સ્કીપ ટુ કન્ટેન્ટ

યહોવાના સાક્ષીઓ કેમ અમુક તહેવારો ઊજવતા નથી?

યહોવાના સાક્ષીઓ કેમ અમુક તહેવારો ઊજવતા નથી?

 યહોવાના સાક્ષીઓ કઈ રીતે નક્કી કરે છે કે કોઈ તહેવાર ઊજવવો કે નહિ?

 કોઈ તહેવાર ઊજવવો કે નહિ એ નક્કી કરતા પહેલાં યહોવાના સાક્ષીઓ બાઇબલનું માર્ગદર્શન શોધે છે. અમુક તહેવારો અને ઉજવણીઓ સીધેસીધી રીતે બાઇબલનો નિયમ તોડે છે. એ કિસ્સામાં યહોવાના સાક્ષીઓ એમાં ભાગ નથી લેતા. બીજી ઉજવણીઓ વિશે દરેક સાક્ષી પોતે નિર્ણય લે છે, પણ “ઈશ્વર અને માણસો આગળ શુદ્ધ મન રાખવા” તે પૂરી કોશિશ કરે છે.—પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૬.

 કોઈ તહેવાર ઊજવવો કે નહિ એ નક્કી કરવા યહોવાના સાક્ષીઓ આવા સવાલો પર વિચાર કરે છે: a

  •   શું એ તહેવાર બાઇબલના શિક્ષણ વિરુદ્ધ છે?

     બાઇબલ સિદ્ધાંત: “‘તેઓ વચ્ચેથી બહાર નીકળી આવો અને પોતાને અલગ કરો,’ યહોવા કહે છે, ‘અશુદ્ધ વસ્તુને અડકતા નહિ.’”—૨ કોરીંથીઓ ૬:૧૫-૧૭.

     યહોવાના સાક્ષીઓ એવા શિક્ષણથી દૂર રહે છે, જે બાઇબલના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. તેઓ એવા તહેવારો નથી ઊજવતા, જે નીચે આપેલા શિક્ષણ આધારિત છે.

     દેવ-દેવીઓની ભક્તિ અથવા તેઓ પરની શ્રદ્ધાને આધારિત તહેવારો. ઈસુએ કહ્યું હતું: “તું ફક્ત તારા ઈશ્વર યહોવાની ભક્તિ કર અને તેમની એકલાની જ પવિત્ર સેવા કર.” (માથ્થી ૪:૧૦) એ સલાહ પાળીને યહોવાના સાક્ષીઓ નાતાલ, ઈસ્ટર અને મે દિવસ b ઊજવતા નથી. કેમ કે આ તહેવારોમાં યહોવાને બદલે બીજાં દેવ-દેવીઓની ભક્તિ થાય છે. એ ઉપરાંત, તેઓ નીચે આપેલાં તહેવારો અને ઉજવણીઓમાં ભાગ નથી લેતા:

    •  ક્વાન્ઝા. આ નામ “સ્વાહિલી ભાષાના શબ્દો મટુન્ડા યા ક્વાન્ઝા પરથી આવ્યું છે, જેનો અર્થ થાય ‘પ્રથમ ફળ.’ આફ્રિકાના ઇતિહાસ પ્રમાણે આ તહેવારની શરૂઆત પ્રથમ કાપણીના તહેવારથી થઈ છે.” (ઍન્સાઇક્લોપીડિયા ઑફ બ્લેક સ્ટડીઝ) ઘણા લોકોને લાગે છે કે ક્વાન્ઝા ધાર્મિક તહેવાર નથી. પણ ઍન્સાઇક્લોપીડિયા ઑફ આફ્રિકન રિલિજન આ તહેવારને આફ્રિકાના કાપણીના તહેવાર સાથે સરખાવે છે. આ તહેવારની ઉજવણીમાં લોકો દેવોનો અને પૂર્વજોનો આભાર માનવા તેઓને ભોગ ચઢાવે છે. એવી જ રીતે, આફ્રિકન-અમેરિકન લોકો ક્વાન્ઝા તહેવાર ઊજવે છે, જેથી પૂર્વજો દ્વારા જીવનમાં મળેલા આશીર્વાદો માટે તેઓનો આભાર માની શકે.

      ક્વાન્ઝા

    •  મધ્ય-પાનખરનો તહેવાર. આ તહેવાર સપ્ટેમ્બર અથવા ઑક્ટોબરમાં “ચંદ્ર દેવીના માનમાં ઊજવવામાં આવે છે.” (હોલીડેઝ, ફેસ્ટિવલ્સ, એન્ડ સેલિબ્રેશન્સ ઑફ ધ વર્લ્ડ ડિક્શનરી) આ તહેવારની એક વિધિ પ્રમાણે “ઘરની સ્ત્રીઓ ચંદ્ર દેવી આગળ માથું નમાવે છે, જેને ચીની ભાષામાં કાઉટાઉ કહે છે.”—રિલિજન્સ ઑફ ધ વર્લ્ડ—એ કોમ્પ્રીહેન્સિવ ઍન્સાઇક્લોપીડિયા ઑફ બિલિફ્સ એન્ડ પ્રૅક્ટિસીસ.

