સ્કીપ ટુ કન્ટેન્ટ

શું યહોવાના સાક્ષીઓ એવા લોકો સાથે સંબંધ તોડી નાખે છે, જેઓ હવે તેઓના સંગઠનનો ભાગ નથી?

શું યહોવાના સાક્ષીઓ એવા લોકો સાથે સંબંધ તોડી નાખે છે, જેઓ હવે તેઓના સંગઠનનો ભાગ નથી?

 જો કોઈ યહોવાના સાક્ષીઓ ખુશખબર જણાવવાનું અને સભાઓમાં જવાનું બંધ કરી દે, તો અમે તેઓ સાથે સંબંધ તોડી નાખતા નથી. હકીકતમાં, અમે તેઓને મદદ કરીએ છીએ, જેથી તેઓનાં દિલમાં ઈશ્વર માટે ફરીથી પ્રેમ જાગે.

 જો કોઈ સાક્ષી મોટી ભૂલ કરે, તો જરૂરી નથી કે તેને મંડળમાંથી કાઢી મૂકવામાં આવશે, એટલે કે બહિષ્કૃત કરવામાં આવશે. પણ જો બાપ્તિસ્મા પામેલ કોઈ ભાઈ કે બહેન વારંવાર ઈશ્વરનો નિયમ તોડે અને પસ્તાવો ન કરે, તો તેને બહિષ્કૃત કરવામાં આવે છે. બાઇબલમાં સાફ સાફ લખ્યું છે: “તમારી વચ્ચેથી દુષ્ટ માણસને દૂર કરો.”—૧ કોરીંથીઓ ૫:૧૩.

 જો કોઈ ભાઈને બહિષ્કૃત કરવામાં આવ્યા હોય, પણ તેની પત્ની અને બાળકો હજી યહોવાના સાક્ષીઓ હોય, તો શું? ભલે એ ભાઈ હવે સંગઠનનો ભાગ નથી, પણ તે હજીયે કુટુંબનો ભાગ છે. તેની પત્ની અને તેનાં બાળકો હજી તેને પ્રેમ કરશે અને માન આપશે.

 બહિષ્કૃત વ્યક્તિ અમારી સભાઓમાં આવી શકે છે. તે ચાહે તો વડીલો પાસેથી બાઇબલ આધારિત સલાહ માંગી શકે છે. વડીલો બહિષ્કૃત વ્યક્તિની મદદ કરવા માંગે છે, જેથી તે ફરીથી ઈશ્વરની ભક્તિ કરી શકે. જો બહિષ્કૃત વ્યક્તિ ખોટાં કામો કરવાનું છોડી દે અને બતાવી આપે કે તે બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે ચાલવા માંગે છે, તો તેનો ફરીથી યહોવાના સાક્ષી તરીકે આવકાર કરવામાં આવે છે.