સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

સાંભળી નથી શકતો . . . પણ લોકોને ખુશખબર સંભળાવું છું!

સાંભળી નથી શકતો . . . પણ લોકોને ખુશખબર સંભળાવું છું!

સાલ ૧૯૪૧માં ૧૨ વર્ષની ઉંમરે મેં બાપ્તિસ્મા લીધું. પણ બાઇબલનું સત્ય મને છેક ૧૯૪૬માં સમજાયું. એવું કેમ? ચાલો હું તમને જણાવું.

૧૯૧૦ના દાયકામાં મારાં માતા-પિતા જૉર્જિયાના તિફલિસ છોડીને કેનેડા રહેવાં ગયાં. તેઓ પશ્ચિમ કેનેડાના સૅસ્કેચિવનમાં પૅલી નામના વિસ્તારમાં આવેલા એક ફાર્મહાઉસમાં રહેવાં લાગ્યાં. મારો જન્મ ૧૯૨૮માં થયો હતો. છ ભાઈ-બહેનોમાં હું સૌથી નાનો. મારા જન્મના છ મહિના પહેલાં પિતા ગુજરી ગયા અને હજી હું પાપા પગલી પણ નહોતો શીખ્યો ને માતા પણ ગુજરી ગયા. થોડા જ વખતમાં મારી સૌથી મોટી બહેન લૂસી ૧૭ વર્ષની વયે મરણ પામી. પછી, નીક મામાએ અમને સાચવ્યાં.

હું પાપા પગલી ભરવાનું શીખ્યો એ સમયની વાત છે. એક દિવસે હું ફાર્મહાઉસના એક ઘોડાની પૂંછડી ખેંચી રહ્યો હતો. એ જોઈને કુટુંબીજનો ગભરાઈ ગયા. તેઓને લાગ્યું કે ઘોડો મને લાત મારશે, એટલે મારું ધ્યાન ખેંચવા તેઓએ ચીસો પાડી. હું તેઓ તરફ પીઠ કરીને ઊભો હતો. તેઓની ચીસો મારે કાને પડી નહિ. સારું થયું કે મને કોઈ ઈજા થઈ નહિ. પણ એ દિવસે મારા કુટુંબને ખ્યાલ આવ્યો કે હું સાંભળી શકતો નથી.

કુટુંબના એક મિત્રે મને બધિર બાળકોની સ્કૂલમાં મૂકવાની સલાહ આપી. એટલે મામાએ સૅસ્કેચિવનના સાસ્કાટૂન વિસ્તારમાં આવેલી બધિર બાળકોની સ્કૂલમાં મને મૂક્યો. એ સ્કૂલ મારા ઘરથી ઘણી દૂર હતી એટલે ફક્ત રજાઓમાં કે ઉનાળામાં જ તેઓને મળવા જઈ શકતો. હું ફક્ત પાંચ વર્ષનો હતો, એટલે ઘરથી દૂર રહેવામાં મને ખૂબ ડર લાગતો. ધીરે ધીરે હું સાઇન લેંગ્વેજ શીખી ગયો. બીજા બાળકો જોડે રમવાની મને ખૂબ મજા આવતી.

બાઇબલ સત્ય શીખ્યો

૧૯૩૯માં મારી મોટી બહેન મારિઓનના લગ્ન બીલ ડેનિલચક સાથે થયા. તેઓ મારી અને નાની બહેન ફ્રાન્સિસની સંભાળ રાખવા લાગ્યા. મારા કુટુંબમાં સૌથી પહેલા તેઓએ સાક્ષીઓ જોડે અભ્યાસ કર્યો. ઉનાળાની રજાઓમાં હું ઘરે આવતો ત્યારે મને બાઇબલમાંથી શીખવવા તેઓ ઘણી મહેનત કરતા. તેઓ જે શીખતા એ મને શીખવતા. તેઓને સાઇન લેંગ્વેજ ન આવડતી, એટલે તેઓ સાથે વાત કરવામાં અગવડ પડતી. પણ તેઓ જોઈ શકતા કે યહોવા વિશે હું જે શીખી રહ્યો છું, એ મને ખૂબ ગમે છે. મને એટલો તો ખ્યાલ આવી ગયો હતો કે, તેઓ જે કંઈ કરે છે એ વિશે બાઇબલમાં કંઈક તો લખ્યું હશે. એટલે હું તેઓ સાથે પ્રચારમાં જવા લાગ્યો. મને ઇચ્છા હતી કે હું જલદીથી બાપ્તિસ્મા લઉં. સપ્ટેમ્બર ૫, ૧૯૪૧ના રોજ મેં બાપ્તિસ્મા લીધું. એક સ્ટીલની ટાંકીમાં બીલે મને બાપ્તિસ્મા આપ્યું. એ પાણી ખૂબ ઠંડું હતું, બરફ જેવું ઠંડું!

