાં જાહેર કરાશે. એ પછી, મનુષ્યોનાં રાજને બદલે ઈશ્વરનું રાજ આવશે. (દાનીયેલ ૭:૧૩, ૧૪) ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું: ‘સર્વ પ્રજાઓને સાક્ષી આપવા સારુ રાજ્યનો આ સંદેશો આખા જગતમાં પ્રગટ કરાશે, અને ત્યારે જ અંત આવશે.’ (માથ્થી ૨૪:૧૪) સંદેશો જાહેર કરવાના કામમાં ઈશ્વરનો ન્યાય અને કૃપા સાફ દેખાય આવે છે. ઈસુએ અંત વિશે આપેલી “નિશાની”માં આ સંદેશો જાહેર કરવાનો સમાવેશ થાય છે. એ નિશાનીમાં બીજી આપત્તિઓ પણ આવી જાય છે. જેમ કે, ધરતીકંપ, દુકાળ, યુદ્ધો અને બીમારીઓ.—માથ્થી ૨૪:૩; લુક ૨૧:૧૦, ૧૧.

દુનિયાના બનાવો અને લોકોના સ્વભાવ વિશે પણ પવિત્ર શાસ્ત્ર જણાવે છે. એમાં જણાવ્યું છે: ‘છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે. કેમ કે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, માબાપનું સન્માન નહિ કરનારા, પ્રેમરહિત, સંયમ ન રાખનારા, નિર્દય, ઈશ્વર પર નહિ પણ વિલાસ પર પ્રીતિ રાખનારા હશે.’ *૨ તીમોથી ૩:૧-૫.

હાલનું દુષ્ટ જગત જલદી જ ‘જતું રહેશે.’—૧ યોહાન ૨:૧૭

વર્ષ ૧૯૧૪માં પહેલું વિશ્વયુદ્ધ થયું ત્યારથી, એ બધા બનાવો શરૂ થઈ ગયા છે. વધુમાં, એ વર્ષથી ઈશ્વરના રાજ્યનો સંદેશો દુનિયાના ખૂણે ખૂણે જાહેર થઈ રહ્યો છે. યહોવાના સાક્ષીઓ એ કામ કરવાને એક લહાવો ગણે છે. તેઓના મુખ્ય મૅગેઝિનનો વિષય છે: ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે. (g૧૫-E ૧૧)

“માટે તમે જાગતા રહો, કેમ કે તે દહાડો અથવા તે ઘડી તમે જાણતા નથી.”માથ્થી ૨૫:૧૩.

^ ફકરો. 14 વધુ માહિતી માટે યહોવાના સાક્ષીઓએ બહાર પાડેલા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ નવ જુઓ. તમે આ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો: www.isa4310.com/gu.