સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મદદનો હાથ લંબાવો

મદદનો હાથ લંબાવો

પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે: “સાચો મિત્ર દરેક સમયે પ્રેમ બતાવે છે અને મુસીબતના સમયે તે ભાઈ બની જાય છે.”—નીતિવચનો ૧૭:૧૭.

એ શાસ્ત્રવચનનો શું અર્થ થાય?

આપણા કોઈ દોસ્તને માનસિક બીમારી થાય ત્યારે, કદાચ આપણને લાગે કે તેની માટે કંઈ નથી કરી શકતા. આપણને સૂઝે નહિ કે તેની મદદ કઈ રીતે કરવી, તોપણ બતાવી શકીએ કે આપણને તેની ચિંતા છે. એ માટે કેવાં પગલાં ભરી શકીએ?

આપણે શું કરી શકીએ?

‘ધ્યાનથી સાંભળો.’—યાકૂબ ૧:૧૯.

તમારા દોસ્તની મદદ કરવાની સૌથી સારી રીત છે કે જ્યારે તે વાત કરવા માંગે, ત્યારે તેને બોલવા દો અને તેનું ધ્યાનથી સાંભળો. તેની દરેક વાતને અંતે કંઈ કહેવું જ, એવું જરૂરી નથી. તમારા હાવભાવથી બતાવી આપો કે તમે તેનું ધ્યાનથી સાંભળો છો અને તમને તેની ચિંતા છે. તેના વિશે કોઈ મત બાંધવાને બદલે, તે જે કહે છે એની પાછળની લાગણીઓ સમજો. યાદ રાખો કે તે ચિંતામાં છે. એટલે બની શકે કે તે ના બોલવાનું કંઈક બોલી જાય, જેનો તેને પછીથી પસ્તાવો થાય.—અયૂબ ૬:૨, ૩.

“દિલાસો આપો.”—૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૪.

તમારો દોસ્ત કદાચ બહુ ચિંતામાં હોય અથવા પોતાને નકામો ગણતો હોય. એવા સમયે તેને ખાતરી અપાવી શકો કે તમને ખરેખર તેની ચિંતા છે. પણ કદાચ તમને સમજાય નહિ કે શું કહેવું. તોપણ તમે તેને દિલાસો આપી શકો છો અને તેની હિંમત વધારવાની કોશિશ કરી શકો છો.

“સાચો મિત્ર દરેક સમયે પ્રેમ બતાવે છે.”—નીતિવચનો ૧૭:૧૭.

અલગ અલગ રીતોએ મદદ કરો. તમારા દોસ્તને મદદ કઈ રીતે કરવી એ વિશે પોતે જ વિચાર્યા ન કરો. પણ સામેથી પૂછો કે ‘હું તમારા માટે શું કરી શકું?’ જો તે જણાવતા અચકાય તોપણ તમે સાથે મળીને કંઈક કરવાનું જણાવી શકો, જેમ કે સાથે બહાર જવું. એ પણ પૂછી શકો, ‘શું તમને ખરીદીમાં, ઘરની સાફ-સફાઈમાં કે બીજા કોઈ કામમાં મદદની જરૂર છે?’—ગલાતીઓ ૬:૨.

“ધીરજથી વર્તો.”—૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૪.

અમુક વાર તમારા દોસ્તને વાત કરવાનું મન ન હોય. એવા સમયે તેને કહી શકો કે જ્યારે પણ તે વાત કરવા માંગે, ત્યારે તમે તેનું સાંભળવા તૈયાર હશો. જોકે એવું પણ બની શકે કે માનસિક બીમારીના કારણે, તમારો દોસ્ત કંઈક એવું કહે કે કરે જેનાથી તમને ઠેસ પહોંચે. જેમ કે તમે સાથે મળીને ક્યાંક જવાનું કે કોઈ કામ કરવાનું નક્કી કર્યું હોય. પણ તે છેલ્લી ઘડીએ ના પાડી દે અથવા અચાનક ચિડાઈ જાય. એવાં સંજોગોમાં ધીરજ રાખો અને તેને સમજવાની કોશિશ કરો.—નીતિવચનો ૧૮:૨૪.

તમારી મદદથી દિલાસો મળી શકે છે

“હું હંમેશાં મારા દોસ્તની વાત સાંભળવા તૈયાર રહું છું. મારી પાસે તેની તકલીફોનો હલ ના હોય તોપણ, હું તેનું ધ્યાનથી સાંભળું છું. અમુક વાર મારી દોસ્ત એવું ચાહે છે કે બસ તેનું કોઈ સાંભળે, એનાથી તેનું મન હળવું થઈ જાય છે.”—ફરાહ, a જેની દોસ્તને ઇટીંગ ડિસઓર્ડર, ઍંગ્ઝાયટિ ડિસઓર્ડર અને ડિપ્રેશન છે.

“મારી એક દોસ્ત ખૂબ પ્રેમાળ છે અને મને ખૂબ ઉત્તેજન આપે છે. એકવાર તેણે મને પોતાના ઘરે બોલાવી અને મારા માટે સ્વાદિષ્ટ જમવાનું બનાવ્યું. તેનો પ્રેમ મારા દિલને એટલો સ્પર્શી ગયો કે હું મારી લાગણીઓ વિશે તેને દિલ ખોલીને જણાવી શકી. એનાથી મને ઘણો દિલાસો મળ્યો.”—હાયૂન, જેને ડિપ્રેશન છે.

“ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. અમુક વાર મારી પત્ની કંઈક એવું કરી બેસે છે, જેના લીધે હું બહુ ચિડાઈ જાઉં છું. જોકે, હું પોતાને યાદ અપાવું છું કે તે સ્વભાવે એવી નથી, પણ બીમારીના લીધે તે એવું કરે છે. એટલે ગુસ્સે થવાને બદલે હું તેની સાથે પ્રેમથી વર્તું છું.”—જેકબ, જેની પત્નીને ડિપ્રેશન છે.

“મારી પત્ની હંમેશાં મારો સાથ આપે છે અને મને દિલાસો આપે છે. જ્યારે હું ચિંતાઓથી ઘેરાયેલો હોઉં છું, ત્યારે મને અમુક બાબતો કરવાનું મન નથી થતું. એવા સમયે એ બાબતો કરવા તે મને ક્યારેય દબાણ નથી કરતી. એના લીધે તેનું મન હોય તોપણ તેણે અમુક બાબતો જતી કરવી પડે છે. તેની જતું કરવાની ભાવના અને ઉદારતાને લીધે, હું તેને ખૂબ પ્રેમ કરું છું.”—એનરીકો, જેને ઍંગ્ઝાયટિ ડિસઓર્ડર છે.

a અમુક નામ બદલ્યાં છે.