    •  નવરોઝ. ‘એ જરથોસ્તી ધર્મનો (ઈરાનના ધર્મનો) તહેવાર છે. પ્રાચીન ઈરાનના કેલેન્ડર પ્રમાણે એ સૌથી પવિત્ર દિવસ છે. ઈરાનની પરંપરા પ્રમાણે નવરોઝના દિવસે બપોરે લોકો ખુશીથી બપોરના દેવનું (રાપીથ્વીન) સ્વાગત કરે છે. ઠંડીના મહિનાઓમાં શિયાળાનો દેવ રાપીથ્વીનને જમીનની નીચે જતા રહેવા મજબૂર કરે છે.’—યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન.

    •  શબ-એ યાલ્ડા. આ ઉજવણી ડિસેમ્બરમાં વર્ષના સૌથી ટૂંકા દિવસે ઊજવવામાં આવે છે. c એક પુસ્તક પ્રમાણે આ તહેવાર “મિથ્રા દેવની ભક્તિ સાથે જોડાયેલો છે,” જે પ્રકાશનો દેવ છે. (સૂફીઝમ ઈન ધ સિક્રેટ હિસ્ટ્રી ઑફ પર્શિયા) એવું પણ માનવામાં આવે છે કે આ ઉજવણી રોમ અને ગ્રીકના સૂર્યના દેવોની ભક્તિ સાથે જોડાયેલી છે.

    •  આભાર માનવાનો દિવસ. ક્વાન્ઝીની જેમ આ દિવસની ઉજવણીની શરૂઆત જૂના જમાનાના કાપણીના તહેવારથી થઈ છે, જે અલગ અલગ દેવોના માનમાં ઊજવવામાં આવતો. સમય જતાં, “ચર્ચોએ આ જૂના રીતરિવાજો અપનાવી લીધા.”—એ ગ્રેટ એન્ડ ગૉડલી ઍડ્‌વૅન્ચર—ધ પિલગ્રીમ્સ એન્ડ ધ મીથ ઑફ ધ ફર્સ્ટ થૅન્ક્સગિવીંગ.

     અંધશ્રદ્ધા અથવા નસીબની માન્યતાને આધારિત તહેવારો. બાઇબલમાં લખ્યું છે કે જેઓ ‘શુકનના દેવ આગળ ખાવાનું ધરે છે,’ તેઓ “યહોવાને છોડી દેનારા” છે. (યશાયા ૬૫:૧૧) એટલે યહોવાના સાક્ષીઓ નીચે આપેલા તહેવારો ઊજવતા નથી:

    •  ઇવાન કુપાલા. એક પુસ્તક (ધી એ ટુ ઝેડ ઑફ બેલારુસ) પ્રમાણે “ઘણા લોકો માને છે કે આ [ઇવાન કુપાલા] દરમિયાન કુદરત પાસે જાદુઈ શક્તિ હોય છે, જેને બહાદુરી અને નસીબથી મેળવી શકાય છે.” શરૂઆતમાં આ તહેવાર ખ્રિસ્તી ન હોય એવા લોકો ઉનાળાના સૌથી લાંબા દિવસે ઊજવતા હતા. પણ ઍન્સાઇક્લોપીડિયા ઑફ કન્ટેમ્પરરી રશિયન કલ્ચરમાં જણાવ્યા પ્રમાણે જ્યારે એ તહેવાર ઊજવતા લોકોએ “ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો, ત્યારે એને ચર્ચમાં ઊજવાતા તહેવાર [બાપ્તિસ્મા આપનાર યોહાનના “સંતનો દિવસ”] સાથે જોડી દીધો.”

    •  નવું ચંદ્ર વર્ષ (ચાઇનીઝ નવું વર્ષ અથવા કોરિયન નવું વર્ષ). “ખાસ કરીને વર્ષના આ સમયગાળામાં કુટુંબીજનો, મિત્રો અને સગાઓ એ વાતની ખાતરી કરતા હોય છે કે નવું વર્ષ તેઓનું નસીબ ઉઘાડે તેમજ તેઓ દેવતાઓ અને આત્માઓને માન આપે છે અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે.” (મૂનકેક્સ એન્ડ હન્ગ્રી ઘોસ્ટ્‌સ—ફેસ્ટિવલ્સ ઑફ ચાઇના) એવી જ રીતે, કોરિયાના લોકો નવું વર્ષ ઊજવે ત્યારે “પૂર્વજોની ભક્તિ કરે છે, ખરાબ આત્માઓને ભગાડવા વિધિઓ કરે છે, નવા વર્ષમાં નસીબ ઊઘડે એવી મનોકામના રાખે છે અને જાદુવિદ્યાથી જાણવાની કોશિશ કરે છે કે નવા વર્ષમાં શું શું થશે.”—ઍન્સાઇક્લોપીડિયા ઑફ ન્યૂ યર્સ હૉલિડેઝ વર્લ્ડવાઇડ.

