સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ શું કહે છે?

દુઃખ-તકલીફો

દુઃખ-તકલીફો

અમુકને લાગે કે, ઈશ્વર દુઃખ-તકલીફો લાવે છે. અથવા ઈશ્વર ન લાવતા હોય તો, તેમને આપણી તકલીફોની કંઈ પડી નથી. પરંતુ, બાઇબલ શું શીખવે છે? તમને કદાચ એનો જવાબ જાણીને નવાઈ લાગશે.

શું ઈશ્વર દુઃખો લાવે છે?

‘નિશ્ચે ઈશ્વર દુષ્ટતા કરતા નથી.’અયૂબ ૩૪:૧૨.

લોકો શું કહે છે?

અમુક લોકો કહે છે કે, ઈશ્વરની મરજી વગર તો પાંદડુંય હાલતું નથી. તેથી, તેઓ માને છે કે ઈશ્વર જ દુઃખો લાવે છે. જેમ કે, કુદરતી આફતો આવે ત્યારે, લોકોને લાગે છે કે ઈશ્વર એ રીતે પાપીઓને સજા કરે છે.

બાઇબલ શું કહે છે?

બાઇબલ સાફ શીખવે છે કે, ઈશ્વર આપણા પર દુઃખ-તકલીફો લાવતા નથી. દાખલા તરીકે, બાઇબલ જણાવે છે કે દુઃખ સહેતા હોઈએ ત્યારે, આવું ન કહીએ: “ઈશ્વરે મારું પરીક્ષણ કર્યું છે.” શા માટે? કારણ કે, ‘દુષ્ટતાથી ઈશ્વરનું પરીક્ષણ થતું નથી, અને તે કોઈને પરીક્ષણમાં નાખતા પણ નથી.’ (યાકૂબ ૧:૧૩) બીજા શબ્દોમાં, ઈશ્વર આપણા પર કસોટી કે એનાથી થતી તકલીફો લાવતા નથી. જો એમ કરે તો એ દુષ્ટતા કહેવાય. પણ, ‘ઈશ્વર દુષ્ટતા કરતા નથી.’—અયૂબ ૩૪:૧૨.

દુઃખ-તકલીફો ઈશ્વર તરફથી ન હોય તો, એ કોણ લાવે છે અને કઈ રીતે? દુઃખની વાત છે કે, એક માણસ બીજા માણસને નુકસાન કરે છે. (સભાશિક્ષક ૮:૯) તેમ જ, અણધાર્યા “સંજોગોને” લીધે એટલે કે ખોટા સમયે અને ખોટી જગ્યાએ હોવાથી આફતો સહેવી પડે છે. (સભાશિક્ષક ૯:૧૧, કોમન લેંગ્વેજ) બાઇબલ શીખવે છે કે, આખરે તો આ ‘જગતનો અધિકારી’ શેતાન તકલીફો લાવે છે અને “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” (યોહાન ૧૨:૩૧; ૧ યોહાન ૫:૧૯) તેથી, માણસોની તકલીફો માટે ઈશ્વર નહિ, પણ શેતાન જવાબદાર છે.

શું ઈશ્વરને આપણી દુઃખ-તકલીફોની કોઈ ચિંતા છે?

‘તેમનાં સર્વ દુઃખમાં તે દુઃખી થયા.’યશાયા ૬૩:૯.

લોકો શું કહે છે?

અમુકને લાગે છે કે, ઈશ્વરને આપણી તકલીફોની કંઈ જ પડી નથી. દાખલા તરીકે, એક લેખક ઈશ્વર વિશે આમ જણાવે છે: “આપણી દુઃખ-તકલીફો જોઈને ઈશ્વરને કોઈ દયા આવતી નથી.” લેખક દલીલ કરે છે કે, ઈશ્વર ખરેખર હોય તો, ‘શું તે નિર્દયી છે કે આપણી ચિંતા કરતા નથી?’

બાઇબલ શું કહે છે?

ઈશ્વર ક્રૂર છે અથવા તેમને આપણી કંઈ પડી નથી એવું બાઇબલ શીખવતું નથી. એના બદલે, એ શીખવે છે કે ઈશ્વર આપણું દુઃખ જોઈને દુઃખી થાય છે. અને તે જલદી જ બધી દુઃખ-તકલીફોનો અંત લાવશે. ચાલો, આપણે બાઇબલમાંથી દિલાસો આપનારા ત્રણ સત્ય વિશે જોઈએ.

