સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ત્રાટક્યું વાવાઝોડું પણ વરસ્યો પ્રેમ

ત્રાટક્યું વાવાઝોડું પણ વરસ્યો પ્રેમ

ત્રાટક્યું વાવાઝોડું પણ વરસ્યો પ્રેમ

અમેરિકામાં ૨૦૦૫માં કેટરિના અને રીટા નામનું વાવાઝોડું ત્રાટક્યું. લુઇઝિઍના અને મિસિસિપી રાજ્યમાં વધારે નુકસાન થયું હતું. એનાથી ઘણા લોકોએ પોતાના જીવનથી હાથ ધોવા પડ્યા. અરે ઘણા લોકોએ પોતાના ઘરબાર ગુમાવ્યા. લોકોને ખાવા-પીવાની તંગી પડવા લાગી. ત્યાંના યહોવાહના સાક્ષીઓની હાલત પણ એવી જ હતી.

આ અસર પામેલા લોકોને મદદ કરવા અમેરિકાની યહોવાહના સાક્ષીઓની બ્રાંચ ઑફિસે ગોઠવણ કરી. બ્રાંચ ઑફિસે લુઇઝિઍનામાં ૧૩ રિલીફ સેન્ટર્સ ખોલ્યા. ૯ જેટલી જગ્યાએ લોકો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરી. ૪ જગ્યાએ પૅટ્રોલ પંપ ઊભા કર્યા. આ બધી વ્યવસ્થા કરીને તેઓએ લુઇઝિઍના અને મિસિસિપી રાજ્યમાં ઘણા ભાઈ-બહેનોને મદદ કરી. અમેરિકામાંથી અને બીજા તેર દેશોમાંથી લગભગ ૧૭,૦૦૦ યહોવાહના સાક્ષીઓ એ રાહત કામમાં જોડાયા. આ વૉલન્ટિયરોએ બીજા સાક્ષીઓના ઘરો રિપૅર કર્યા અને બીજી જરૂરિયાતો પણ પૂરી પાડી. આ તબાહીમાં યહોવાહના સાક્ષીઓએ એકબીજાને મદદ કરી, સથવારો આપ્યો.—૧. કોરીંથી ૧૩:૧-૮.

આ વૉલન્ટિયરોએ ૫,૬૦૦ કરતાં વધારે ઘરોને રિપૅર કર્યા. યહોવાહના સાક્ષીઓની સભા માટે વપરાતા ૯૦ જેટલા હૉલને પણ તેઓએ રિપૅર કર્યા. એવા લોકોને પણ મદદ કરી જેઓ યહોવાહના સાક્ષીઓ ન હતા. આ રીતે તેઓએ બધા લોકોને મદદ કરીને પરમેશ્વર યહોવાહ જેવો પ્રેમ બતાવ્યો.—ગલાતી ૬:૧૦.

વૉલન્ટિયર તરીકે ભાઈ-બહેનોએ ઘણું બધું જતું કર્યું. પણ લોકોને મદદ કરવાથી તેમને ઘણા આશીર્વાદો મળ્યા. ચાલો આપણે સાત વૉલન્ટિયરના અનુભવ જોઈએ.

‘એ હું કદીયે ભૂલીશ નહિ’

રોબર્ટ: હું ૬૭ વર્ષનો છું. હું સૌથી મોટી ઉંમરનો વૉલન્ટિયર છું. મેં રિલીફ કમિટીમાં જે કામ કર્યું છે એ કદીયે ભૂલીશ નહિ. મેં ઘણા લોકો સાથે કામ કર્યું, એમાં ઘણા યુવાનિયાઓ પણ હતા. યુવાન ભાઈ-બહેનોની યહોવાહની ભક્તિ માટેની હોંશ અને બીજાઓને મદદ કરવાની ભાવના જોઈને મને ઘણું ઉત્તેજન મળ્યું.