      ચાઇનીઝ નવું વર્ષ

     અમર આત્માની માન્યતાને આધારિત તહેવારો. ઘણા ધર્મો શીખવે છે કે આપણામાં આત્મા છે, જે મરણ પછી પણ જીવતો રહે છે. પણ બાઇબલ એવું નથી શીખવતું. બાઇબલ તો શીખવે છે કે જ્યારે એક વ્યક્તિનું મરણ થાય છે, ત્યારે તેના વિચારો અને લાગણીઓનો પૂરી રીતે અંત આવે છે અને એ વ્યક્તિ ધૂળમાં ભળી જાય છે. (સભાશિક્ષક ૯:૫, ૧૦; ગીતશાસ્ત્ર ૧૪૬:૪) એટલે યહોવાના સાક્ષીઓ નીચે આપેલા તહેવારો નથી ઊજવતા, જે અમર આત્માની માન્યતાને ટેકો આપે છે:

    •  આત્માઓનો દિવસ (મૂએલાઓનો દિવસ). આ દિવસે લોકો કબર પર મીણબત્તી સળગાવે છે અને ગુજરી ગયેલાઓ માટે પ્રાર્થના કરે છે. ન્યૂ કૅથલિક ઍન્સાઇક્લોપીડિયા પ્રમાણે “આ દિવસ ગુજરી ગયેલા લોકોની યાદમાં મનાવવામાં આવે છે. ઈસવીસન ૫૦૦થી લઈને ૧૫૦૦ સુધીના સમયગાળામાં એવું માનવામાં આવતું કે જે આત્માઓને સ્વર્ગ મોકલતા પહેલાં પાપથી શુદ્ધ કરવામાં આવે છે, તે આ દિવસે ભૂત, ડાકણો, દેડકા, વગેરેનું રૂપ લે છે અને એવા લોકોને દેખાય છે જેઓએ તેઓને હેરાન કર્યા હતા.”

    •  ચુસોક. કોરિયન ટ્રેડિશન ઑફ રિલિજન, સોસાયટી, એન્ડ એથિક્સમાં જણાવ્યું છે કે “આ તહેવાર દરમિયાન આત્માઓને ખાવાનું અને દ્રાક્ષદારૂ ચઢાવવામાં આવે છે.” એ બધું એ વિશ્વાસથી ચઢાવવામાં આવે છે કે “શરીરના મરણ પછી પણ આત્મા જીવતો રહે.”

     મેલીવિદ્યા સાથે જોડાયેલા તહેવારો. બાઇબલમાં લખ્યું છે: ‘તમારી વચ્ચે એવો કોઈ પણ માણસ હોવો ન જોઈએ, જે જોષ જોતો હોય, જાદુવિદ્યા કરતો હોય, શુકન જોતો હોય, જાદુટોણાં કરતો હોય, જંતરમંતરથી વશીકરણ કરતો હોય, ભવિષ્ય ભાખનારની કે મરેલી વ્યક્તિ સાથે વાત કરતા ભૂવાની સલાહ લેતો હોય અથવા મરેલી વ્યક્તિ સાથે વાત કરતો હોય. કેમ કે તેને યહોવા ધિક્કારે છે.’ (પુનર્નિયમ ૧૮:૧૦-૧૨) દરેક પ્રકારની મેલીવિદ્યા અને જ્યોતિષવિદ્યાથી (એક પ્રકારના જોષ જોવા) દૂર રહેવા યહોવાના સાક્ષીઓ હેલોવિન કે નીચે આપેલા તહેવારો ઊજવતા નથી:

    •  સિંહાલા નવું વર્ષ અને તામિલ નવું વર્ષ. ‘આ દિવસે જ્યોતિષે નક્કી કરેલા મુહૂર્ત પ્રમાણે ખાસ કામ કરવામાં આવે છે.’—ઍન્સાઇક્લોપીડિયા ઑફ શ્રીલંકા.

    •  સોનક્રાન. એશિયાના આ તહેવારનું નામ ‘સંસ્કૃત ભાષાના શબ્દોમાંથી આવ્યું છે જેનો અર્થ થાય “હલવું” અથવા “ફેરફાર.” આ તહેવાર એ સમયે મનાવવામાં આવે છે જ્યારે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશે છે.’—ફૂડ, ફિસ્ટ્‌સ, એન્ડ ફેઇથ—ઍન ઍન્સાઇક્લોપીડિયા ઑફ ફૂડ કલ્ચર ઇન વર્લ્ડ રિલિજન્સ.