૧૯૪૬માં ઓહાયોના ક્લીવલૅન્ડમાં યોજાયેલા સંમેલન વખતે, બધિર લોકોના સમૂહ સાથે

૧૯૪૬ના ઉનાળામાં હું ઘરે આવ્યો ત્યારે, અમે અમેરિકાના ક્લીવલૅન્ડ, ઓહાયોમાં યોજાયેલા એક સંમેલનમાં ગયા. પહેલા દિવસે મારી બહેન કાર્યક્રમની નોંધ લેતી ગઈ, જેથી હું એ સમજી શકું. બીજા દિવસે મને જાણવા મળ્યું કે ત્યાં બધિર ભાઈ-બહેનોનો સમૂહ છે, અને સાઇન લેંગ્વેજ અનુવાદક પણ છે. એ જાણીને મારી ખુશીનો પાર ન રહ્યો! છેવટે, હું કાર્યક્રમનો ખરેખરો આનંદ માણી શક્યો. આખરે મને બાઇબલ સત્ય સ્પષ્ટતાથી સમજાયું, એ અદ્ભુત હતું!

બીજાઓને સત્ય શીખવ્યું

એ સમયે, બીજું વિશ્વયુદ્ધ હજી પૂરું જ થયું હતું. લોકો બતાવવા માંગતા હતા કે તેઓ પોતાના વતનને વફાદાર છે. સંમેલન પછી જ્યારે હું પાછો સ્કૂલે ગયો ત્યારે મેં યહોવાને વફાદાર રહેવાનો નિર્ણય લીધો. મેં ધ્વજવંદન, રાષ્ટ્રગીત અને તહેવારોમાં ભાગ લેવાનું બંધ કરી દીધું. બીજા બાળકો ચર્ચમાં જતાં, પણ હું ન જતો. સ્કૂલના કર્મચારીઓ નારાજ થયા અને મને સતાવવા લાગ્યા. મારો નિર્ણય બદલવા તેઓએ જૂઠનો સહારો લીધો. એ જોઈને બીજા વિદ્યાર્થીઓ હચમચી ગયા.પણ, તેઓને સાક્ષી આપવાની મને ઘણી સારી તક મળી. સ્કૂલમાં ભણતાં અમુક બાળકો, જેમ કે, લેરી એન્ડ્રોસોફ, નોર્મન ડીટ્રીક અને ઇમીલ સ્ક્‌નાઇડરે સમય જતાં સત્ય સ્વીકાર્યું. તેઓ આજે પણ યહોવાની સેવામાં લાગુ છે.

હું બીજા શહેરોમાં જતો ત્યારે બધિર લોકોને ખુશખબર જણાવવા ખાસ પ્રયત્ન કરતો. દાખલા તરીકે, મૉંટ્રિઑલમાં હું એવી જગ્યાએ ગયો જ્યાં બધિર સમાજ ભેગું થતું. ત્યાં મેં ઍડી ટાઇગર નામના યુવકને સાક્ષી આપી. તે ગુંડાઓની એક ટોળકીનો સભ્ય હતો. ગયા વર્ષે તે મરણ પામ્યો ત્યાં સુધી તેણે ક્વિબેકના લવાલમાં એક સાઇન લેંગ્વેજ મંડળમાં સેવા આપી. હું જુઆન આર્ડનેઝ નામના એક યુવકને પણ મળ્યો. તે પ્રથમ સદીના બેરીઆ મંડળના ભાઈઓ જેવો હતો, જે કંઈ શીખતો એના પર સંશોધન કરીને ખાતરી કરતો કે એ બાઇબલ આધારિત છે કે કેમ. (પ્રે.કા. ૧૭:૧૦, ૧૧) તેણે પણ સત્ય સ્વીકાર્યું અને મરણપર્યંત ઑન્ટેરીઓના ઓટાવાના મંડળમાં વડીલ તરીકે સેવા આપતો રહ્યો.