આ વૉલન્ટિયર કામમાં જોડાવા મેં ૪૦ વર્ષની નોકરી છોડવાનું નક્કી કર્યું. મારી જીવનસાથીએ પણ મને ઘણો સાથ આપ્યો. અમારું ગુજરાન ચલાવવા અમે અઠવાડિયામાં એક જ દિવસ, એ પણ રાતના સમયે ઑફિસની સાફ-સફાઈ કરીએ છીએ. બીજા છ દિવસ અમે યહોવાહના સાક્ષીઓના વૉલન્ટિયર સાથે કામ કરીએ છીએ. એનાથી અમે યહોવાહની ભક્તિને જીવનમાં પહેલી રાખવાનું શીખ્યા છીએ. (માત્થી ૬:૩૩) સાદું જીવન જીવીને પણ અમે જીવનનો ભરપૂર આનંદ માણીએ છીએ. વૉલન્ટિયર કામ કરવાથી અમે જોઈ શક્યા છીએ કે યહોવાહ કેવી રીતે પોતાના લોકોની સંભાળ રાખે છે.

ફ્રેન્ક: હું બૅટન રૂઝ શહેરમાં ખોરાક પૂરો પાડતા ડિપાર્ટમેન્ટની દેખરેખ રાખતો. બધા વૉલન્ટિયરને ખોરાક પૂરો પાડવા મારે રોજના ૧૦-૧૨ કલાક કામ કરવું પડતું, એ પણ સાતે-સાત દિવસ. આ બધું કરવાથી મને જે પ્રેમ અને આશીર્વાદો મળ્યા એની સરખામણીમાં મારી મહેનત કંઈ જ નથી.

અમુક વૉલન્ટિયર ફક્ત એક અઠવાડિયા માટે જ આવ્યા હતા. તેઓને વધારે કામ કરવું હતું, પરંતુ કરી શકતા ન હતા. ઘરે ગયા પછી અમુકે ફોન કરીને કે પત્ર લખીને મને જણાવ્યું કે તેમને કામ કરવાની બહુ મઝા આવી. વૉલન્ટિયર સાથે કામ કરવાથી મારો અને મારી પત્નીનો ઉત્સાહ વધ્યો.

ખુશીથી આંખો ભરાઈ આવી

ગ્રેગરી: હું અને મારી પત્ની નિવાડા રાજ્યમાં રહેતા હતા. પણ લુઇઝિઍનાના ભાઈ-બહેનોને મદદ કરવા અમે અમારું ઘર વેચ્યું. એક કાર અને સાથે એક ટ્રેલર ખરીદ્યું, જેમાં અમે અમારું ઘર બનાવ્યું. આમ કરવાથી અમે બે-અઢી વર્ષથી લુઇઝિઍનાના ભાઈ-બહેનોને મદદ કરી શક્યા છીએ. એ દરમિયાન અમે યહોવાહનો સાથ અનુભવ્યો છે. બાઇબલમાં યહોવાહ જણાવે છે કે “મારું પારખું તો લઈ જુઓ, કે હું તમારે સારુ આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી જગા નહિ હોય, એટલો બધો આશીર્વાદ તમારા પર મોકલી દઉં છું કે નહિ!”—માલાખી ૩:૧૦.

અમે જે પણ કર્યું છે એ જોઈને ઘણા લોકોને લાગે છે કે અમે જીવનમાં ઘણું જતું કર્યું છે. પણ અમને જે આશીર્વાદો મળ્યા છે એની સામે તો અમે કઈ જ જતું કર્યું નથી. ત્રીસ વર્ષ પહેલાં મને અને મારી પત્નીને બેથેલમાં સેવા કરવી હતી. પણ બાળકોને લીધે અમે એ કરી શક્યા નહિ. લુઇઝિઍનાના ભાઈ-બહેનોને મદદ કરવાથી અમે જાણે કે બેથેલમાં સેવા આપી હોય એવું લાગ્યું. અહીં કામ કરવાથી અમને અનેક ભાઈ-બહેનોને ઓળખવાનો મોકો મળ્યો. અમુક ભાઈ-બહેનો પાસે બહુ સારી સ્કીલ હતી. જેમ કે બે ભાઈઓ સારા કૂક હતા. એક ભાઈ રેસ્ટોરન્ટમાં કામ કરતા હતા. તો બીજા ભાઈ, અમેરિકાના બે પ્રેસિડન્ટ માટે જમવાનું બનાવતા હતા.