     એવી ઉજવણીઓ જે મૂસાના નિયમશાસ્ત્ર આધારિત છે, પણ ઈસુના બલિદાનથી એ નિયમશાસ્ત્ર રદ થયું છે. બાઇબલમાં લખ્યું છે: “ખ્રિસ્ત તો નિયમશાસ્ત્રનો અંત લાવ્યા.” (રોમનો ૧૦:૪) જૂના જમાનામાં ઇઝરાયેલીઓને મૂસા દ્વારા જે નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું હતું એના સિદ્ધાંતોથી આજે ઈશ્વરભક્તોને ફાયદો થાય છે. પણ તેઓ એના તહેવારો નથી ઊજવતા, ખાસ કરીને એ તહેવારો જે મસીહના આવવા તરફ ઇશારો કરતા હતા. કેમ કે ઈશ્વરભક્તો માને છે કે મસીહ આવી ચૂક્યા છે. બાઇબલમાં લખ્યું છે: “એ બધું તો આવનાર બાબતોનો પડછાયો છે, પણ હકીકત તો ખ્રિસ્ત છે.” (કોલોસીઓ ૨:૧૭) યહોવાના સાક્ષીઓ એ વાત ધ્યાનમાં રાખે છે કે એ તહેવારોનો હેતુ પૂરો થઈ ગયો છે અને એમાં એવા રીતરિવાજો આવી ગયા છે જે બાઇબલ શિક્ષણની વિરુદ્ધ છે. એમાંના અમુક તહેવારો વિશે નીચે જણાવ્યું છે:

    •  હનુક્કાહ. આ તહેવાર યરૂશાલેમમાં આવેલા યહૂદીઓના મંદિરનું ફરી સમર્પણ કરવામાં આવ્યું એની યાદમાં ઊજવવામાં આવે છે. પણ બાઇબલમાં જણાવ્યું છે કે, ઈસુ એ મંડપના પ્રમુખ યાજક બન્યા “જે વધારે મહત્ત્વનો અને વધારે સંપૂર્ણ છે. એ મંડપ [અથવા, મંદિર] માણસોના હાથે બનેલો નથી, એટલે કે આ દુનિયાનો નથી.” (હિબ્રૂઓ ૯:૧૧) ઈશ્વરભક્તો માને છે કે યહોવાના આ ભવ્ય મંદિરના કારણે યરૂશાલેમના મંદિરનું કોઈ મહત્ત્વ નથી.

    •  રોશ હશાનાહ. આ યહૂદી વર્ષનો પહેલો દિવસ છે. જૂના જમાનામાં આ તહેવારના દિવસે ઈશ્વરને ખાસ બલિદાનો ચઢાવવામાં આવતાં હતાં. (ગણના ૨૯:૧-૬) પણ ઈસુ ખ્રિસ્ત મસીહ તરીકે આવ્યા ત્યારે, તેમણે ‘બલિદાન અને ભેટ-અર્પણ બંધ કરાવ્યાં.’ (દાનિયેલ ૯:૨૬, ૨૭) એટલે ઈશ્વરની નજરે એ બલિદાનોની જરૂર રહી નથી.

  •   શું એ તહેવાર બીજા ધર્મો સાથે મળીને ભક્તિ કરવાનું ઉત્તેજન આપે છે?

     બાઇબલ સિદ્ધાંત: “શ્રદ્ધા રાખનાર અને શ્રદ્ધા ન રાખનાર વચ્ચે શું સરખાપણું? ઈશ્વરના મંદિરને મૂર્તિઓ સાથે શું સંબંધ?”—૨ કોરીંથીઓ ૬:૧૫-૧૭.

     યહોવાના સાક્ષીઓ બીજા લોકો સાથે શાંતિથી રહેવાની કોશિશ કરે છે. તેઓ એ પણ માને છે કે દરેક વ્યક્તિ પોતે નક્કી કરી શકે છે કે તે કયો ધર્મ પાળશે. પણ તેઓ બીજા ધર્મો સાથે મળીને ભક્તિ નથી કરતા. એટલે તેઓ એવા તહેવારો નથી ઊજવતા, જેમાં બીજા ધર્મો સાથે મળીને ભક્તિ કરવાનું ઉત્તેજન આપવામાં આવતું હોય. એમાંની અમુક રીતો છે:

     કોઈ ધાર્મિક વ્યક્તિ અથવા ઘટના સાથે જોડાયેલી ઉજવણી જેમાં બીજા ધર્મો સાથે મળીને ભક્તિ કરવાનું ઉત્તેજન આપવામાં આવતું હોય. જૂના જમાનામાં જ્યારે ઈશ્વર પોતાના લોકોને એક નવા દેશમાં લઈ ગયા, જ્યાંના રહેવાસીઓ બીજા ધર્મો પાળતા હતા, ત્યારે તેમણે પોતાના લોકોને કહ્યું: “તમે તેઓ સાથે કે તેઓના દેવો સાથે કોઈ કરાર ન કરો. . . . જો તમે તેઓના દેવોની ભક્તિ કરશો, તો એ તમારા માટે ફાંદો બની જશે.” (નિર્ગમન ૨૩:૩૨, ૩૩) એટલે યહોવાના સાક્ષીઓ નીચે જણાવેલા તહેવારો ઊજવતા નથી:

    •  લોય ક્રટોંગ. થાઇલૅન્ડના આ તહેવાર દરમિયાન “લોકો પાંદડાંના વાટકા બનાવે છે. એમાં મીણબત્તી અથવા અગરબત્તી મૂકે છે અને પછી એને પાણીમાં તરતો મૂકી દે છે. એવું કહેવામાં આવે છે કે એ વાટકા અપશુકનને દૂર લઈ જાય છે. હકીકતમાં એ તહેવાર બુદ્ધના પવિત્ર પગલાંની પૂજા કરવા ઊજવાય છે.”—ઍન્સાઇક્લોપીડિયા ઑફ બુદ્ધિઝમ.

