સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બધા સાથે સારો સંબંધ કેળવીએ

બધા સાથે સારો સંબંધ કેળવીએ

ઈશ્વરની વાત માનવાથી બધા સાથે સારો સંબંધ કેળવી શકાય છે. એનાથી ઘણા લોકોને ઘરમાં, કામની જગ્યા પર અને દોસ્તો સાથે સારો સંબંધ કેળવવામાં મદદ મળી છે. ચાલો જોઈએ એ વિશે ઈશ્વરે આપણને બીજું શું જણાવ્યું છે.

માફ કરીએ

‘એકબીજાનું સહન કરીએ અને જો કોઈની વિરુદ્ધ ફરિયાદ કરવાનું કારણ હોય, તોપણ એકબીજાને દિલથી માફ કરીએ.’—કોલોસીઓ ૩:૧૩.

આપણે બધા ભૂલો કરીએ છીએ. અમુક વાર આપણે કોઈકને તો, કોઈક આપણને દુઃખ પહોંચાડે છે. એટલે આપણે એકબીજાની ભૂલોને માફ કરીએ અને ભૂલોને યાદ ન રાખીએ. ‘બૂરાઈનો બદલો બૂરાઈથી ન વાળીએ.’ તેમની ભૂલોને વારંવાર યાદ ન કરાવીએ. (રોમનો ૧૨:૧૭) અમુક વાર કોઈકથી આપણને એટલું ખોટું લાગી જાય કે તેમને માફ કરવું અઘરું લાગે. એવા સંજોગોમાં શું કરીશું? તે એકલા હોય ત્યારે તેમની સાથે સારી રીતે વાત કરીએ. કોણ સાચું ને કોણ ખોટું એ સાબિત કરવાને બદલે, પ્રયત્ન કરીએ કે આપણો સંબંધ પહેલાં જેવો સારો થઈ જાય.—રોમનો ૧૨:૧૮.

નમ્ર બનીએ અને માન આપીએ

‘નમ્ર બનીએ અને બીજાઓને પોતાના કરતાં ચઢિયાતા ગણીએ.’—ફિલિપીઓ ૨:૩.

આપણે નમ્ર હોઈશું, બીજાઓને માન આપીશું અને આપણાં વાણી-વર્તન સારાં રાખીશું તો, લોકોને આપણી સાથે દોસ્તી કરવી ગમશે. આપણે બીજાઓને જાણીજોઈને દુઃખી નહિ કરીએ. જેઓ પોતે કંઈક છે એવું સમજે છે અને બીજાઓને નીચા ગણે છે તેઓની સાથે દોસ્તી કરવી કોને ગમે? કોઈને નહિ.

પક્ષપાત ન કરીએ

“ઈશ્વર પક્ષપાત કરતા નથી. પણ દરેક દેશમાં જે કોઈ તેમનો ડર રાખે છે અને સારાં કામ કરે છે, તેને તે સ્વીકારે છે.”—પ્રેરિતોનાં કાર્યો ૧૦:૩૪, ૩૫.

ઈશ્વરની નજરમાં આપણે બધા એકસરખા છીએ. પછી ભલે કોઈપણ દેશ, જાતિ, ભાષા કે રંગરૂપના હોઈએ. અમીર હોઈએ કે ગરીબ હોઈએ. ‘ઈશ્વરે એક માણસમાંથી બધી પ્રજાઓ બનાવી.’ એટલે આપણે બધાં ભાઈ-બહેનો છીએ. (પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૬) જ્યારે આપણે લોકો સાથે સારું વર્તન કરીએ છીએ ત્યારે બધાને ખુશી થાય છે. સૌથી વધારે તો આપણા ઈશ્વરને ખુશી થાય છે.

કોમળ સ્વભાવ રાખીએ

‘કોમળતા પહેરી લઈએ.’—કોલોસીઓ ૩:૧૨.

આપણે કોમળ સ્વભાવ કેળવીશું તો જલદી ગુસ્સે નહિ થઈએ. એનાથી બધાને આપણી સાથે વાત કરવાનું ગમશે. આપણાથી કોઈ ભૂલ થઈ જાય તો, બીજાઓ આપણને સુધારતા અચકાશે નહિ. તેઓ જાણે છે કે આપણે નમ્ર છીએ. કોઈ ગુસ્સાથી આપણી સાથે વાત કરે પણ જો નરમાશથી જવાબ આપીશું, તો એનો ગુસ્સો ઠંડો થઈ જશે. એક ઈશ્વરભક્તે કહ્યું હતું, “નમ્ર જવાબ ક્રોધને શાંત કરે છે, પણ કઠોર શબ્દો ગુસ્સો ભડકાવે છે.”—નીતિવચનો ૧૫:૧.

ઉદાર બનીએ અને અહેસાન માનીએ

“લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.” —પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૫.

આજે મોટા ભાગના લોકો સ્વાર્થી હોય છે. તેઓ પોતાનો જ લાભ જોતા હોય છે. બીજાઓને ઉદાર રીતે મદદ કરવાથી આપણને ખુશી મળે છે. (લૂક ૬:૩૮) ઉદાર વ્યક્તિઓને ચીજવસ્તુઓ માટે નહિ, પણ લોકો માટે પ્રેમ હોય છે. કોઈ આપણને મદદ કરે ત્યારે આપણે તેઓનો અહેસાન માનીએ છીએ. (કોલોસીઓ ૩:૧૫) જરા વિચારો કે ‘તમને કેવા લોકો ગમે છે, કંજૂસ કે ઉદાર? અહેસાન માને એવા કે ન માને એવા?’ તો આપણે પણ ઉદાર બનીએ અને બીજાઓનો અહેસાન માનીએ.—માથ્થી ૭:૧૨.