ઘણા વૉલન્ટિયરે કહ્યું કે ભાઈ-બહેનો સાથે સંપીને કામ કરવાથી અમે ખરો પ્રેમ જોઈ શક્યા છીએ. ભાઈ-બહેનોનો સંપ જોઈને ૫૭ વર્ષના એક ભાઈની આંખોમાંથી ખુશીના આંસુ સરી પડ્યા. બે વૉલન્ટિયર નેબ્રૅસ્કા રાજ્યમાંથી આવ્યા હતા. એ રાજ્યના ત્રણ મંડળોમાંથી અમુક ભાઈ-બહેનોને પણ વૉલન્ટિયર કામમાં જોડાવું હતું. પણ તેઓના સંજોગો અનુકૂળ ન હતા. એટલે તેઓમાંના નાના-મોટા બધાએ અમને ઉત્તેજન મળે એ માટે સુંદર બૅનર લખીને મોકલ્યા. એ વાંચીને અમને ઘણી ખુશી થઈ.

‘યહોવાહ એકે-એક ભક્તોની સંભાળ રાખે છે’

વેન્ડલ: હું અને મારી પત્ની ઘણા વર્ષોથી લુઇઝિઍના અને મિસિસિપીની નજીક રહીએ છીએ. એ વર્ષો દરમિયાન અમે જોયું છે કે યહોવાહ કેવી રીતે તેમના ભક્તોની સંભાળ રાખે છે. એ રાજ્યોમાં વાવાઝોડું ત્રાટક્યું એના એક દિવસ પછી અમેરિકાની બ્રાંચ ઑફિસે મને એક જવાબદારી સોંપી. તેઓએ જે ભાઈ-બહેનોના ઘરો અને કિંગ્ડમ હૉલને નુકસાન થયું હતું એની તપાસ કરવા મને કહ્યું. એ કામમાં હું જોઈ શક્યો કે યહોવાહ પોતાના એકે-એક ભક્તોની સંભાળ રાખે છે.

હાલમાં હું બૅટન રૂઝ શહેરની રિલીફ કમિટીમાં આગેવાની લઉં છું. ભાઈ-બહેનોને દુઃખી હાલતમાં મદદ કરવું સહેલું નથી. ભાઈ-બહેનો જે દુઃખો વેઠી રહ્યા છે એ જોઈને અમને પણ દુઃખ થાય છે. તેમ છતાં અમે અનેક વાર જોઈ શક્યા છીએ કે યહોવાહ પોતાના લોકોની સંભાળ રાખે છે, અને જોઈતી મદદ પૂરી પાડે છે.

હું અને મારી પત્ની બે વર્ષથી વૉલન્ટિયર કામ કરીએ છીએ. ઘણા અમને પૂછે કે ‘સતત બે વર્ષથી આ કામ કરતા રહીને શું તમારા માટે ગુજરાન ચલાવવું સહેલું છે?’ અમે તેઓને જણાવીએ છીએ કે એ સહેલું નથી. પણ જીવનમાં અનેક ફેરફારો કરીને અમે સાદું જીવન જીવીએ છીએ. (માત્થી ૬:૨૨) આ રીતે અમને ઘણો ફાયદો થયો છે.