    •  રાષ્ટ્રીય પસ્તાવો દિવસ. એક સરકારી અધિકારીએ પાપુઆ ન્યૂ ગિનીના અખબાર ધ નેશનલમાં જણાવ્યું કે આ દિવસ ઊજવતા લોકો “ખ્રિસ્તી ધર્મનું મૂળ શિક્ષણ પાળવા સહમત થાય છે.” તેણે કહ્યું કે એ દિવસે “આખા દેશને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો પ્રમાણે ચાલવા ઉત્તેજન આપવામાં આવે છે.”

    •  વેસાક. “આ બુદ્ધ લોકોનો સૌથી પવિત્ર દિવસ છે. એ બુદ્ધના જન્મદિવસ, તેમની જ્ઞાન-પ્રાપ્તિ અને મરણ અથવા નિર્વાણ (મોક્ષ) મેળવવાની યાદમાં ઊજવવામાં આવે છે.”—હોલીડેઝ, ફેસ્ટિવલ્સ, એન્ડ સેલિબ્રેશન્સ ઑફ ધ વર્લ્ડ ડિક્શનરી.

      વેસાક

     એવા રીતરિવાજો આધારિત તહેવારો જે વિશે બાઇબલ શીખવતું નથી. ઈસુએ ધાર્મિક આગેવાનોને કહ્યું હતું: “તમે તમારા રિવાજોને લીધે ઈશ્વરની આજ્ઞાઓ નકામી બનાવી દીધી છે.” તેમણે એવું પણ કહ્યું કે તેઓની ભક્તિ નકામી છે, કેમ કે “તેઓ માણસોની આજ્ઞાઓ જાણે ઈશ્વરની આજ્ઞાઓ હોય એમ શીખવે છે.” (માથ્થી ૧૫:૬,) યહોવાના સાક્ષીઓ એ ચેતવણીને ધ્યાનમાં રાખે છે અને એવી ધાર્મિક ઉજવણીઓમાં ભાગ નથી લેતા.

    •  કુંવારી મરિયમ સ્વર્ગમાં ગઈ એ દિવસની ઉજવણી. આ ઉજવણી એ માન્યતાને આધારિત છે કે ઈસુની માતા પૃથ્વી પરના શરીર સાથે સ્વર્ગમાં ગઈ હતી. રિલિજન એન્ડ સોસાયટી—ઍન્સાઇક્લોપીડિયા ઑફ ફન્ડામેન્ટલીઝમ પ્રમાણે “શરૂઆતના ખ્રિસ્તીઓ આ માન્યતા વિશે કંઈ જાણતા ન હતા અને બાઇબલમાં પણ એનો કોઈ ઉલ્લેખ નથી.”

    •  મરિયમના પવિત્ર જન્મની ઉજવણી. ‘બાઇબલ એ શીખવતું નથી કે મરિયમ ગર્ભમાં હતી ત્યારથી જ તેનામાં પાપ ન હતું. એ ચર્ચનું શિક્ષણ છે.’—ન્યૂ કૅથલિક ઍન્સાઇક્લોપીડિયા.

    •  પાસ્ખાપર્વ (તપૠતુ). ન્યૂ કૅથલિક ઍન્સાઇક્લોપીડિયા પ્રમાણે પસ્તાવો અને ઉપવાસ કરવાનું આ પર્વ “ચોથી સદીમાં” શરૂ થયું હતું. એટલે કે આખું બાઇબલ લખાયું એનાં ૨૦૦ કરતાં વધારે વર્ષો પછી શરૂ થયું હતું. આ પર્વના પહેલા દિવસ વિશે ઍન્સાઇક્લોપીડિયામાં આમ લખ્યું છે: “ભસ્મ બુધવારે પાદરીઓ ચર્ચના લોકોનાં કપાળ પર રાખથી ક્રોસ બનાવે છે. એ તેઓને યાદ અપાવે છે કે તેઓએ પસ્તાવો કરવાનો છે. આ રિવાજ કૅથલિક ચર્ચે ઈસવીસન ૧૦૯૧માં અપનાવ્યો હતો.”

  •   શું એ તહેવાર કોઈ માણસને, સંગઠનને કે પછી રાષ્ટ્રીય પ્રતીકોને મહિમા આપે છે?

     બાઇબલ સિદ્ધાંત: “યહોવા કહે છે: ‘જે માણસ બીજા માણસો પર ભરોસો રાખે છે, જે માણસોની તાકાત પર આધાર રાખે છે અને જેનું દિલ યહોવાથી દૂર જતું રહ્યું છે, તે માણસ પર શ્રાપ ઊતરી આવે.’”—યર્મિયા ૧૭:૫.