૧૯૫૦ના દાયકાની શરૂઆતમાં જાહેરમાં પ્રચાર કરતી વખતે

૧૯૫૦માં, હું વાનકુંવર ગયો. મને બધિર લોકોને પ્રચાર કરવું ખૂબ ગમતું. પણ જાહેરમાં પ્રચાર કરતી વખતે થયેલો એક અનુભવ હું ક્યારેય નહિ ભૂલું. ક્રીસ સ્પાઇસર નામની એક સ્ત્રીને મેં ખુશખબર જણાવી. તેણે મૅગેઝિનનું લવાજમ ભર્યું. તે ચાહતી હતી કે હું તેના પતિ ગેરીને મળું. હું તેઓના ઘરે ગયો. કાગળ પર લખી-લખીને અમે ઘણી વાતો કરી. ત્યાર બાદ કેટલાક વર્ષો સુધી અમે મળી ન શક્યા. પછી, ઑન્ટેરીઓના ટોરોંટોમાં યોજાયેલ એક સંમેલનમાં અમે ભેગા થયા. અચાનક તેઓને જોઈને મને નવાઈ લાગી. મને જાણવા મળ્યું કે એ દિવસે ગેરી બાપ્તિસ્મા લેવાના છે. એ અનુભવ પરથી હું જોઈ શક્યો કે લોકોને ખુશખબર જણાવતા રહેવું કેટલું જરૂરી છે. કોણ જાણે ક્યારે સત્ય વ્યક્તિના દિલને સ્પર્શી જાય અને તે સત્ય સ્વીકારે!

પછી હું પાછો સાસ્કાટૂનમાં આવ્યો. ત્યાં હું એક સ્ત્રીને મળ્યો જે ચાહતી કે તેમની જોડકી દીકરીઓ જીન અને જોએન રોથનબર્જર સાથે બાઇબલમાંથી અભ્યાસ ચલાવું. તેઓ બંને બધિર હતી. હું જે સ્કૂલમાં ભણતો હતો, તેઓ ત્યાં જ ભણતી હતી. થોડા જ સમયમાં એ છોકરીઓ શીખેલી વાતો ક્લાસના બીજા વિદ્યાર્થીઓને જણાવવા લાગી. તેના ક્લાસના પાંચ બાળકો યહોવાના સાક્ષી બન્યા. તેઓમાંની એક યુનીસ કોલીન હતી. હું સ્કૂલના છેલ્લા વર્ષમાં હતો ત્યારે હું યુનીસને મળ્યો હતો. તેણે મને એક ચોકલેટ આપીને કહ્યું હતું, ‘શું આપણે દોસ્ત બની શકીએ?’ પછીથી, તે મારા જીવનનો મહત્ત્વનો હિસ્સો બની, તે મારી જીવનસંગિની, મારી અર્ધાંગિની બની!

૧૯૬૦ અને ૧૯૮૯માં, યુનીસ સાથે

યુનીસની મમ્મીને ખબર પડી કે તે બાઇબલ અભ્યાસ કરી રહી છે ત્યારે તેમણે સ્કૂલના આચાર્યને એનો બાઇબલ અભ્યાસ બંધ કરાવવા મનાવી લીધા. આચર્યે કોશીશ કરી અને તેનું સાહિત્ય જપ્ત કરી લીધું, પણ યુનીસ યહોવાને વફાદાર રહેવા મક્કમ હતી. તેણે બાપ્તિસ્મા લેવાની ઇચ્છા જાહેર કરી ત્યારે તેના માતા-પિતા કહ્યું: ‘યહોવાની સાક્ષી બનવું હોય તો બન, પણ પછી આ ઘરમાં ક્યારેય પગ ન મૂકતી!’ યુનીસ ૧૭ વર્ષની હતી ત્યારે તે પોતાનું ઘર છોડીને એક સાક્ષી કુટુંબ સાથે રહેવા લાગી. તેણે અભ્યાસ ચાલુ રાખ્યો અને બાપ્તિસ્મા લીધું. ૧૯૬૦માં અમારા લગ્ન થયા, પણ તેનાં માતા-પિતા આવ્યાં નહિ. જોકે, વર્ષો વીત્યાં તેમ તેઓ જોઈ શક્યાં કે અમે સિદ્ધાંતો પ્રમાણે જીવીએ છીએ અને બાળકોનો સારો ઉછેર કર્યો છે. એ જોઈને તેઓ અમને માનની નજરે જોવાં લાગ્યાં.