આફત પછી અમુક લોકો શહેરમાં લૂંટફાટ અને મારા-મારી પર ઊતરી આવ્યા. તેથી સરકારે લશ્કર બોલાવી લીધું. તેઓ બધા લોકોને શંકાની નજરે જોતા હતાં. આવા સમયે આફતમાંથી બચેલા ભાઈ-બહેનોને શોધવા, એ સહેલું ન હતું. અમુક વખતે અમને બહુ જ ડર લાગતો હતો. તોપણ અમે રાત-દિવસ ભાઈ-બહેનોને શોધતા હતા.

આ કામ કરવાથી અમે આફતનો ભોગ બનેલા હજારો ભાઈ-બહેનોને મળ્યા છીએ. અમે તેઓ સાથે પ્રાર્થના કરી છે અને ઉત્તેજન આપ્યું છે. અમે તેઓને બનતી બધી જ મદદ પૂરી પાડવા કોશિશ કરીએ છીએ. ભાઈ-બહેનોના ખરાબ સંજોગો જોઈને મને બહુ દુઃખ થાય છે, અને ઘણી વખત હિંમત હારી જઉં છું. પણ ફક્ત યહોવાહની મદદથી જ આ કામ ચાલુ રાખી શક્યો છું.જ્યારે પણ હું હિંમત હારી જઉં છું, ત્યારે જ કોઈક નવા વૉલન્ટિયર આવે છે. અમુક બે-ત્રણ મહિના માટે જ્યારે કે અમુક વધારે સમય માટે આવે છે. બીજાને મદદ કરવાની તેઓની હોંશ જોઈને મારી હિંમત વધે છે. અને આ કામ છોડવાનું મન નથી થતું.

આ કામમાં હું જોઈ શક્યો કે યહોવાહ “પ્રાર્થનાના સાંભળનાર” છે. (ગીતશાસ્ત્ર ૬૫:૨) અમુક અનુભવોનો વિચાર કરો. અમે જોયું કે હજાર કરતાં વધારે ભાઈ-બહેનોના ઘર પર ઝાડ તૂટી પડ્યા હતા. એ બધાં ઝાડ હટાવવા અમારી પાસે યોગ્ય સાધનો ન હતા. રિલીફ કમિટીના ભાઈઓએ પ્રાર્થનામાં એ વિષે જણાવ્યું. એના બીજા જ દિવસે એક વૉલન્ટિયર ભાઈ જોઈતા સાધનો લઈને આવ્યા. બીજા એક અનુભવમાં અમે પ્રાર્થના કરી અને ૧૫ મિનિટમાં જે જરૂરી હતું એ યહોવાહે પૂરું પાડ્યું. ત્રીજા કિસ્સામાં તો હજુ અમે પ્રાર્થના પૂરી પણ કરી ન હતી અને યહોવાહે અમને જોઈતી મદદ પૂરી પાડી.

“ગર્વ છે કે અમે પણ યહોવાહના સાક્ષી છીએ”

મેથ્યુ: વાવાઝોડું આવ્યું એના એક દિવસ પછી અનેક ભાઈ-બહેનોએ ખાવા-પીવાની અને બીજી જરૂરી ચીજ-વસ્તુઓ ભેગી કરી. એ બધી વસ્તુઓ લુઇઝિઍના અને મિસિસિપીના ભાઈ-બહેનોને પહોંચાડવામાં મેં મદદ કરી.

પણ મારે અને મારી પત્નીએ વધારે મદદ કરવી હતી. એટલે વાવાઝોડાના ભોગ બન્યા હતા તેઓને મદદ કરવા અમે ઘર છોડીને ત્યાં રહેવા ગયા. અમારી રોજી-રોટી માટે ત્યાંના એક ભાઈએ અમને પાર્ટ ટાઇમ નોકરી આપી. બીજા એક ભાઈએ રહેવાની સગવડ પણ કરી આપી. આ બધી ગોઠવણને લીધે અમે દરરોજ લોકોને મદદ કરી શક્યા. ભાઈઓએ અમને જે મદદ પૂરી પાડી એ અમે કદીએ ભૂલીશું નહીં. અમને ગર્વ છે કે અમે પણ યહોવાહના સાક્ષી છીએ.