     યહોવાના સાક્ષીઓ લોકોને માન આપે અને તેઓ માટે પ્રાર્થના પણ કરે છે. પણ તેઓ આવા કાર્યક્રમો અથવા ઉજવણીઓમાં ભાગ નથી લેતા:

     કોઈ શાસક અથવા પ્રખ્યાત વ્યક્તિના માનમાં ઊજવાતા તહેવારો. બાઇબલમાં લખ્યું છે: “તમે પોતાના ભલા માટે માણસ પર ભરોસો ન મૂકો. તે તો પોતાના શ્વાસ જેવો કમજોર છે. તો પછી માણસ પર શું કામ ભરોસો મૂકવો?” (યશાયા ૨:૨૨) એટલે યહોવાના સાક્ષીઓ કોઈ શાસકનો જન્મદિવસ નથી ઊજવતા.

     રાષ્ટ્રીય ધ્વજની ઉજવણીઓ. યહોવાના સાક્ષીઓ ધ્વજ દિવસ ઊજવતા નથી. શા માટે? કારણ કે બાઇબલમાં લખ્યું છે: “મૂર્તિઓથી દૂર રહો.” (૧ યોહાન ૫:૨૧) આજે અમુક લોકો ધ્વજને મૂર્તિ અથવા ભક્તિની વસ્તુ નથી ગણતા. પણ કાર્લટન હેઈઝ નામના એક ઇતિહાસકારે લખ્યું: “દેશપ્રેમ અને દેશભક્તિ બતાવવામાં રાષ્ટ્રધ્વજ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે.”

     કોઈ સંતને મહિમા આપવા ઊજવાતા તહેવારો અથવા ઉજવણીઓ. જ્યારે એક ઈશ્વરભક્તે ઘૂંટણિયે પડીને પ્રેરિત પિતરને નમન કર્યું, ત્યારે શું થયું? બાઇબલમાં લખ્યું છે: “પિતરે તેને ઊભો કરતા કહ્યું: ‘ઊભો થા, હું પણ તારી જેમ એક માણસ જ છું.’” (પ્રેરિતોનાં કાર્યો ૧૦:૨૫, ૨૬) પિતર અથવા બીજા કોઈ પણ પ્રેરિતે પોતાની ભક્તિ થવા દીધી નહિ. એટલે યહોવાના સાક્ષીઓ એવી કોઈ ઉજવણીઓમાં ભાગ નથી લેતા, જેમાં કોઈ સંતને માન-મહિમા આપવામાં આવતો હોય. એવી અમુક ઉજવણીઓ નીચે જણાવી છે:

    •  બધા સંતોનો દિવસ. ‘બધા સંતોની યાદમાં આ દિવસ ઊજવવામાં આવે છે. આ તહેવારની શરૂઆત વિશે ચોક્કસ માહિતી નથી.’—ન્યૂ કૅથલિક ઍન્સાઇક્લોપીડિયા.

    •  ગ્વાદલૂપની કુંવારી મરિયમનો તહેવાર (ફિએસ્ટા ઑફ અવર લેડી ઑફ ગ્વાદલૂપ). આ તહેવાર “મેક્સિકોની રક્ષા કરનાર સંત”ના માનમાં ઊજવવામાં આવે છે. અમુક લોકો માને છે કે એ ઈસુની મા મરિયમ છે. એવું કહેવામાં આવે છે કે ૧૫૩૧માં તે ચમત્કારિક રીતે એક ખેતમજૂર આગળ પ્રગટ થઈ હતી.—ધ ગ્રીનવૂડ ઍન્સાઇક્લોપીડિયા ઑફ લૅટિનો લિટરેચર.

      ગ્વાદલૂપની કુંવારી મરિયમનો તહેવાર

    •  નામ દિવસ. એક પુસ્તક પ્રમાણે “જ્યારે કોઈ બાળકનું બાપ્તિસ્મા થાય છે અથવા તે પછીથી ખ્રિસ્તી ધર્મ અપનાવે છે, ત્યારે તેનું નામ કોઈ સંતના નામ પરથી રાખવામાં આવે છે. એને નામ દિવસ કહેવામાં આવે છે.” આ પુસ્તકમાં એમ પણ લખ્યું છે કે “આ દિવસે લોકો ધાર્મિક કામ કરે છે.”—સેલિબ્રેટિંગ લાઇફ કસ્ટમ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ—ફ્રોમ બેબી શાવર્સ ટુ ફ્યૂનરલ્સ.

     રાજકીય અથવા સામાજિક ચળવળને લગતી ઉજવણીઓ. બાઇબલમાં લખ્યું છે: “મનુષ્ય પર ભરોસો રાખવા કરતાં, યહોવામાં આશરો લેવો વધારે સારું છે.” (ગીતશાસ્ત્ર ૧૧૮:૮, ૯) યહોવાના સાક્ષીઓ યુવા દિન અથવા મહિલા દિન ઊજવતા નથી. કેમ કે તેઓ બતાવવા માંગે છે કે આ દુનિયાની મુશ્કેલીઓના ઉકેલ માટે તેઓ માણસો પર નહિ, પણ ઈશ્વર પર ભરોસો રાખે છે. એ જ કારણને લીધે તેઓ મુક્તિ દિવસ કે એના જેવી બીજી ઉજવણીઓમાં જોડાતા નથી. એના બદલે તેઓ ઈશ્વરના રાજ્યની રાહ જુએ છે, જે જાતિવાદ અને એના જેવી મુશ્કેલીઓનો ઉકેલ લાવશે.—રોમનો ૨:૧૧; ૮:૨૧.