ઈશ્વર આપણા દુઃખો જાણે છે. દુઃખ-તકલીફોની શરૂઆત થઈ ત્યારથી, માણસોના એક પણ આંસુ યહોવાના * ધ્યાન બહાર ગયું નથી. યહોવા ઈશ્વરની “આંખો” બધું જ જુએ છે. (ગીતશાસ્ત્ર ૧૧:૪; ૫૬:૮) દાખલા તરીકે, પ્રાચીન સમયમાં જ્યારે ઈશ્વરભક્તોને સતાવવામાં આવ્યા, ત્યારે ઈશ્વરે આમ કહ્યું: ‘મારા લોકનું દુઃખ મેં નિશ્ચે જોયું છે.’ પરંતુ, શું ઈશ્વરને તેઓના દુઃખ વિશે ઉપરછલ્લી ખબર હતી? ના, ઈશ્વર આગળ જણાવે છે કે, હું સારી રીતે ‘તેઓનો ખેદ જાણું છું.’ (નિર્ગમન ૩:૭) આપણે જે સહીએ છીએ એના વિશે ભલે લોકો જાણતા ન હોય કે સમજતા ન હોય, પણ ઈશ્વરને બધી જ ખબર છે. એ સત્ય જાણીને જ ઘણા લોકોને દિલાસો મળ્યો છે.—ગીતશાસ્ત્ર ૩૧:૭; નીતિવચનો ૧૪:૧૦.

આપણું દુઃખ જોઈને ઈશ્વર પણ દુઃખી થાય છે. યહોવા ઈશ્વર આપણા દુઃખ-દર્દ ફક્ત જાણતા નથી, પણ એની તેમના પર ઊંડી અસર પડે છે. દાખલા તરીકે, પ્રાચીન સમયના ઈશ્વરભક્તોને સતાવવામાં આવ્યા ત્યારે, યહોવા ખૂબ દુઃખી થયા હતા. બાઇબલ જણાવે છે: ‘તેમનાં સર્વ દુઃખમાં તે દુઃખી થયા.’ (યશાયા ૬૩:૯) માણસો કરતાં ઈશ્વર ઘણા ચઢિયાતા છે. તેમ છતાં, લોકોને દુઃખ સહન કરતા જોઈને ઈશ્વર પણ દુઃખી થાય છે. લોકોના દુઃખ તેમના દિલમાં કાંટાની જેમ ખૂંચે છે. સાચે જ, ‘ઈશ્વર ઘણા દયાળુ તથા કૃપાળુ છે.’ (યાકૂબ ૫:૧૧) તેમ જ, યહોવા આપણને તકલીફો સહન કરવા મદદ પણ કરે છે.—ફિલિપી ૪:૧૨, ૧૩.

ઈશ્વર બધી દુઃખ-તકલીફોનો અંત લાવશે. બાઇબલ જણાવે છે કે, ધરતી પર રહેતા દરેક માણસની દુઃખ-તકલીફોનો ઈશ્વર અંત લાવશે. તે સ્વર્ગના રાજ્ય દ્વારા માણસોના ભલા માટે બહુ મોટા ફેરફારો કરશે. એ સમય વિશે બાઇબલ વચન આપે છે: ઈશ્વર “તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.” (પ્રકટીકરણ ૨૧:૪) પણ, મરણ પામેલા લોકો વિશે શું? ઈશ્વર આ પૃથ્વી પર તેઓને જીવતા કરશે, જેથી તેઓ પણ દુઃખ-તકલીફ વગરના જીવનનો આનંદ માણી શકે. (યોહાન ૫:૨૮, ૨૯) શું કોઈને પહેલાંની દુઃખ-તકલીફ યાદ આવશે? ના, કેમ કે યહોવા વચન આપે છે: ‘આગલી બીનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ, કે મનમાં પણ આવશે નહિ.’—યશાયા ૬૫:૧૭. * (g૧૫-E ૦૧)

^ ફકરો. 13 બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.

^ ફકરો. 15 ઈશ્વર કેમ આજે દુઃખ-તકલીફને ચાલવા દે છે અને તે કઈ રીતે એનો અંત લાવશે? એ જાણવા માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકના પ્રકરણ ૮ અને ૧૧ જુઓ. આ પુસ્તક યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.