ટેડ: વાવાઝોડું ત્રાટક્યું પછી મેં અને મારી પત્નીએ બીજાઓને મદદ કરવાનું નક્કી કર્યું. મદદ કરવા અમારે રહેવાની જગ્યા જોઈતી હતી. એ માટે અમે યહોવાહને પ્રાર્થના કરી. એના જવાબમાં અમને અડધી કિંમતે એક કાર અને ૨૮ ફૂટ લાંબું ટ્રેલર મળ્યું. એમાં અમે અમારું ઘર બનાવ્યું. એ ટ્રેલર બે વર્ષથી અમારું ઘર બન્યું છે.

અમે ઘર અને માલમિલકત વેચી દીધા, જેથી પૂરું ધ્યાન વૉલન્ટિયર કામમાં આપી શકીએ. આ કામ કરવાથી અમે જોયું કે ઘણા લોકો એક જ રાતમાં આફતને લીધે ઘર વગરના થઈ ગયા હતા. અરે અમુક ગામો તો આખાને આખા ડૂબી ગયા હતા. અમુક જગ્યાએ તો કિંગ્ડમ હૉલ પણ તૂટી ગયા હતા. એવી જગ્યાઓએ ભાઈ-બહેનોએ ઘણું બધું સહન કર્યુ છે. તેમ છતાં યહોવાહે તેઓને નિભાવી રાખ્યા છે. ખરેખર યહોવાહ ‘સર્વ દિલાસાના પરમેશ્વર છે.’—૨ કોરીંથી ૧:૩.

‘અમારો ભરોસો વધ્યો’

જસ્ટિન: ઑક્ટોબર ૨૦૦૫માં અમેરિકાની બ્રાંચ ઑફિસે બધાં મંડળોને પત્ર મોકલ્યા. એમાં જણાવ્યું કે લુઇઝિઍના અને મિસિસિપી રાજ્યોમાં ભાઈ-બહેનોને મદદ કરવા વૉલન્ટિયરની જરૂર છે. જો તમે મદદ કરી શકતા હોય તો ઍપ્લિકેશન ફૉર્મ ભરીને મોકલો. મેં અને મારી પત્નીએ ફૉર્મ ભર્યું. ફેબ્રુઆરી ૨૦૦૬માં અમને બોલાવવામાં આવ્યા. ત્યાં જઈને અમે ભાઈ-બહેનોના ઘર રિપૅર કર્યાં.

આ કામ કરીને અમને શીખવા મળ્યું કે માલમિલકતમાં ભરોસો રાખવો નકામો છે. જેઓના ઘર તૂટી ગયા હતા એવા ભાઈ-બહેનોને મળ્યા. ઘર તૂટી ગયા હતા, છતાં તેઓને યહોવાહમાં પૂરી શ્રદ્ધા હતી. તેઓ હિંમત હાર્યા ન હતા. એ જોઈને અમારો પણ યહોવાહમાં ભરોસો વધ્યો. આ અનુભવમાંથી શીખવા મળ્યું કે યહોવાહ કેવી રીતે પોતાના લોકોની સંભાળ રાખે છે. ભાઈ-બહેનોને મદદ કરવાથી અમને ઘણું ઉત્તેજન મળ્યું. (g 8/08)

[Box/Picture on page 20]

રિલીફ સેન્ટરમાં વૉલન્ટિયરનો દિવસ

રિલીફ સેન્ટરમાં અનેક વૉલન્ટિયર કામ કરે છે. એમાંથી અમુક ભાઈ-બહેનો સવારના સાડા ચારે બધા માટે નાસ્તો બનાવવાનું શરૂ કરે છે. સવારે સાત વાગ્યે નાસ્તો કરવા બધા વૉલન્ટિયર ભેગા મળે છે. નાસ્તો કરતા પહેલાં એક ભાઈ દસ મિનિટ માટે બાઇબલના અમુક વિચારો જણાવે છે. એ સમયે જેઓ નવા આવ્યા હોય તેઓની ઓળખ આપવામાં આવે છે. પછી કોઈ સારો અનુભવ થયો હોય એના વિષે વાત કરવામાં આવે છે.