  •   શું એ તહેવારમાં કોઈ દેશ અથવા જાતિને બીજા કરતાં મહત્ત્વ અપાય છે?

     બાઇબલ સિદ્ધાંત: “ઈશ્વર પક્ષપાત કરતા નથી. પણ દરેક દેશમાં જે કોઈ તેમનો ડર રાખે છે અને સારાં કામ કરે છે, તેને તે સ્વીકારે છે.”—પ્રેરિતોનાં કાર્યો ૧૦:૩૪, ૩૫.

     યહોવાના સાક્ષીઓને પોતાનો દેશ ગમે છે. પણ તેઓ એવી ઉજવણીઓમાં ભાગ નથી લેતા, જેમાં કોઈ દેશ અથવા જાતિને બીજા કરતાં મહત્ત્વ અપાતું હોય. એવી અમુક ઉજવણીઓ વિશે નીચે જણાવ્યું છે:

     સૈનિકોના માનમાં ઊજવાતા કાર્યક્રમો. યુદ્ધોને ટેકો આપવાને બદલે ઈસુએ તેમના શિષ્યોને કહ્યું: “તમારા દુશ્મનોને પ્રેમ કરતા રહો અને જેઓ તમારી સતાવણી કરે છે, તેઓ માટે પ્રાર્થના કરતા રહો.” (માથ્થી ૫:૪૪) એટલે યહોવાના સાક્ષીઓ એવી ઉજવણીઓમાં ભાગ નથી લેતા જેમાં સૈનિકોનો મહિમા ગાવામાં આવતો હોય. એવા અમુક તહેવારો નીચે આપ્યા છે:

    •  એન્ઝૅક દિવસ. “એન્ઝૅકનો અર્થ થાય, ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલૅન્ડની સેનાની ટુકડી.” તેમ જ, “ધીરે ધીરે એન્ઝૅક દિવસ યુદ્ધમાં માર્યા ગયેલાની યાદમાં ઊજવવામાં આવવા લાગ્યો.”—હિસ્ટોરિકલ ડિક્શનરી ઑફ ઑસ્ટ્રેલિયા.

    •  વેટેરન્સ દિવસ (યાદ કરવાનો દિવસ, યાદ કરવાનો રવિવાર અથવા શહીદોને યાદ કરતો દિવસ). આ દિવસો એ સૈનિકોની યાદમાં ઊજવાય છે, “જેઓએ લશ્કરમાં લાંબો સમય સેવા આપી હતી અને જેઓ દેશ માટે લડતાં લડતાં માર્યા ગયા હતા.”—ઍન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા.

     દેશના ઇતિહાસ અને આઝાદીને લગતી ઉજવણીઓ. ઈસુએ પોતાના શિષ્યો વિશે કહ્યું: “જેમ હું દુનિયાનો નથી, તેમ તેઓ પણ દુનિયાના નથી.” (યોહાન ૧૭:૧૬) યહોવાના સાક્ષીઓને દેશના ઇતિહાસ વિશે જાણવું ગમે છે, પણ તેઓ આવી ઉજવણીઓમાં ભાગ નથી લેતા:

    •  ઑસ્ટ્રેલિયા દિવસ. એક ઍન્સાઇક્લોપીડિયા પ્રમાણે આ દિવસે યાદ કરવામાં આવે છે કે “૧૭૮૮માં અંગ્રેજી સૈનિકોએ પોતાનો ધ્વજ લહેરાવ્યો હતો અને ઑસ્ટ્રેલિયાને નવો દેશ જાહેર કર્યો હતો.”—વર્લ્ડમાર્ક ઍન્સાઇક્લોપીડિયા ઑફ કલ્ચર્સ એન્ડ ડેઇલી લાઇફ.

    •  સ્વતંત્રતા દિવસ. ઘણા દેશોમાં લોકો એ દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે ઊજવે છે, જ્યારે તેઓનો દેશ બીજા દેશથી આઝાદ થયો હતો.

  •   શું આ દિવસે લોકો ખરાબ કામો કરે છે અથવા બેકાબૂ બની જાય છે?

     બાઇબલ સિદ્ધાંત: “દુનિયાના લોકોની ઇચ્છા પ્રમાણે જીવવા તમે જે સમય વિતાવ્યો છે એ પૂરતો છે. એ સમયે તમે બેશરમ કામો, બેકાબૂ વાસના, વધુ પડતો દારૂ, બેફામ મિજબાનીઓ, દારૂની મહેફિલો અને ધિક્કારપાત્ર મૂર્તિપૂજામાં ડૂબેલા હતા.”—૧ પિતર ૪:૩.

     એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને યહોવાના સાક્ષીઓ એવી ઉજવણીઓમાં ભાગ નથી લેતા, જેમાં લોકો દારૂ પીને ચકચૂર થતા હોય અને રંગરેલિયા મનાવતા હોય. યહોવાના સાક્ષીઓને પોતાના મિત્રો સાથે સમય પસાર કરવાનું ગમે છે. એ વખતે તેઓ કદાચ પોતાની હદમાં રહીને દારૂ પીવાનું પસંદ કરે. d તેઓ બાઇબલની આ સલાહ પાળવા પૂરી કોશિશ કરે છે: “તમે ખાઓ કે પીઓ કે બીજું જે કંઈ કરો, બધું ઈશ્વરના મહિમા માટે કરો.”—૧ કોરીંથીઓ ૧૦:૩૧.

     એ કારણને લીધે યહોવાના સાક્ષીઓ એવા મેળા કે તહેવારોમાં ભાગ નથી લેતા જેમાં ખરાબ કામ કરવાનું ઉત્તેજન આપવામાં આવતું હોય. એમાં યહૂદી તહેવાર પૂરીમનો પણ સમાવેશ થાય છે. પૂરીમ ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં યહૂદીઓને મળેલા છુટકારાને યાદ કરવા ઊજવવામાં આવતો હતો. પણ એસેનશ્યિલ જૂડેઇઝમ નામના પુસ્તક પ્રમાણે “એ તહેવાર માર્ડી ગ્રાસ કાર્નિવલ (ખ્રિસ્તીઓનો તહેવાર) જેવો જ બની ગયો છે.” આ તહેવારમાં ભાગ લેતા લોકો “વિચિત્ર કપડાં પહેરે છે (મોટા ભાગે પુરુષો સ્ત્રીઓનાં કપડાં પહેરે છે), હિંસક રીતે વર્તે છે, વધુ પડતો દારૂ પીએ છે અને શોરબકોર કરે છે.”

 ભલે યહોવાના સાક્ષીઓ તહેવારો નથી ઊજવતા, પણ શું તેઓ હજી પોતાના કુટુંબને પ્રેમ કરે છે?

 હા. બાઇબલ લોકોને શીખવે છે કે તેઓ પોતાના કુટુંબીજનોને પ્રેમ કરે અને તેઓને માન આપે, પછી ભલેને તેઓની ધાર્મિક માન્યતાઓ અલગ હોય. (૧ પિતર ૩:૧, ૨,) ખરું કે, જ્યારે એક યહોવાનો સાક્ષી તહેવારો ઊજવવાનું બંધ કરે છે, ત્યારે કદાચ અમુક સગા-વહાલાઓ નારાજ થઈ જાય અથવા તેઓને દુઃખ પહોંચે. કદાચ તેઓને એવું પણ લાગે કે તેઓને તરછોડી દેવામાં આવ્યા છે. એટલે ઘણા સાક્ષીઓ કુટુંબીજનોને ખાતરી કરાવે છે કે તે તેઓને ખૂબ પ્રેમ કરે છે. તેઓ સમજી-વિચારીને જણાવે છે કે પોતે તહેવાર કેમ નથી ઊજવતા. એટલું જ નહિ, તેઓ બીજા પ્રસંગોએ સગાં-વહાલાંને મળવા જાય છે.

 શું યહોવાના સાક્ષીઓ બીજાઓને તહેવારો ઊજવવાની ના પાડે છે?

 ના. તેઓ માને કે દરેક વ્યક્તિએ પોતે નિર્ણય લેવાનો છે. (યહોશુઆ ૨૪:૧૫) ભલે લોકોની ધાર્મિક માન્યતાઓ અલગ અલગ હોય, પણ યહોવાના સાક્ષીઓ “દરેક પ્રકારના માણસોને માન” આપે છે.—૧ પિતર ૨:૧૭.

a આ લેખમાં એ બધા જ તહેવારો વિશે નથી જણાવ્યું, જે યહોવાના સાક્ષીઓ નથી ઊજવતા. તેમ જ, લાગુ પડતા બાઇબલના બધા જ સિદ્ધાંતો વિશે પણ આ લેખમાં નથી જણાવ્યું.

b દુનિયાના અમુક ભાગમાં “મે દિવસ”ને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે ઓળખવામાં આવે છે. પણ આ તહેવારનાં મૂળિયાં પ્રાચીન રોમમાં જાય છે. આ દિવસ વિશે વધારે જાણવા સજાગ બનો! (અંગ્રેજી) એપ્રિલ ૨૨, ૨૦૦૫, પાનાં ૧૨-૧૪ પર આપેલો આ લેખ જુઓ: “મે દિવસ—તમારા માટે એનો અર્થ શું થાય?

c કે. ઈ. એડુલ્જી દ્વારા લખાયેલ મિથ્રા, મિથ્રાઇઝમ, ક્રિસમસ ડે એન્ડ યાલ્ડા, પાનાં ૩૧-૩૩.

d અમુક જગ્યાએ દારૂ પીવા પર સરકારનો પ્રતિબંધ હોય છે. એવા કિસ્સામાં ઈશ્વરભક્તો એ નિયમને માન આપશે અને પાળશે.