સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મરણ—એક કડવી હકીકત

મરણ—એક કડવી હકીકત

કલ્પના કરો, કે તમે એક ફેમસ સંગીતકાર વિશે વીડિયો જુઓ છો. તે સરસ પિયાનો વગાડે છે અને તમને એ સાંભળવું ખૂબ ગમે છે. વીડિયોની શરૂઆત તેમના બચપણથી થાય છે. તે કઈ રીતે મ્યુઝિક શીખ્યા, કેટલી બધી પ્રેક્ટિસ કરવી પડતી, વગેરે. તે દેશ-વિદેશમાં પિયાનો વગાડે છે અને પ્રખ્યાત બની જાય છે. લોકોની રગોમાં તેમની ધૂન ગુંજતી રહે છે. સમયના વહેણમાં તેમનાં સોનેરી વર્ષો વીતતા જાય છે. છેલ્લે તે મરણ પામે છે અને વીડિયો પૂરો થાય છે.

આ વીડિયો સત્યકથા છે અને એ વ્યક્તિ હવે રહી નથી. સંગીતકાર હોય કે સિંગર, સાયન્ટિસ્ટ હોય કે રમતવીર, ભલે ગમે એટલા ફેમસ હોય, છેવટે બધાની સ્ટોરી આ જ રીતે પૂરી થાય છે. ઘણાએ જીવનમાં અનેક સિદ્ધિઓ મેળવી હશે. આપણને મનમાં થાય, કે જો તે ઘરડાં ન થયા હોત, ગુજરી ન ગયા હોત તો હજી ઘણું કરી શક્યા હોત!

દુઃખની વાત છે, કે મોતના મોંમાંથી કોઈ છટકી શકતું નથી. (સભાશિક્ષક ૯:૫) આપણે ગમે એટલા પ્રયત્નો કરીએ તોપણ ઘડપણથી ભાગી શકતા નથી અને છેવટે મોતનો શિકાર બનીએ છીએ. અધૂરામાં પૂરું, ઍક્સિડન્ટ કે જીવલેણ બીમારીને લીધે અચાનક આપણું જીવન ખતમ થઈ જાય છે. બાઇબલ જણાવે છે તેમ, આપણું જીવન જાણે સવારના ‘ધુમ્મસ જેવું છે. થોડી વાર એ દેખાય છે, પછી ગાયબ થઈ જાય છે.’—યાકૂબ ૪:૧૪.

અમુકને લાગે છે કે જીવનનો કોઈ ભરોસો નથી, એનો કોઈ મકસદ નથી. એટલે તેઓ માને છે: “ચાલો આપણે ખાઈએ અને પીએ, કેમ કે કાલે તો મરવાનું છે.” (૧ કોરીંથીઓ ૧૫:૩૨) તેઓ માટે જીવન પલ-બે-પલનું છે. કેમ કે તેઓ જાણે છે કે આજ નહિ તો કાલ, મરવાનું તો છે જ. એમાંય જો જીવન કડવું થઈ જાય, દુઃખ-તકલીફો આવી જાય ત્યારે જીવન અને મરણ વિશે ઘણા વિચારો આવી શકે. જેમ કે, જીવન કેમ આટલું ટૂંકું? એક પછી એક દુઃખો આવતા જ રહેશે? એના જવાબ ક્યાંથી મળી શકે?

આજે ઘણાને મોટી મોટી આશાઓ છે કે એક દિવસ સાયન્સ એનો જવાબ શોધી કાઢશે. સાયન્ટિસ્ટ અને ડૉક્ટરોની શોધખોળથી આજે લોકોનું આયુષ્ય વધ્યું છે. અમુક સાયન્ટિસ્ટ હજી એવા ઇલાજ શોધી રહ્યા છે જેથી વ્યક્તિનું આયુષ્ય વધારે લાંબું થાય. ભલે તેઓ સફળ થાય કે ન થાય, આ સવાલોનો તેઓ પાસે કોઈ જવાબ નથી: આપણે કેમ ઘરડાં થઈએ છીએ? કેમ મરીએ છીએ? શું એવો દિવસ આવશે, જ્યારે આપણે ક્યારેય મરીશું જ નહિ? હવે પછીના લેખોમાં આપણે એ વિશે વધારે જોઈશું. એમાં આ સવાલનો પણ જવાબ મળશે: ‘જીવન કેમ આટલું ટૂંકું?’