નાસ્તો કરતા પહેલાં એક ભાઈ પ્રાર્થના કરાવે છે. નાસ્તો કર્યા પછી ભાઈ-બહેનો સોંપેલી જગ્યાએ લોકોને મદદ કરવા નીકળી જાય છે. અમુક રિલીફ સેન્ટરમાં જ કામ કરે છે. જેવાં કે લૉન્ડ્રીમાં બધાના કપડાં ધોવા, ઑફિસ કામ અને બપોરનું જમવાનું તૈયાર કરવું. જમવાનું તૈયાર થયા પછી એને પૅક કરીને જ્યાં ભાઈ-બહેનો કામ કરતા હોય છે, ત્યાં પહોંચાડવામાં આવે છે.

દર સોમવારે સાંજે બધા વૉલન્ટિયર ભેગા મળીને બાઇબલ પર ચર્ચા કરે છે. ચર્ચા કરવા યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલું ચોકીબુરજ મૅગેઝિન વાપરે છે. એ ચર્ચા કરવાથી તેઓનો ઈશ્વરમાં વિશ્વાસ મજબૂત થાય છે. એના લીધે તેઓ કોઈ પણ સોંપેલી જવાબદારી રાજી-ખુશીથી કરી શકે છે.—માત્થી ૪:૪; ૫:૩.

[Box on page 21]

‘તમારા લોકોનો પ્રેમ હું કદીયે નહિ ભૂલું’

એક સ્ત્રી લુઇઝિઍનામાં રહે છે. તે યહોવાહના સાક્ષીઓને સખત નફરત કરતી હતી. તેણે ઘરના દરવાજા પર બોર્ડ માર્યું હતું કે ‘યહોવાહના સાક્ષીઓએ અહીં આવવું નહિ.’ તેની બાજુમાં એક યહોવાહના સાક્ષી રહે છે. વાવાઝોડું ત્રાટક્યું ત્યારે એ સાક્ષીના ઘરને નુકસાન થયું હતું. અમુક યહોવાહના સાક્ષીઓ તેમનું ઘર રિપૅર કરવા આવ્યા. પેલી સ્ત્રી દરરોજ એ જોતી હતી. પણ તેને ખબર ન હતી કે મદદ કરનાર યહોવાહના સાક્ષીઓ છે. તેણે જોયું કે તેઓ કેવા સંપીને અને આનંદથી એ કામ કરે છે. એટલે તેણે તેઓનો મળવું હતું. મળ્યા ત્યારે તેને જાણવા મળ્યું કે તેઓ યહોવાહના સાક્ષીઓ છે. તેણે તેઓને કહ્યું કે ‘આફત પછી મારા ચર્ચમાંથી કોઈ મને જોવા પણ નથી આવ્યું. અરે એક ફોન પણ નથી કર્યો. તમારા લોકોનો પ્રેમ હું કદીયે નહિ ભૂલું.’ તેણે દરવાજા પરથી બોર્ડ ઉતારી લીધું અને કહ્યું કે તમે મારા ઘરે જરૂર આવજો.

[Picture on page 18]

રોબર્ટ અને તેમની પત્ની

[Picture on page 18]

ફ્રેન્ક અને તેમની પત્ની

[Picture on page 19]

ગ્રેગરી અને તેમની પત્ની

[Picture on page 19]

વેન્ડલ અને તેમની પત્ની

[Picture on page 20]

મેથ્યુ અને તેમની પત્ની

[Picture on page 20]

ટેડ અને તેમની પત્ની

[Picture on page 20]

જસ્ટિન અને તેમની પત્ની