સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કુટુંબ માટે મદદ | લગ્નજીવન

લગ્ન વખતે આપેલું વચન કઈ રીતે નિભાવવું?

લગ્ન વખતે આપેલું વચન કઈ રીતે નિભાવવું?

મુશ્કેલી

લગ્ન કરતી વખતે તમે સાથીને વચન આપ્યું હતું. એ વચન હતું કે તમે જીવનભર સાથે રહેશો, સાથીને વફાદાર રહેશો અને મુશ્કેલીઓનો સાથે મળીને સામનો કરશો.

વર્ષો દરમિયાન મતભેદોને લીધે તમારો સંબંધ કદાચ નબળો પડ્યો હશે. તેથી સવાલ થાય કે, શું સાથી પ્રત્યે તમને હજુ એવી જ લાગણી છે, જે લગ્ન વખતે હતી?

તમારે શું જાણવું જોઈએ?

લગ્નબંધનને લંગર જેવું ગણો, જે મુશ્કેલીઓમાં પણ તમારા લગ્નજીવનને ટકાવી રાખશે

લગ્નનું વચન ઉપાય છે, તકલીફ નહિ. આજે ઘણા લોકોને વચનમાં બંધાવું ગમતું નથી. અમુક લોકો માટે લગ્નમાં બંધાવવું ખોટો નિર્ણય છે. તેઓ એને આખી જિંદગી સહેવો પડે એવો બોજ ગણે છે. એના બદલે, એ બંધનને લંગર જેવું ગણો, જે મુશ્કેલીઓમાં પણ તમારા લગ્નજીવનને ટકાવી રાખશે. મેગન નામની પત્ની જણાવે છે, ‘વચન આપવાથી એક વાતની રાહત છે કે, ઝઘડો થાય ત્યારે લગ્નસાથી એકબીજાને છોડીને જતા નહિ રહે.’ * લગ્નબંધન સલામતી આપે છે. તમે પણ એમ માનતા હશો તો, લગ્નજીવનમાં આવતી મુશ્કેલીઓને થાળે પાડી શકશો.—“ વચન અને વફાદારી” બૉક્સ જુઓ.

મહત્ત્વનો વિચાર: તમારા લગ્નજીવનમાં તકલીફો હોય તો, લગ્નને તોડી નાખવાને બદલે મજબૂત બનાવવાનો હમણાં જ સમય છે. તમે એમ કઈ રીતે કરી શકો?

તમે શું કરી શકો?

પોતાની તપાસ કરો. ‘જીવનભરનો સાથ.’ એ શબ્દોથી તમને કેવું લાગે છે? હંમેશ માટે ફસાઈ ગયા હો એવું કે પછી સલામતી? ઝઘડો થાય ત્યારે શું તમારા મનમાં સાથીને છોડી દેવોનો વિચાર આવે છે? તમારા લગ્નબંધનને મજબૂત બનાવવા જરૂરી છે કે, એને કાયમી બંધન ગણો.—બાઇબલ સિદ્ધાંત: માથ્થી ૧૯:૬.

ઉછેર વખતના માહોલને ધ્યાનમાં રાખો. માતા-પિતા એકબીજા સાથે જે રીતે વર્તતા, એની અસર તમારા લગ્નજીવન પર પડી શકે. લીઆ નામના પત્ની જણાવે છે, ‘હું નાની હતી ત્યારે માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા. મને ચિંતા થાય છે કે, શું મારા લગ્નજીવનમાં પણ એવું જ બનશે?’ ખાતરી રાખો કે, તમે તમારું લગ્નજીવન સફળ બનાવી શકો છો. જરૂરી નથી કે, તમે પણ તમારાં માતા-પિતા જેવી જ ભૂલો કરો.—બાઇબલ સિદ્ધાંત: ગલાતી ૬:૪, ૫.

સમજી-વિચારીને બોલો. તમારા બંને વચ્ચે બોલાચાલી થાય ત્યારે, એવા શબ્દો ન બોલો જેનાથી તમને પછી અફસોસ થાય. જેમ કે, “હું તમને છોડીને જઉં છું” અથવા “મને પ્રેમ કરે એવી વ્યક્તિ શોધી કાઢીશ.” આવા શબ્દો તમારા લગ્નજીવનને નબળું પાડી શકે. અને મુશ્કેલી હાથ ધરવાને બદલે તમે કદાચ એકબીજાનું અપમાન કરી બેસો. કડવા શબ્દો બોલવાને બદલે તમે કદાચ આમ કહી શકો: “હું જાણું છું કે, આપણે બંને નારાજ છીએ. પરંતુ, આપણે કઈ રીતે સાથે મળીને આ મુશ્કેલીનો હલ લાવી શકીએ?”—બાઇબલ સિદ્ધાંત: નીતિવચનો ૧૨:૧૮.

સાથીને દિલની નજીક રાખો. કામની જગ્યાએ તમારા સાથીનો ફોટો રાખો. બીજાઓ સામે તમારા સાથીના વખાણ કરો. વારંવાર આવા શબ્દો વાપરો: “અમે,” “હું અને મારી પત્ની” અથવા “હું અને મારા પતિ.” કામથી બીજી જગ્યાએ ગયા હો ત્યારે, દરરોજ તમારા સાથી જોડે ફોન પર વાત કરો. એમ કરવાથી તમે બીજાઓને અને પોતાને બતાવો છો કે, તમે પોતાના સાથીને વફાદાર છો.

અનુભવી યુગલને પગલે ચાલો. લગ્નજીવનમાં આવતી તકલીફોનો સારી રીતે સામનો કર્યો હોય, એવા અનુભવી યુગલને અનુસરો. તેઓને પૂછો, “લગ્ન વખતે આપેલા વચનને તેઓ કેવું ગણે છે? એનાથી તેઓને લગ્નજીવનમાં કેવી મદદ મળી?” બાઇબલ જણાવે છે: “લોઢું લોઢાને તેજદાર બનાવે છે; તેમ જ માણસ પોતાના મિત્રના મોંને તેજદાર બનાવે છે.” (નીતિવચનો ૨૭:૧૭) એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખો અને અનુભવી યુગલ પાસેથી સલાહ લઈને ફાયદો મેળવો. (g૧૫-E ૦૬)

^ ફકરો. 7 બાઇબલ પ્રમાણે વ્યભિચારને કારણે જ છૂટાછેડા લઈ શકાય. ઈશ્વરના પ્રેમની છાયામાં રહો પુસ્તકના પાન ૨૫૧-૨૫૩ પર આપેલી વધારે માહિતી “છૂટાછેડા અને પતિ-પત્નીના અલગ થવા વિષે બાઇબલ શું કહે છે” જુઓ.