યહોવાએ અમારી કાળજી લીધી

નિકોલસ અને તેની પત્ની ડબોરાહ, લંડન બેથેલમાં સેવા આપે છે

હું અને યુનીસ સાંભળી ન શકતાં. એટલે, બોલી-સાંભળી શકતા અમારા ૭ દીકરાઓનો ઉછેર કરવો મોટો પડકાર હતો. અમે ખાતરી કરી કે તેઓ સાઇન લેંગ્વેજ શીખે જેથી અમે તેઓ સાથે વાત કરી શકીએ અને સત્ય શીખવી શકીએ. મંડળનાં ભાઈ-બહેનોએ અમને ઘણી મદદ કરી. દાખલા તરીકે, એક યુગલે અમને જણાવ્યું કે અમારો એક દીકરો સભાઘરમાં અપશબ્દો બોલે છે. અમે તરત જ સંજોગને હાથ ધર્યો. આજે, અમારા ચાર દીકરાઓ જેમ્સ, જૅરી, નિકોલસ અને સ્ટીવન વડીલ છે અને તેઓ સહકુટુંબ વફાદારીથી યહોવાની સેવા કરે છે. નિકોલસ અને તેની પત્ની ડબોરાહ બ્રિટનની શાખા કચેરીમાં સાઇન લેંગ્વેજ ભાષાંતરમાં મદદ કરે છે. સ્ટીવન અને તેની પત્ની શેનન અમેરિકાની શાખા કચેરીમાં સાઇન લેંગ્વેજ ભાષાંતર ટીમનો ભાગ છે.

જેમ્સ, જૅરી અને સ્ટીવન તેઓની પત્ની સાથે સાઇન લેંગ્વેજમાં પ્રચાર કરવા અલગ અલગ રીતે ટેકો આપે છે

અફસોસ કે ૪૦મી લગ્નતિથિના એક જ મહિના પહેલાં કેન્સરના લીધે યુનીસનું અવસાન થયું. એ બીમારી દરમિયાન સજીવન થવાની આશાએ તેને મક્કમ રાખી. હું એ દિવસની આતુરતાથી રાહ જોઉં છું જ્યારે હું તેને પાછો મળીશ.

ફેય અને જેમ્સ, જૅરી અને એવલીન, શેનન અને સ્ટીવન

ફેબ્રુઆરી ૨૦૧૨માં પડી જવાને લીધે મારા થાપાનું હાડકું ભાંગી ગયું. મને ખ્યાલ આવી ગયો કે હવે મારે સહારાની જરૂર છે, એટલે હું મારા એક દીકરાના કુટુંબ સાથે રહેવા લાગ્યો. આજે હું કાલગરી સાઇન લેંગ્વેજ મંડળનો ભાગ છું અને વડીલ તરીકે સેવા આપું છું. હકીકતમાં, હું પહેલી વાર કોઈ સાઇન લેંગ્વેજ મંડળનો ભાગ બન્યો છું! તો વર્ષો સુધી અંગ્રેજી ભાષાના મંડળમાં હું કઈ રીતે શ્રદ્ધા જાળવી રાખી શક્યો? યહોવાની મદદથી. અનાથોની કાળજી રાખવાનું તેમનું વચન તેમણે પાળ્યું છે. (ગીત. ૧૦:૧૪) હું એ દરેક વ્યક્તિનો આભાર માનું છું જેમણે મારા માટે નોંધ લખી, સાઇન લેંગ્વેજ શીખી અને ભાષાંતર કર્યું.

૭૯ વર્ષની ઉંમરે સાઇન લેંગ્વેજમાં પાયોનિયર સ્કૂલ વખતે

એવો સમય પણ હતો જ્યારે મને સમજાતું નહિ કે શું કહેવામાં આવી રહ્યું છે. મને લાગતું કે, બધિર વ્યક્તિને કઈ રીતે મદદ આપવી એની લોકોને ખબર જ નથી. ઘણી વાર ગુસ્સો આવતો, અકળામણ થતી અને બધું ત્યજી દેવાનું મન થતું. પણ એવા સમયે હું પીતરે ઈસુને કહેલા આ શબ્દો યાદ કરતો: “પ્રભુ, અમે કોની પાસે જઈએ? હંમેશ માટેના જીવનની વાતો તો તમારી પાસે છે.” (યોહા. ૬:૬૬-૬૮) અનેક બધિર ભાઈ-બહેનો વર્ષોથી સત્યમાં ટકી રહ્યાં છે. તેઓની જેમ હું પણ ધીરજ ધરતા શીખ્યો છું. યહોવા પર અને તેમના સંગઠન પર ભરોસો કરતા શીખ્યો છું અને એનાથી મને ઘણા ફાયદા થયા છે. આજે મારી ભાષામાં ઘણું સાહિત્ય પ્રાપ્ય છે અને હું ખુશ છું કે, હું અમેરિકન સાઇન લેંગ્વેજની સભાઓ અને સંમેલનોમાં જઈ શકું છું. સાચે, આપણા મહાન ઈશ્વર યહોવાની સેવામાં મને ખુશહાલ અને સંતોષભર્યું જીવન મળ્યું છે!